જ્યારે પત્રકારત્વના પરમોચ્ય મુલ્યોની વાત કરવાની હોય અને આ પૂનિત પરિક્ષેત્રના ચુનંદા-કર્મઠ અને સમર્પિત પત્રકારોની વાત કરવાની હોય એટલે સમગ્ર ગુજરાતમાં જેમની અગ્રગણના કરાય છે અને જેમણે છેલ્લા સાઠ વર્ષની દીર્ધ અને યશસ્વી મજલ દરમિયાન ચરિતાર્થ કર્યા છે એવા શ્રી પ્રહલાદભાઇ પી. ખમારને ત્રણ તાલીના માન સાથે અને અદકેરા આદર સાથે અવશ્ય યાદ કરવા પડે. અણહિલપુર પાટણના વતની એવા શ્રી પ્રહલાદભાઇ ખમારને એકલા પાટણ પુરતા સમિત રાખીને તેમનાં જીવન-હવનને ગાઇ ના શકાય અને તેમના બહુ આયામી વ્યક્તિત્વની સાચી પરખ ના કરી શકાય! અને આમેય પત્રકાર કોઇ મુલક માટે કોઇ મુદ્દા માટે કોઇ મકસદ માટે પરિમીત ના હોઇ શકે…. તો પછી પત્રકારત્વના પારલ-પીંપળા એવા શ્રી પ્રહલાદભાઇ ખમારને પાટણના પીઢ પત્રકાર કહેવા કરતાં સમગ્ર ગુજરાતના ઊંચી કોટીના પત્રકાર તરીકે મુલવવા પડે!
સને, 1939-40નો સમય હતો! દેશ પરાધીન હતો-પ્રજા થયેલી હતી…. અખબારી સ્વાતંત્ર્યતો શું પણ અખબારી સંકણામણ પણ રાજદ્રોહ તરીકે જોવાતી હતી, તેવા ટાણે પાટણવાડા પંથકમાં પત્રકાર-પ્રહલાદભાઇનો આવિર્ભાવ થયો હતો.
શ્રી પ્રહલાદભાઇની કારકિર્દીનો આરંભ પ્રજામંડળના ગ્રામ વિભાગના પ્રચારક તરીકે થયો હતો. પ્રજામંડળના ગ્રામ વિભાગના પ્રચારક તરીકે થયો હતો. પ્રજામંડળના ગ્રામ પ્રચારક તરીકે ગ્રામ વિસ્તારના પરિચયમાં આવેલા અને ગામડાની સમસ્યાઓથી વાકેફ થયેલા પ્રહલાદભાઇએ મહેસાણા સ્થિત લોકસેવક અને જિલ્લા પ્રજામંડળના સેક્રેટરીશ્રી ભાનુપ્રસાદ જાની પાસેથી પત્રકારત્વની દિક્ષા લઇને તે સમયના સંદેશ ને ગુજરાત સમાચાર, જન્મભૂમિ અને નવસૌરાષ્ટ્ર જેવા રાષ્ટ્રીય અખબારોના વૃત્તાંત નિવેદક તરીકે કામગીરી આરંભી હતી.
પ્રહલાદભાઇ 40ના દાયકાની વાત કહેતા જણાવે છે કે, તે વખતે અખબારોનો પ્રસાર ઓછો હતો. પણ અખબારોની રજૂઆતોની અસર રાજ્ય તંત્ર પર અને ખાસ કરીને અધિકારીઓ ઉપર પણ ખૂબ થતી. ગૂલામીનું પ્રજાકીય માનસ અખબારોની માહિતી આપવામાં ડરતું અને પત્રકારો અધિકારીઓની આંખમાં કણાની માફક ખૂંચતા… બસ આવા સમયમાં જ પ્રહલાદભાઇને શ્રી પુરુષોત્તમદાસ પટેલ (દાસ કાકા) શ્રી સાંકળચંદ પટેલ, શ્રી વિજયકુમાર ત્રિવેદી, કૃષ્ણલાલ વ્યાસ જેવા મહાનુભવોની નિશ્રા મળી હતી. આવા મહાનુભાવોની સંનિધિમાંથી શ્રી પ્રહલાદભાઇએ દેશદાઝના પાઠ શીખ્યા હતા. સને, 1941ની વાણી સ્વાતંત્ર્યની લડતમાં સત્યાગ્રહી તરીકે જોડાયેલા પ્રહલાદભાઇએ શેરથા નજીક જમિયતપુરા ગામે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ભાગ લઇ આઝાદી સંગ્રામના મહાયજ્ઞમાં પોતાની આહુતી આપી હતી. જેના કારણે તેમની ધરપકડ કરાઇ હતી. સને, 1941નાં માર્ચ માસમાં તેમને છ માસની કારાવારની સજા ફરમાવી. સાબરમતી જેલમાં મોકલી અપાયા હતા. આઝાદીની લડતમાં હિસ્સેદાર બનવાનું ગૌરવ આજના દહાડે પણ પ્રહલાદભાઇના વદન પર ખૂમારીની અને કૃતજ્ઞતાની લકીરો હંમેશા બનીને ચમકી ઉઠતી. તેમના શબ્દોમાં પણ ધન્યતાનો પ્રતિશોધ સંભળાતો. એક કાળા દિવસોમાં આઝાદીની લડતમાં ભાગ લેવાનું ગૌરવ સૌથી સવાયું હતું. માતૃભૂમિના મુક્તિ સંગ્રામમાં સહભાગી બનવાનું શ્રેય તમને સાંપડ્યું, જેને જીંદગીનું સૌથી શ્રેષ્ઠ સદ્ભાગ્ય સમજ્યા હતાં. આઝાદીના સંગ્રામમાંથી પ્રાપ્ત થયેલું તેમનું દેશાભિમાન તેમની કર્તવ્યનિષ્ઠા અને પ્રજા સર્મપણની ભાવના તેમના પત્રકાર તરીકેના દાયિત્વમાં સદાકાળ વર્તાતી છે તે સાચે જ નોંધપાત્ર બાબત છે.
મિલનસાર-માયાળુ-મિતભાષી-વ્રતનિષ્ઠ પ્રહલાદભાઇ એક પત્રકાર તરીકે દર્શનીક બની રહ્યા હતા. સને, 1949ની તા. 2 ફેબ્રુઆરી મહાગુજરાત સાપ્તાહિકનો પ્રારંભ કર્યો એક શુકન વંતા ચોઘડિયે આરંભાવેલું મહાગુજરાતનું મહાપ્રસ્થાન આજે 74 વર્ષની યશસ્વી અને ઝળહળી મઝલબાદ ગૌરવવંતા મુકામ પર પહોંચ્યું છે. પાટણવાડા પંથકમાં પત્રકાર તરીકે પત્રકારિત્વના પરીક્ષેત્રમાં પદાર્પણ કરનાર શ્રી પ્રહલાદભાઇ પ્રથમ મહાનુભવ હતા. અને મહાગુજરાત સોપ્રથમ લઘુઅખબાર હતું. મહાગુજરાતના આરંભની વાત કહેતા શ્રી પ્રહલાદભાઇ તેમના સમકાલિન એવા રાષ્ટ્રધર્મ ભેરી જેવા લઘુઅખબારો અને શ્રી કાન્તીપ્રસાદ યાજ્ઞિક અને શ્રી કેશવલાલ શાહ જેવા પત્રકારોને સ્નેહપૂર્વક યાદ કરતાં. શ્રી કકલભાઇ કોઠારી જેવા સમર્થ પત્રકાર પાસેથી પીધેલાં પ્રેરણાં પીયુષ શ્રી પ્રહલાદભાઇ હંમેશા યાદ કરી ધન્યતા અનુભવતા હતાં.
શ્રી પ્રહલાદભાઇની પત્રકાર તરીકેની કારકિર્દી દરમિયાન સને, 1947ની આઝાદી બાદ દેશી રજવાડાંના વિલીનીકરણ વખતે મૂર્તિમંત થયેલ વિરલ ઘટના પ્રહલાદભાઇ એ મતે સર્વશ્રેષ્ઠ છે.
દેશી રજવાડાં અને બનાસકાંઠા પંથકની નાની ઠકરાતોને ભારત સરકાર સાથે સાંકળી લેવા માટે તત્કાલિન ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ જહેમત ઉઠાવી રહ્યા હતા તે વખતે રાધનપુર સ્ટેટના નવાબ તેમના સ્ટેટને ભારત સરકાર સાથે જોડવા સહમત નહોતા. રાધનપુરને પાકિસ્તાન સાથે સાંકળવાનો એક ગુપ્ત પ્લાન તૈયાર થઇ રહ્યો હતો. આ છુપી હિલચાલની ગંધની ભાળ મેળવવા માટે યુવાન પત્રકાર પ્રહલાદભાઇએ સરહદના થરાદ-શિહોરી-રાધનપુર પ્રદેશોનો પ્રવાસ ખેડી સમગ્ર હિલચાલનો પર્દાફાશ કર્યો હતો. એ આવી ઘટના ગુજરાત સમાચાર-સંદેશ નવ સૌરાષ્ટ્ર અને જન્મભૂમિ જેવા અગ્રણી વર્તમાનપત્રોમાં પ્રથમ પાને પ્રસિધ્ધ થતાં ભારતના ગૃહખાતાએ અનુસાંગિક લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી. અને રાધનપુર સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાતાં રોક્યું હતું. આખી ઘટનાને તેમની જિંદગીની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધ તરીકે ઉલ્લેખતાં આજના પીઢ પત્રકાર શ્રી પ્રહલાદભાઇ પરમ ધન્યતાનો હંમેશા અનુભવ કરતા હતાં.
શ્રી પ્રહલાદભાઇ ખમારનાં તંત્રીપદે સને 1949ની સાલમાં કાર્યરત થયેલું મહાગુજરાત સાપ્તાહિક પાટણ અને મહેસાણા જિલ્લાના બહુ આયામી વિકાસમાં સહભાગી બનવાની સાથે “રોષ નહી રહમ નહીના સુત્ર સાથે મૂલ્યનિષ્ઠ-ધ્યેયનિષ્ઠ અને તટસ્થ લઘુ અખબાર તરીકે બૃહદ નામના અને પ્રચંડ લોકસ્વિકૃતિ પામી ચુક્યું છે. આ વિસ્તારના રસ્તાના પ્રશ્ર્નો પાણીની સમસ્યાઓ-વીજળી-રેલવે-શિક્ષણ-આરોગ્ય જેવા પ્રજાકીય પ્રશ્ર્નોની પ્રસિદ્ધિ કરી લોકોના પ્રશ્ર્નોને ઉજાગર કરવામાં પ્રહલાદભાઇએ યશસ્વી ફાળો આપ્યો હતો. લોકોના પ્રશ્ર્નોનો ને સતત સમજતા રહી-લોકોની વેદનાને હૈયે રાખી સર્વજનહિતાય બાબતોને ઉજાગર કરવામાં પ્રહલાદભાઇ કદી પણ ઉણા ઉતર્યા ન હતાં. જેના કારણે લોકમાનસ પ્રહલાદભાઇની સ્વિકૃતિ સહજ બની હતી.
તેમની દીર્ધ અને સરાહનીય કારકિર્દી દરમ્યાન એક પત્રકાર તરીકે-લોકસેવક તરીકે અને માયાળુ માનવી તરીકે શ્રી પ્રહલાદભાઇએ હજારોની સરાહના હાંસલ કરી હતી. સેવાના વિવિધ ક્ષેત્રોમાં સતત સંકળાયેલા પ્રહલાદભાઇએ એડીટર કાઉન્સીલ ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ તરીકે ગુજરાત તંત્રી સંઘના ઉપપ્રમુખ તરીકે ઓલ ઇન્ડિયા એડીટર્સ કોઉન્સીલની સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે ઓલ ઇન્ડિયા સ્મોલ એન્ડ મીડિયમ ન્યુઝ પેપર જેવી સંસ્થાઓમાં તેમની કામગીરી યશસ્વી રહી હતી.
પાટણ નગરપાલિકાના સદસ્ય તરીકે-એસ.ટી. સલાહકાર બોર્ડના મેમ્બર તરીકે અને ગુજરાત ટેલીફોન સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. જનકલ્યાણને વરેલી રેડક્રોસ સોસાયટી પાટણમાં પણ તેમનું યોગદાન નેત્રદિપક રહ્યું છે અને 4 વર્ષ સુધી તેના પ્રમુખ રહ્યા હતાં.
ગુજરાત સરકારે પીઢ પત્રકાર તરીકે ગુજરાત પ્રેસ એક્રીડેશન કમિટીમાં પણ તેમની નિમણુંક કરેલી હતી.
આવું બૃહદ અને બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા શ્રી પ્રહલાદભાઇએ પત્રકારત્વને સાચાઅર્થમાં ન્યાય મળી શકે તે માટે લોકો સાથેના તાદામ્ય સૌથી વધારે અર્થપૂર્ણ ગણાવતાં હંમેશા કહેતા કે, લોકોના પ્રશ્ર્નોને સરકાર સુધી પહોંચાડી પત્રકારે તેનું દાયિત્વ નિભાવવું જોઇએ. શ્રી પ્રહલાદભાઇ સેવાભાવી સંસ્થાઓના વિકાસમાં પત્રકારે પ્રોત્સાહન આપવું જોઇએ તેવું ખાસ કહેતા.
ઉંચી કોટીના સમર્પિત પત્રકાર તરીકે તેમણે પત્રકારત્વના મુલ્યોને સાર્વાધિક અગ્રીમતા આપીને જીવન પર્યત રખોપ્યાં હતાં. પત્રકારત્વને વ્યવસાય તરીકે નહીં એક મશીન તરીકે અપનાવીને શ્રી પ્રહલાદભાઇએ આ ક્ષેત્રમાં દાખલારૂપ અને દીવાદાંડી સમાન વ્યક્તિત્વ ઉભું હતું.
તે સાચા અર્થમાં કાબિલેયશ છે. કાબેલિયે દાદ છે.
– સંસ્થાપક તંત્રી શ્રી પ્રહલાદભાઇ ખમાર