February 19, 2026
Maha Gujarat
Other

દીકરીઓનું સાકાર થયેલ સ્વપ્ન : “નીરવ રીડીંગ લાઇબ્રેરી”

કે. કે. ગર્લ્સ વિદ્યાલય આજે માત્ર એક સરકારી શાળા નથી રહી, પરંતુ તે સામાન્ય પરિવારની દીકરીઓના સ્વપ્નોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું એક મજબૂત માધ્યમ બની ગઈ છે.

વ્યવસાયલક્ષી શિક્ષણના માધ્યમથી આ દીકરીઓ આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે. ખાસ કરીને બ્યુટી એન્ડ વેલનેસ વ્યવસાયલક્ષી ટ્રેડમાં તેઓ નાના-મોટા કામ કરીને પોતાના પરિવારને મદદ કરી રહી છે. આ શાળા દીકરીઓને માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ આત્મનિર્ભરતાની પાંખો પણ આપી રહી છે.

થોડા સમય પહેલાં, કેટલીક દીકરીઓએ તેમની વેદના વ્યક્ત કરી હતી. તેઓ કહેતી કે, “અમે ખૂબ નાના મકાનોમાં રહીએ છીએ. જગ્યાના અભાવે અભ્યાસમાં મોટી તકલીફ પડે છે. અમારે ખૂબ સારું ભણવું છે, પરંતુ વ્યવસ્થાના અભાવે મુશ્કેલી આવે છે.” દીકરીઓને ભણવું હતું પણ શાંતિથી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાનો અભાવ નડતો હતો. દરેક મુશ્કેલી એના સમાધાન સાથે આવતી હોય છે.

આ દીકરીઓનું સ્વપ્ન હતું – એક સુંદર અને આરામદાયક રીડીંગ લાઇબ્રેરી, જ્યાં તેઓ શાંતિથી અભ્યાસ કરી શકે. આ સ્વપ્નને પૂરું કરવું ખર્ચાળ અને પડકારજનક કાર્ય હતું, પરંતુ ઈશ્વરની કૃપા અને ડૉ. મીનાબેન ઓઝા-પારેખ (USA)ની ઉદાર સખાવતથી આજે તે વાસ્તવિક બની ગયું છે.

આ સફર સાકાર કરવામાં ડૉ. મીનાબેન ઓઝા-પારેખનો સહયોગ અમૂલ્ય રહ્યો છે. તેઓ કે. કે. ગર્લ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થિની છે અને પાટણ તેમની માતૃભૂમિ છે. અમેરિકામાં વસતા હોવા છતાં, તેઓ જ્યારે જ્યારે ભારત આવે છે ત્યારે શાળાની મુલાકાત લેવાનું ભૂલતા નથી.

ડૉ. મીનાબેને શાળાને અનેક વખત આર્થિક અને ભાવનાત્મક સમર્થન આપ્યું છે. તેઓએ અવાવરું જગ્યાને સુંદર નીરવ ઉદ્યાનમાં પરિવર્તિત કરવાથી લઈને ઝુલા, પ્રાર્થના ખંડનું રિનોવેશન, સાઉન્ડ સિસ્ટમ, નોટબુક અને ચોપડાની વ્યવસ્થા, દીકરીઓના સ્વાસ્થ્ય માટે નીરવ ફિટનેસ જીમ અને શાળાના પ્રવેશદ્વારના ઉદ્યાન જેવા અસંખ્ય કાર્યોમાં યોગદાન આપ્યું છે.

જ્યારે દીકરીઓની રીડિંગ લાઇબ્રેરીની ઈચ્છા તેમની પાસે વ્યક્ત કરવામાં આવી, ત્યારે ડૉ. મીનાબેને કોઈ પણ પ્રકારની આનાકાની વગર તરત જ સંમતિ આપી. તેઓએ કહ્યું કે, “જેટલો ખર્ચ થાય તેટલો કરીશું. ઝડપથી બનાવી દો. હું ભારત આવું છું ત્યારે દીકરીઓ પાસે આ વ્યવસ્થા હોવી જોઇએ”

તેમના સહયોગથી જરૂરી ફર્નિચર, આરામદાયક ખુરશીઓ, પૂરતી લાઇટિંગ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી. આજે આ અદ્યતન રીડિંગ લાઇબ્રેરી તૈયાર છે.  જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી પુસ્તકો પણ ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરીનું નામકરણ મીનાબેનના સ્વર્ગસ્થ પુત્ર નીરવની પુણ્યસ્મૃતિમાં “નીરવ રીડિંગ લાઇબ્રેરી” કરવામાં આવ્યું છે.

આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન આગામી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ને બુધવારના રોજ ડૉ. મીનાબેનના વરદ હસ્તે કરવામાં આવશે.

આ માત્ર એક લાઇબ્રેરી નથી, પરંતુ સરકારી શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું એક નવું કેન્દ્ર છે. આનાથી કે. કે. ગર્લ્સ માત્ર ધોરણ ૯થી ૧૨ની શાળા નહીં રહે, પરંતુ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે પણ એક માર્ગદર્શક કેન્દ્ર બનશે. આ કાર્યમાં શાળાના સમર્પિત શિક્ષક કમલેશભાઈ સ્વામીનું વિશેષ યોગદાન છે. તેઓ નિવૃત્ત હોવા છતાં પણ ઉત્સાહથી આ કાર્યમાં જોડાયા છે. છેલ્લા એક મહિનાથી સ્ટાફ મિત્રો પણ આને સાકાર કરવા મહેનત કરી રહ્યા છે.

ડૉ. મીનાબેનનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. તેઓએ એક સરકારી શાળાને સુંદર, સશક્ત અને સગવડસંપન્ન બનાવવા માટે પોતાનો ધનભંડાર ઉદાર દિલથી ખોલી દીધો છે. જગદંબાને પ્રાર્થના કે તેમના ઉપર અવિરત કૃપા વરસાવે અને ભગવાન શ્રીનાથજી તેમને પ્રસન્ન રાખે !

આ સફર દર્શાવે છે કે સમર્પણ અને ઉદારતાથી કોઈ પણ સ્વપ્નને વાસ્તવિક બનાવી શકાય છે. કે. કે. ગર્લ્સની દીકરીઓ આજે ખુશ છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.

 

Related posts

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો. દ્વારા મહેશભાઇ શાહના સહકારથી “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરાયું

mahagujarat

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

Leave a Comment