ચાણસ્મા હાઈસ્કૂલના આચાર્યના સન્માન સમારોહ પ્રસંગે જાહેરાત
ખબરપત્રી : ચાણસ્મા
ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ઉપક્રમે પી.પી. પટેલ હાઇસ્કૂલના આચાર્ય પી.જી. પટેલની શંખલપુર નૂતન હાઇસ્કૂલના આચાર્ય પદે નિયુક્તિ થતાં તેમણે આપેલી સેવાઓને સન્માનવાનો સમારંભ ગુરુવારે પીએસપી પ્રોજેક્ટના ચેરમેન પી.એસ. પટેલના મુખ્ય મહેમાન પદે, લેખક વરિષ્ઠ પત્રકાર મણિલાલ એમ. પટેલના અતિથિ વિશેષ પદે તથા કોમર્શિયલ બેંકના ચેરમેન ચંદ્રકાંત પટેલના પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પી.એસ. પટેલ તરફથી ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે રૂ.1 કરોડ 51 લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરાઈ હતી. જ્યારે પી.જી. પટેલે 71 હજારનું દાન શાળાને કર્યું હતું. ઉપરાંત પી.જી.પટેલ વતી મિત્રભાવે પી.એસ. પટેલે પણ શાળા માટે દાનની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પી.જી. પટેલનું સાલ, સન્માન પત્ર અને સ્મૃતિ ચિન્હથી વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. કેળવણીકાર મનુભાઈ પટેલ, ઉદ્યોગપતિ વસંતભાઈ પટેલ, પૂર્વ આચાર્યા શોભનાબેન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.