શ્રી નરેન્દ્રભાઇ મોદી શાસનના 9 વર્ષ પૂર્ણ થયા
“વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યુગપુરુષ છે, તેમનામાં દેવીશક્તિ કામ કરી રહી છે અને દેવી આશિર્વાદ સદાય તેમના ઉ5ર છે આવા દીર્ધદૃષ્ટા શ્રી નરેન્દ્ર મોદી આવતા દિવસોમાં ભારતને વિશ્ર્વગુરૂ બનાવશે.
પાટણમાં વિધાનસભા પરિવાર દ્વારા યોજાયેલ વેપારી અને પ્રબુધ્ધ નાગરીક મહાસંમેલનને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રવક્તા-આ સંમેલનના મુખ્યવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારનાર આ યુગપુરુષના 2035 સુધીમાં આ દેશ-ગુજરાતની પ્રજા તેમના ઠેરઠેર મંદિરો બનાવશે, તેવી તેમણે વડાપ્રધાન શ્રી મોદીની અતી પ્રશંસા કરી હતી.
કેન્દ્રની ભાજપની શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ સરકાર દ્વારા દેશે વિકાસની ગતીમાં હરણફાળ ભરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધ્યું છે.
પાટણમાં વહેપારી અને પ્રબુધ્ધ નાગરીકોનું મહાસંમેલન યોજાયું
પાટણની કડવા પાટીદાર વાડીમાં યોજાયેલ આ સંમેલનમાં હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, “કાશ્મીરમાં 370 કલમ નાબુદ કરવાનું હિંમતપૂર્વક પગલું, અયોધ્યામાં અતીભવ્ય રામમંદિર બની રહ્યું છે, કાશી વિશ્ર્વનાથ મંદિર, ઉજ્જૈન મહાકાલ મંદિર, ગુજરાતનું પાવાગઢ મંદિર જેવા અનેક હિન્દુ ધાર્મિક સ્થાનોનો વિકાસ શ્રી મોદી સાહેબે 9 વર્ષનાં ટૂંકા શાસનમાં કર્યો છે.
આવતા દિવસમાં કોમન સિવિલ કોડ, પી.ઓ.કે. ને ભારતમાં સામેલ કરવા જેવા અનેક કામો શ્રી નરેન્દ્રભાઇ મોદી કરનાર છે. ત્યારે ભારતની પ્રજાએ બીજા પ્રશ્ર્નોને ગૌણ રાખી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સહીયોગ આપવા અપિલ કરી હતી.
હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે પાછલા 66 વર્ષની સરકારોએ કોઇ કામો કર્યા નથી. 2014માં પાછલી સરકારોએ 2 1/2 લાખ કરોડનું પેટ્રોલીય દેવું કર્યું હતું. દેશ પાસે દારૂ ગોળો ખલાસ થઇ ગયો હતો, મિસાઇલો ન હતી. આજે 9 વર્ષમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરની લશ્કરી તાકાત બની ગઇ છે. પાછલા 66 વર્ષના અનેક શાસકો આપણે જોયા, પરંતુ 2014 બાદ અનેક બદલાવ આવ્યા છે. વિકાસની દિશા-દશા બદલાઇ ગઇ છે. યોજનાઓના કદ, લાભાર્થીઓની સંખ્યા બદલાઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇના આવ્યા બાદ રમખાણો, કરફ્યુ, સ્ટેબીંગ જેવી બાબતો ભૂતકાળની વાત બની ગઇ છે.
શ્રી હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. દુનિયાના બધા જ દેશો મોદીને માન આપે છે. અમેરીકાના વડાપ્રધાન બાયડન મોદી સાહેબની સહી લેવા ફરે છે, ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન મોદી સાહેબને દુનિયાના બોસ કહે છે. એક દેશના વડાપ્રધાન મોદી સાહેબના પગે પડે છે, ત્યારે દેશ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારનાર ભારતમાં વિકાસની ગતી તેજ કરનાર યુગપુરુષ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર શ્રધ્ધા રાખી, ધીરજ રાખવા વેપારીઓ, પ્રબુધ્ધ નાગરીકોને તેમણે અપિલ કરી, રોડ-રસ્તા-વીજળી-પાણી-ભુગર્ભ ગટર-ગટરો ઉભરાવા જેવા પ્રશ્ર્નો હાલગૌણ ગણવા અપિલ કરી હતી.
આ બેઠકમાં પાટણ શહેર પ્રમુખ કિશોર મહેશ્ર્વરી, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઇ પટેલ, વેપારી-પ્રબુધ્ધ સંમેલનના ઇન્ચાર્જ હેમંત તન્ના, જયેશ પટેલ, પ્રદેશ ભાજપમંત્રી જયશ્રીબેન દેસાઇ, ઇન્ચાર્જ વિરેશ વ્યાસ, ભરત મોદી, માનસિંહ ચૌધરી, ગૌરવ મોદી સહિતના ભાજપ અગ્રણીઓ, શહેરના વેપારીઓ, પ્રબુધ્ધ નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. સ્વાગત પ્રવચન કિશોર મહેશ્ર્વરીએ કરેલ.
(હર્ષદ ખમાર)