
પાટણની ૧૦૦ વર્ષ જૂની ઉત્તર ગુજરાત યુવક મંડળ, પાટણ સંચાલિત શાળા ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસો. ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો.’ તરફથી શ્રી મહેશભાઇ રમણીકલાલ શાહના સહયોગથી બુટ-મોજા અને સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ આજે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે.કે. પટેલ અને એલ્યુમિની એસો.ના પ્રમુખ અશોકભાઇ વ્યાસની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.
આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં આ એસોસિએશનના મંત્રી ડૉ. અતુલભાઇ અગ્રવાલે એસો.ની સ્થાપના બાદ ટૂંકા સમયમાં આ એસો. દ્વારા હાથ ધરાયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી આજે શાળાના દરેક બાળકોને બુટ-મોજા અને સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ મહેશભાઇ રમણીકલાલ શાહના સૌજન્યથી યોજાયેલ હોવાનું જણાવેલ. આ એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ વ્યાસે ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો. તરફથી દરેક બાળકો માટે સ્કૂલ બેન્ચીસ, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ, એક દિવસનો પ્રવાસ, ભોજન, નાસ્તો, મેડીકલ તપાસ કરાયા બાદ આજે બુટ-મોજા અને સ્વેટરનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે.
શાળાના ઉત્કર્ષ માટે આ ભૂતપૂર્વ એસોસિએશન હંમેશા તત્પર રહેવાની તેમણે ખાત્રી આપેલ. આ સિવાય ટૂંક સમયમાં આ શાળાના બાળકોને પ્રવાસ કરાવવાની જાહેરાત કરેલ.

ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે.કે. પટેલે આ ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો. દ્વારા શાળાના બાળકો માટે આ એસોસિએશન હંમેશા તત્પર રહેતું હોવા બદલ ખુશી વ્યક્ત કરી આ એસોસિએશન ૧૦૦ વર્ષ પૂર્ણ કરેલ, આ શાળાને નમુનેદાર શાળા બનાવવા માંગતી હોવાનું જણાવેલ.
શાળાના આચાર્ય જશોદાબેન પટેલે સ્વાગત પ્રવચન કરેલ. મહેમાનોના હસ્તે શાળાના ૨૨૦ બાળકોને સ્વેટર, બુટ-મોજા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે આ શાળાની વિદ્યાર્થિની ઠાકોર પ્રિન્સી અમૃતજી જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ તેનું સન્માન અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયેલ.
આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો.ના ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમાર, ખજાનચી અજય ખમાર, મોતીભાઇ પટેલ, સુનિલભાઇ સોની, હેમંત કાટવાલા, ડૉ. પિયુષ વ્યાસ, શંકરભાઇ પટેલ, ડૉ. વીરલ શાહે હાજરી આપેલ.
અમેરિકા વસતા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોતીભાઇ પટેલે એક અનાથ બાળકીને દત્તક લઇ કોલેજ સુધીનું શિક્ષણ માટે સહાય આપવાની જાહેરાત કરેલ.
શાળાની શિક્ષિકા પ્રિયંકાબેને કાર્યક્રમનું સુંદર સંકલન ગોઠવેલ. આભારવિધિ હેંમતભાઇ કાટવાલાએ કરેલ.

