‘મહાગુજરાત’ એના સુવર્ણજયંતિ વર્ષમાં પ્રવેશી ચૂકયું છે ત્યારે એણે અર્ધી સદીના સમયગાળા દરમ્યાન પત્રકારત્વના ક્ષેત્રે જ યોગદાન આપ્યું છે. એની ગૌરવભરી નોંધ પત્રકારત્વના ઇતિહાસમાં જરૂર લેવાશે. એણે એના ઉગમકાળથી તે આજ સુધી મુખ્યત્વે ઉત્તર ગુજરાતની અને તબક્કે તબક્કે સારાયે ગુજરાતની તેમ જ દેશની સમસ્યાઓને લોક હિતાર્થે વાચા આપી છે. આમ કરવામાં એણે પત્રકારત્વનાં ઉચ્ચધોરણો જાળવીને તેમજ ક્ષીર નીર વિવેક દાખવીને કોઇપણ પ્રવાહમાં બિનજરૂરી રીતે ખેંચાયા સિવાય સમસ્યાઓને નિર્ભિકપણે રજૂ કરી છે. આ ખાસિયતને કારણે મહાગુજરાતે પ્રજામાં એની એક આગવી ઓળખ ઉભી કરી. પરિણામે એનો એક આગવો ચાહકવર્ગ ઉભો થયેલો છે. મુંબઇ, સુરત, વડોદરા અને અમદાવાદ જેવાં શહેરોમાં વસતા ઉતર ગુજરાતીઓ ‘મહાગુજરાત’ના અંકની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.
‘મહાગુજરાત’ની આ ઓળખ પાછળ મુખ્યતવે તો એના તંત્રીશ્રી પ્રહલાદભાઇ ખમારનો એકધારો પુરુષાર્થ રહેલો છે. શ્રી પ્રહલાદભાઇ સ્વાતંત્ર્ય સેનાની હતાં. યુવાની ના સમયથી જ દેશદાઝ એમના હૈયે વસેલી હતી. હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં એમણે સ્વયંસેવક તરીકે નોંધપાત્ર સેવાઓ આપેલી-દેશની સમસ્યાઓનો એમને અભ્યાસ હતો એટલું જ નહિં પણ દેશ માટે કંઇક કરી છૂટવાની એમની ઝંખના તીવ્ર હતી. પોતે ‘ગુજરાત’ ‘સંદેશ’‘જન્મભૂમિ’‘નવસૌરાષ્ટ્ર’અને ’વંદેમાતરમ’ના વૃતાંતનિવેદક હતા, એટલે પત્રકારત્વના માઘ્યમ દ્વારા એમની દેશદાઝા વિવિધરૂપે પ્રગટાવી હતી.
રાષ્ટ્રીય પત્રો તો પોત પોતાની નિતિ રીતિ પ્રમાણે દેશની સમસ્યાઓને સ્પર્શીને જનમત અને જાગૃતિ કેળવતાં હતા. પણ પ્રાદેશિક સમસ્યાઓ મોટાભાગે વણસ્પર્શી રહી જતી હતી. ઉત્તર ગુરાતમાં પ્રાદેશિક કહી શકાય એવું કોઇ વૃત્તપત્ર નહોતું. આ ઉણપ શ્રી પ્રહલાદભાઇના ધ્યાનમાં હતી જ એમણે એ ખોટ પૂરવાનો સંકલ્પ કર્યો, અને એમણે ઇ.સ. 1949માં ‘મહાગુજરાત’ સાપ્તાહિકનો આરંભ કર્યો. શ્રી પ્રહલાદભાઇને પત્રકાર તરીકેનો બહોળો અનુભવ તો હતો જ. પ્રજાસેવક હોવાને નાતે જનપદી સમસ્યાઓની એમણે જાણકારી હતી. આ ભૂમિકાને કારણે ‘મહાગુજરાત’ને લોકપ્રિય બનતાં વાર ન લાગી. ઉત્તર ગુજરાતની પ્રજાને તો ‘મહાગુજરાત‘ પોતાનું જ મુખપત્ર હોય એવો અહેસાસ થવા લાગ્યો.
રાધનપુર વિસ્તારના તેમ જ ગુજરાતની સરહદ ઉપરના પોતાના જાત અનુભવને કારણે શ્રી પ્રહલાદભાઇને પાટણ-શિહોરી રાધનપુર વગેરે સ્થળોને જોડતા પાકા રસ્તાની તાતી જરૂરીયાત જણાઇ હતી. ‘મહાગુજરાતની સ્થાપના પછી આ જરૂરીયાતને વાચા આપવાનું શ્રી પ્રહલાદભાઇ માટે સુગમ બન્યું. એમણે એ માધ્યમ દ્વારા અવાર નવાર અસરકારક રજૂઆતો કરી જેનાં કેટલાક ફળદાયી પરીણામો પણ આવ્યા.
ઇ.સ. 1954માં શ્રી પ્રહલાદભાઇએ પાટણ-રાધનપુર રેલ્વેના જોડાણનો પ્રશ્ન ઉપાડ્યો. એમણે નક્ષાઓ દ્વારા એવી સચોટ રજુઆતો કરી કે અમદાવાદથી રાધનપુર વાયા હારીજ કરતા વાચા પાટણ અંતરની દ્રષ્ટિએ ટુકું છે. ઉપરાંત બહુજન સમાજની સવલતો અને વેપાર રોજગારની દ્રષ્ટિએ પણ રેલ્વેનું વાયા પાટણનું જોડાણ વધારે ઉપયોગી અને આર્થિક રીતે ફાયદા કારક છે. આ હકીકતને શ્રી પ્રહલાદભાઇએ અસરકારક ઝુંબેશ દ્વારા સરકારી તંત્રને સૈધ્ધાંતિક રીતે ગળે ઉતરાવી.
આ પછી એમણે કાંસા-ભીલડી રેલ્વે જોડાણની માંગણી જોર શોરથી ઉપાડી ગુજરાત રાજસ્થાનનું જોડાણ ટુંકા અંતરે થઇ શકે એ વાત પણ વારંવાર રજુ કરીને એમણે એક પ્રચંડ જનમત ઉભો કર્યો અને એ માર્ગે સરકારી તંત્રને પ્રભાવિત કર્યુ.
મહાગુજરાતના માધ્યમ દ્વારા શ્રી પ્રહલાદભાઇ રેલ્વે રસ્તા વગેરેની સબળ રજુઆતો ઉપરાંત વખતો વખત શિક્ષણ સંસ્થાઓને લગતી યુનિવર્સિટીની સ્થપાનાને લગતી સ્થાનીક ટ્રાફીકને લગતી મ્યુનિસિપલ કે અન્ય સરકારી કચેરીઓના વહીવટને લગતી સમસ્યાઓને છણાવટ કરતા રહ્યા છે. સ્થાનિક પ્રશ્નોની તટસ્થ પણે છણાાવટ કરીને જરૂરી પગલા લેવાય એ માટે મહાગુજરાત પાછી પાની કરી નથી. છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી પાટણ મહેસાણા વચ્ચે રેલ્વે લાઇનમાં પડેલા ભંગાણને કારણે અટકી પડેલી રેલ્વેની આવનજાવનને કારણે મુસાફરોને પડતી હાલાકી અંગે મહાગુજરાતે જોરદાર આર્કોપ રજૂ કર્યો છે. અને રાજકીય નેતાઓ અને પાર્લામેન્ટના સભ્યોને સાબદા કરીને પ્રશ્નોને બરાબર એરણ ઉપર રાખ્યા કર્યો છે, એનું સુભગ પરિણામ રેલવેતંત્રની જાગૃતિમાં આવ્યું છે.
‘મહાગુજરાત’ માત્ર સમાચાર પત્ર નથી. પણ માનવી સુંસંસ્કારને પીપક બની રહેએ કક્ષાનું સંસ્કારપત્ર પણ છે. એમાં સાહિત્ય, સંસ્કૃતિ, આધ્યાત્મ, ધર્મચિંતન,શિલ્પ સ્થાપત્ય વગેરેને લગતી રચનાઓ પીરસાય છે. સાહિત્ય અને સ્થાપત્યના ક્ષેત્રમાં તો એણે નોંધપાત્ર પદાન કર્યું છે. એના દીપોત્સવી તથા અન્ય વિશેષાંકોમાં કલાત્મક વાર્તાઓ પ્રગટ થતી રહી છે.‘મહાગુજરાત’માં ” પ્રગટ થયેલી નવલકથાઓ અને વાર્તાઓએ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું . એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. શિલ્પ અને સ્થાપત્યના ક્ષેત્રમાં પણ ‘મહાગુજરાત’ નો ઉમદા ફાળો છે. સ્વ. રમણલાલ મોદી, સ્વ. ભોગીલાલ સાંડેસરા, સ્વ. કનૈયાલાલ દવે, સ્વ. મોહનલાલ પટેલ જેવા સમર્થ સશોધકો અને ઇતિહાસવિદોની કલમનો લાભ ‘મહાગુજરાત’ને મળ્યો છે, એ કોઇ નાની સૂની પ્રાપ્તિ નથી, ઉપરોકત વિદ્વાનોના લેખો દ્વારા ‘મહાગુજરાત’ના પાનાં ઉપર સોલંકી કાળના ઇતિહાસ અને શિલ્પસ્થાપત્યની એક વિશ્વનીય છબી ઉપસી હતી. જેનો સિલસિલો હજુય અન્ય અભ્યાસીઓ દ્વારા ચાલુ છે. વૈષ્ણવ સંપ્રદાયનું ધાર્મિક ચિંતન ‘મહાગુજરાત’ના વાચકોને પ્રરણાદાી પાર્થેય પુરું પાડે છે.
શ્રી પ્રહલાદભાઇનો આદર્શ સ્વ. કકલભાઇ કોઠારી રહ્યા હતાં. કોઇની પણ શેહ શરમમાં તણાયા વિના અને કશી અતિશયોકિત કે અલ્પોક્તિ નો દોષ વહોર્યા સિવાય શ્રી પ્રહલાદભાઇ પોતાને જે કહેવું છે એ નિર્ભિકપણે તંત્રી લેખોમાં કહેતાં. સમસ્યા પરત્વેનું તાટસ્થ્ય એ ‘મહાગુજરાતના તંત્રીલેખનું ભૂષણ બની રહ્યું હતું. શ્રી માવલંકર જેવા ટોચના રાજકારણવિદ્ પણ શ્રી પ્રહલાદભાઇના તંત્રીલેખોને અવારનવાર બિરદાવ્યા હતાં.
75 વર્ષથી મહાગુજરાતે એનું આગવું ધોરણ જાળવી રાખીને વિકાસ કર્યો છે. આ વિકાસયાત્રામાં શ્રી પ્રહલાદભાઇ ખમારના પુરુષાર્થ, ઉપરાંત એમના સુપુત્રો સ્વ. શ્રી મહેન્દ્ર ખમાર અને શ્રી હર્ષદ ખમાર, કિરીટભાઇ ખમારનો પણ મહત્વનો ફાળો અને સહયોગ રહ્યાં છે.
– સંસ્થાપક તંત્રી શ્રી પ્રહલાદભાઇ ખમાર