ગાયોની રક્ષા સાથે ગાયો ભૂખી કે તરસી ન રહેવી જોઇએ : આપણે પૂજનીય ગાયની સ્થિતિ દયનીય બનાવી દીધી છે : ભાઇશ્રી
ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણ પાસેના અનાવાડા ગામે શ્રીહરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે આયોજિત અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મોક્ષદા એકાદશી ગીતાજયંતિના શુભ દિનથી પ્રારંભ કરતા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ જણાવ્યુ હતુ કે વિશ્વ આખાની માનવતાને ઉદ્દેશીને ભગવાન શ્રીકૃષ્ણે ગીતાની રચના કરી છે.ગીતા,ગંગા,ગાયત્રી અને ગાય એ સનાતન સંસ્કૃતિની આધારશિલા છે.

દરરોજ 50 હજાર ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન : વાલ્મીકી સમાજની 51 દિકરીઓના કુમકુમ પગલાંથી કથાનો ભવ્ય પ્રારંભ થયો…
પ્રથમ દિવસની કથામા વિશ્વનું કલ્યાણ કરનારી શ્રીમદ્ ભાગવત ગ્રંથ નું મહિમાગાન કરતા પૂ.ભાઈશ્રી એ કહ્યું હતુ કે ગાયોની રક્ષા કરવાની સાથે સાથે ગાયો ભૂખી કે તરસી ન રહેવી જોઈએ,ગંગા જેવી પવિત્ર નિર્મળ નદીઓના પાણી ક્યારેય સુકાવા ન જોઈએ, ગીતાનો પ્રચાર અને વેદમાતા ગાયત્રીના મંત્રજાપ કાર્ય અટકવુ ન જોઈએ આ બાબતે જાગૃત રહી અધ્યાત્મ સંસ્કૃતિનું જતન કરવા જણાવ્યું હતુ.
પાટણની પુણ્યશાળી ધરતી પર સત્તર વર્ષ પછી શ્રીમદ્ ભાગવત કથા કરવાનો અવસર પ્રાપ્તિનો આનંદ અનુભવતા પૂ.ભાઈશ્રીએ વાલ્મિકી સમાજની કળશધારી દીકરીઓ સાથે કથામંડપમાં પ્રવેશી સંતોમહંતો, મહાનુભાવો અને જનસમુદાયનું ભાવસભર અભિવાદન કરી વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા આ પ્રસંગે તેમણે કથાનું ભવ્યાતી ભવ્ય આયોજન કરનાર શ્રીહરિઓમ ગૌ શાળાની સેવાઓને બિરદાવી હતી. પ્રથમ દિવસની કથામા શિક્ષણ, રાજનીતિ અને સમાજ જીવનની બદલાયેલી સ્થિતિ અને તેની વિપરીત અસરોથી ગંભીરતા વ્યક્ત કરતા પૂ.ભાઈશ્રીએ કહ્યું હતુ કે સમગ્ર વિશ્વની રાજનીતિ વેપાર પર આધારિત થઈ ગઈ છે. પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતિ નદીના કિનારે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઇ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ કથાના પ્રારંભે કથાકાર રમેશભાઇ ઓઝાએ ગાયોની પૂજનીય સ્થિતિ અને તેમની વર્તમાન દયનીય સ્થિતિ વચ્ચેના તફાવત પર ભાર મૂકીને હિન્દુ સમાજની ટીકા કરી હતી. રમેશભાઇ ઓઝાએ ગૌમાતાની વર્તમાન સ્થિતિ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાયો કચરો ખાઇ લે છે. જ્યારે ગાયોના ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે તેમનાં પેટમાંથી કેટલાય કિલો પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે. તેમણે હિન્દુ સમાજને સીધો સવાલ કરતાં કહ્યું કે, ગૌમાતા માટે આવી સ્થિતિ ઊભી કરનારા આપણે જ છીએ અને માત્ર ‘ગૌમાત્રા કી જય હો’નો જયઘોષ કરીએ છીએ.
રમેશભાઇ ઓઝાએ ગાયોને દોહી લીધા પછી છોડી દેવાના વલણની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે, સાંજે થોડું ખાણ રાખીએ એટલે ગાય સમયસર ઘરે પાછી આવી જાય. દૂધ દોહીને તેને ફરી છોડી દેવાની, કોઇ જવાબદારી નહીં. ગાયનું દૂધ લઇ લેવું. શરમ આવવી જોઇએ. આ કૃતજ્ઞતા એક મોટું પાપ છે અને તે હિન્દુઓને પતન તરફ લઇ જશે. આપણે પૂજનીય ગાયની સ્થિતિ દયનીય બનાવી દીધી છે.
ભગવાન શ્રીકૃષ્ણનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, ગોપાલ કૃષ્ણ અને રાધાકૃષ્ણ ગાયની પૂજા કરે છે. ભગવાનને તેમના બધા નામોમાં ‘ગોપાલ’ નામ ખૂબ પસંદ છે.
તેમણે યાદ અપાવ્યું કે, કૃષ્ણએ ગાયોને ચારવા અને તેમની સેવા કરવા માટે આવતાર લીધો હતો. તેમણે બાળકૃષ્ણનો પ્રસંગ વર્ણવ્યો કે, ગાયના પગમાં જોડા ન હોવાથી કૃષ્ણએ યશોદાને કહ્યું કે, માં, હું પગમાં કેવી રીતે પહેરું? મારી આરાધ્યા ગૌમાતા પગમાં જોડા નથી પહેરતી અને તેઓ ઉઘાડા પગે ફર્યા હતાં. શ્રદ્ધાળુઓની સુવિધા માટે કથા સ્થળે 15000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરરોજ 50 હજાર ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.
ઉપરાંત, જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ કથા દરમિયાન એક વિશેષ આકર્ષણ એ છે કે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે. કથા મંડપમાં રમેશભાઇ ઓઝાની બિલકુલ સામે કપિલા ગાય માટે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઇ છે. કપિલા ગાય સોનાના વરખ મઢેલા શિંગડા અને વિશેષ શણગાર સાથે સાત દિવસ સુધી કથા સાંભળશે.
શિક્ષક એ કોઇ મજૂર નથી : સરકારે અને સમાજે શિક્ષકનો આદર કરવો જોઇએ : પૂ. ભાઇશ્રી
શિક્ષણ કાર્યની સાથે વિશેષ જવાબદારીઓ નિભાવી રહેલો શિક્ષક એ મજૂર નથી.જ્ઞાનદાતા શિક્ષકનો સરકારે અને સમાજે ગૌરવપુર્વક આદર કરવો જોઈએ એમ હાલમા બીએલઓની કામગીરી કરતા શિક્ષકોની વેદના ને વ્યથા પર તેમજ આ કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા રાજ્યના અને દેશના શિક્ષકો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરતા કથાકાર પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આધુનિક શિક્ષણ ટેકનોલોજીથી બાળકોનું બચપણ છિનવાઈ ગયુ હોવાનું જણાવી પ્રર્વતમાન શિક્ષણ પ્રણાલીની કેટલિક ખામીઓ બતાવી હતી.


