પાટણ લઇ ગોઝારીયા સુધી 79.150 કી.મી.નું અંતર : પાટણ-મહેસાણાના સાંસદો આ મહત્ત્વનો નેશનલ હાઇવે ઝડપથી પૂર્ણ થાય તે માટે રસ દાખવશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)

પાટણથી મહેસાણા-ગોઝારીયા સુધીનો 79 કી.મી.નો સળંગ નેશનલ હાઇવે નં. 68નું કામ છેલ્લા સાડા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે. આ ફોરલેન રોડના નિર્માણ કામમાં અનેક જગ્યાએ ઓવરબ્રીજો, રેલ્વે ઓવરબ્રીજોનું કામ ચાલી રહ્યું છે. જેમાં કેટલીક જગ્યાના કામોમાં ટેકનીકલ ખામીઓના કારણે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થવામાં અસાધારણ વિલંબ થઇ રહ્યો છે. આ બાબતે સેન્ટ્રલ વિજિલન્સમાં રજૂઆત થઇ હોવાનું જાણવા મળે છે. આ રોડ ઉપર લણવા ગામ પાસે, મહેસાણા શિવાલા સર્કલ નજીક રેલ્વે અને મહેસાણા-અમદાવાદ રોડ પર બનતા ઓવરબ્રીજોના કામો ઉપર હાઇટેન્સન વિજલાઇનો પસાર થતી હોવાના કારણે આ કામો અટકી પડ્યા છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે આ ત્રણે ઓવરબ્રીજોનું મોટા ભાગનું (70 ટકા ઉપરાંત) કામ પૂર્ણ થયા બાદ ઉપર વિજની હાઇટેન્શન લાઇનો પસાર થતી હોવાની જાણ થતાં આ કામ અટકાવી દેવામાં આવ્યું છે. શિવાલા સર્કલ નજીકનો અને રામપુરા ચોકડી, ગોઝારીયા નજીક રેલ્વે (મહેસાણા-કડી રેલલાઇન) રેલ્વે ઓવરબ્રીજ અમદાવાદ-મહેસાણા માર્ગ ઉપરનો ઓવરબ્રીજ અને લણવા ગામ નજીક બનતા ઓવરબ્રીજોના કામોનું ઘણું ખરું કામ પૂર્ણ થયા પછી ઉપર હાઇટેન્શન ઇલેક્ટ્રીક લાઇન પસાર થતી હોવાનું ધ્યાને આવતાં આ ત્રણે ઓવરબ્રીજોના કામ અટકી પડ્યા છે. આ ત્રણે માર્ગો ઉપરના ઓવરબ્રીજો ઉપરથી આ હાઇટેન્શન લાઇનો પસાર થતી હોવાનું અગાઉ કેમ ધ્યાને નહીં લેવાયું હોય? આ રોડના પ્રોજેક્ટ રીપોર્ટ કેવી રીતે બનાવાયા હશે? ખરેખર તો આવા રીપોર્ટ તૈયાર કરનાર જવાબદાર અધિકારીઓ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. આ સિવાય પણ પાટણ-મહેસાણા-ગોઝારીયા રોડ ઉપર ચાણસ્મા નજીકની રેલ્વે લાઇન, મોઢેરા-બેચરાજી જતા ત્રણ રસ્તા, ધિણોજ ગામ નજીક અને મહેસાણા રીંગરોડ ઉપરના ઓવરબ્રીજોની કામગીરી પણ ગોકળ ગાયની ગતીએ ચાલે છે.

આમ તો આ નેશનલ હાઇવે નં. 68 જેવો આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કામગીરીની મુદ્દત માર્ચ-2025ની હતી, પરંતુ આ કામગીરીમાં આવેલ ટેકનીકલ ખામીઓ, ગેરરીતિઓ અને રોડની ચાલતી કામગીરીમાં મંથરગતીને કારણે હજી આવતા બે થી 3 વર્ષ સુધી આ સળંગ રોડનું કામપૂર્ણ થાય તેવું લાગતું નથી. આ રોડના નિર્માણ કામમાં વિલંબથી ટ્રાફીક, વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. ઉધરામાં પૂરું આ ઓવરબ્રીજોના નિર્માણ કાર્યમાં અપાયેલ ડાયવર્ઝન ખરાબ હાલતના ખાડા ટેકરાવાળા, સેેફ્ટી બેરીકેટ્સ, રાત્રિ સિગ્નલ વગર અને દિશાસુચક બોર્ડના અભાવે અકસ્માતોની સંભાવનાઓ રહે છે. કેન્દ્રના માર્ગ મકાન મંત્રી નિતીન ગડકરી નેશનલ હાઇવેના નિર્માણ બાબતે મોટી મોટી વાતો કરે છે ત્યારે પાટણ-મહેસાણા-ગોઝારીયાના માત્ર 79 કી.મી.ના આ નેશનલ હાઇવેમાં ઠેરઠેર વિલંબની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા પગલાં ભરશે? મહેસાણાના એક જાગૃત નાગરીકે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં આ બાબતે રજૂઆતો કરી હોવાનું જાણવા મળે છે. પાટણ-મહેસાણાના ચૂંટાયેલા લોકસભા અને રાજસભાના સાંસદો આ મહત્ત્વના રોડ બાબતે જાગૃત થઇ રજૂઆત કરવા આગળ આવશે?
