એક સમયે સરસ્વતી નદીમાં ત્રણથી ચાર મહિના પાણી વહેતું હતું
પાટણથી પસાર થતી સરસ્વતી નદી સૂકી ભઠ્ઠ પડી છે. અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે આ નદીમાં પાણી છોડવા પાટણના અગ્રણી, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે. સી. પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની પવિત્ર માસ માનવામાં આવે છે. આ માસમાં આવતા તહેવારો, વ્રતો, મેળાઓ અને ઉત્સવોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઐતિહાસિક, ધાર્મિકનગરી પાટણથી પસાર થતી સરસ્વતી નદીનું સવિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે ત્યારે કોરીધાકોર સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તો લોકોને શ્રાવણ માસમાં સરસ્વતી નદીમાં સ્નાન કરવાનો લાભ મળે વળી આ ચોમાસામાં પાટણ પંથકમાં વરસાદ નહિવત્ પડ્યો છે તેથી પાટણ-સરસ્વતી વિસ્તારના ખેડૂતોના ઉભા પાકને પિયતનો લાભ મળે નદીના કારણે પાણીના જળ સ્તર ઊંચા આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં સરસ્વતી નદીમાં દર ચોમાસામાં નદી ત્રણથી ચાર મહિના વહેતી હતી. નદીમાં સ્નાન કરવા સાથે પાટણના અનેક મેળાઓ-ઉત્સવો સરસ્વતી નદી કિનારે થતા હતા, જે વાત આજે ભૂતકાળની બની ગઈ છે. ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ ઘટતા અને મોકેશ્ર્વર ડેમ બનતા સિધ્ધપુર-પાટણથી સરસ્વતી નદી વહેતી બંધ થઈ ગઈ છે. પાટણ નજીક બનેલ સરસ્વતી બેરેજ પણ પાણી નહી આવતા, આ ડેમ આજે ઉજ્જડ બની ગયો છે.