
પાટણના કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે મહિલા ટીમ દ્વારા કેતનભાઇ દયાળજીભાઈ અમીનનાં સૌજન્યથી તા.૮/૧૨/૨૦૨૫ થી તા.૮/૨/૨૦૨૬ એમ બે મહિના માટે દરરોજ ૨ થી ૪ સુધી પાટણની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી વર્ષાબેન સુનિલભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં બ્યુટીપાર્લરનાં વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વર્ગોમાં ૨૦ વર્ષના અનુભવી નિષ્ણાત ટ્રેઈનર નિકીતાબેન લીંબાચીયાનાં માર્ગદર્શન હેઠળ માત્ર ૨૦૦ રૂપિયાના રાહતદરે બેઝીક બ્યુટીપાર્લર જેમાં થ્રેડીંગ, વેકસીંગ, બ્લીચ, ડી.ટૉન, કલીનઅપ, ફેસીયલ, મેનીકયૉર, ક્રીમ્પીંગ, સ્ટ્રેટીંગ, ઓઈલ મસાજ, મેકઅપ, હેરસ્ટાઈલ તેમજ સલૂન મેનેજમેન્ટ વગેરે પધ્ધતિસર શીખવાડવામાં આવશે.

લાઇબ્રેરીની મહિલા ટીમનાં પ્રમુખ હર્ષિદાબેન સોનીએ તમામનું સ્વાગત કરી બહેનો માટે સંપૂર્ણ કામ કરવાની અને વધુને વધુ શીખવાડવાની ખાતરી આપી હતી. મંત્રી જયમાલાબેને બહેનોને લાઈબ્રેરી કયા હેતુથી કાર્યો કરે છે તે સમજાવ્યુ હતું. લાઈબ્રેરીનાં પ્રમુખ ડો.શૈલેષ સોમપુરાએ બહેનોને શિસ્ત, સંયમ, સમયપાલન, નિયમિતતા વગેરે રાખીને આ વર્ગોનો લાભ લેવા જણાવ્યુ હતું.

મુખ્ય મહેમાન વર્ષાબેન પ્રજાપતિ એ પણ બહેનોને પ્રોત્સાહન પુરુ પાડી આજના જમાનામાં બહેનો માટે લાઇબ્રેરી આવા કાર્યો કરી રહી છે તે સમાજ માટે ખૂબજ પ્રેરણારુપ છે અને બહેનોને તેનો સંપૂર્ણ લાભ લેવા પ્રોત્સાહન પુરુ પાડયુ હતું અને આત્મનિર્ભર અને મહિલા સશકિતકરણ ની સુંદર સમજ આપી હતી. આ કાર્યક્રમનાં સંયોજક હૈયાબેન ખમાર, ગૌરાંગી પાગેદાર, ખજાનચી દક્ષાબેન દવે, દિપીકાબેન શાહ, જ્યોતિબેન પટેલ, અર્ચનાબેન દવે, રાજેશભાઈ પરીખ, સુનીલભાઈ પાગેદાર, હસમુખભાઈ સોની તથા અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.

આ વર્ગોમાં કુલ ૪૫ બહેનો લાભ લઈ રહી છે જે તમામને મુકેશભાઈ યોગી તરફથી નોટ-બોલપેન ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનાં દાતા કેતનભાઈ અમીને અમેરીકાથી તમામ દીકરીઓને શુભેચ્છાઓ તથા આર્શીવાદ પાઠવ્યા હતા.

