September 18, 2026
Maha Gujarat
Other

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

ડિગ્રી અને સંશોધન સમગ્ર સમાજને લાભદાયી બનવું જોઈએ : આનંદીબેન પટેલ

આજનું કલ્ચર : નાની વયે છોકરા-છોકરી ભાગી જવા, ચોરી – ફ્રોડ બાબતે દુ:ખ વ્યક્ત કરતા આનંદીબેન પટેલ

ઉત્તરપ્રદેશના ગવર્નર અને ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સિધ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન પદેથી બોલતાં સંશોધન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, વસુધૈવ કુટુંબકમ નો મંત્ર યુવા જ સાકાર કરી શકે. તેમણે પદવી અને મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ઉદ્દેશી જણાવ્યું કે એવોર્ડ અને ડિગ્રીથી તમારા જીવનની સફર શરૂ થાય છે ત્યારે તેને કઈ દિશામાં લઈ જવી તે તમારા ઉપર નિર્ભર હોય છે. તેમણે ડિગ્રીધારી યુવકોને જણાવ્યું કે તમે જ્યાં પણ કામ કરો પરંતુ દેશને ક્યારેય ન ભૂલતા.  વિકસિત ભારત 2047 ની જવાબદારી યુવાનોના ખભા પર છે તે ભૂલતા નહિ., એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે દેશને આગળ લઈ જવાનું કામ યુવાઓએ કરવાનું છે. નોલેજ, વિચાર, પૈસા બધાને સાથે રાખી દેશને આગળ વધારવાનો છે.

ડિગ્રી સાથે સેવાને પ્રાધાન્ય આપજો : અનારબેન (ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ)

દેશના લોકોની સમસ્યાઓ સમજી તેનું નિદાન કરી તેમાંથી મુક્તિ અપાવવાનું કામ ટેકનોલોજીના માધ્યમથી થઈ રહ્યું છે એમ જણાવી તેમણે કહ્યું કે આજે દરેક ક્ષેત્રમાં કંઈને કંઈ દ્વિધા છે ત્યારે તેને અનુલક્ષીને સંશોધન થાય તેના પર ભાર મૂકીને તેમણે કહ્યું કે, ભારત રિસર્ચમાં ઘણું પાછળ છે. આપણે ડિગ્રીઓ લીધી, પૈસા કમાયા પણ રિસર્ચ નથી કર્યું. જેથી નેશનલ એજ્યુકેશન પોલીસીમાં રિસર્ચ વર્કને વધારે મહત્વ અપાયું છે.

તેમણે કહ્યું કે, પીએચડી માટે એવા વિષયો પસંદ કરજો કે જેનાથી સમગ્ર સમાજને લાભ મળી શકે. આમ સમાજની સમસ્યાઓના વિષય પસંદ કરીને પીએચડી કરશો તો તેનો અનેક લોકો સુધી લાભ પહોંચી શકશે. એમ તેમણે દિશા નિર્દેશ કર્યો હતો.

આનંદીબેન એ પરીક્ષાઓમાં થતી ચોરી, ખોટા સર્ટિફિકેટ આપવા, ફ્રોડ કરવા જેવી બાબતો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી જણાવ્યું કે આવું કરીને આપણે ક્યાં ટકવાના? યુવાધનને સાચી દિશા બતાવવાનું કામ કરી દુનિયાને આપણું નોલેજ બતાવવાનું છે. તેમણે કહ્યું કે આપણી પાસે અગાઉ જ્ઞાનનો ભંડાર હતો જે સમય જતા નષ્ટ થઈ ગયો છે પરંતુ હવેના સમયનો સદુપયોગ દેશ માટે કરવાનો છે અને આપણે દુનિયાના માર્ગદર્શક બનવાનું છે. તેમણે જમાનાને સમજવા, વાંચવા અને વિચારવા યુવાધનને અનુરોધ કરી સમાજના વડીલોને પણ મળવા અને આપણા વડવાઓનો વારસો જાળવી તેમાં જો 10% પણ ઉમેરીશું તો તે સાચી શિક્ષા ગણાશે એમ જણાવ્યું હતું.  તેમણે અધ્યાપકોને પણ વિવિધ પ્રકારના પ્રોજેક્ટો પર રિસર્ચ કરવા માટે મોટું ફંડ ઉપલબ્ધ હોવાનું જણાવીને તેનો અભ્યાસ કરી પ્રોજેક્ટ તૈયાર કરીને મોકલવા હિમાયત કરી હતી. આનંદીબેનએ આજના કલ્ચર બાબતે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે આપણું કલ્ચર ક્યાં જઈ રહ્યું છે? આ બાબતે તેમણે પોસ્કો એક્ટનો ઉલ્લેખ કરી નાની વયે છોકરા છોકરીઓ ભાગી જવાના અને લગ્ન કરી પછી છોકરીને કાઢી મુકવા જેવા કિસ્સાનો ઉલ્લેખ કરી આવી પીડીત દીકરીઓ બાબતે શિક્ષણ અને સંસ્કારો આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે ઉત્તર પ્રદેશમાં તેમની નિશ્રામાં થઈ રહેલ કામગીરીની ઝલક રજૂ કરી હતી. આ ઉપરાંત ભિક્ષામાંથી મુક્તિ માટે ચાલી રહેલા અભિયાન અંગે પણ તેમણે જાણકારી આપી હતી.

અગ્રણી સામાજિક કાર્યકર અને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનારબેન પટેલએ જણાવ્યું કે દીક્ષાંત સમારોહ એટલે જીવનની શરૂઆત છે. તેમણે આનંદીબેન પટેલે ગાડા થી ગવર્નર સુધીની સફર આ ભૂમિમાંથી મેળવી હોવાનું જણાવી તેમની સરસ્વતીના પૂજક તરીકે તેમની શિક્ષણની સફર તેમજ શિક્ષક, પ્રિન્સિપાલ, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ એમ સતત તેઓ ડિસિપ્લિન સાથે અને સેવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા હોવાનું જણાવી તેમના વ્યક્તિત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડિગ્રી મેળવ્યા બાદ સ્વપ્ન પૂરા કરવા સાથે સેવાને જીવન બનાવવા અનારબેને છાત્રોને હિમાયત કરી હતી. સિદ્ધપુરના ધારાસભ્ય અને ગોકુલ યુનિવર્સિટીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે આ યુનિવર્સિટીના પાયાથી લઈ નેક એ ગ્રેડ મેળવવા સુધીની સફરમાં આનંદીબેનના સહયોગને ઉલ્લેખનીય લેખાવી ગુજરાતમાં શિક્ષણ મંત્રી તરીકે તેમની શ્રેષ્ઠ કામગીરીથી અગાઉ શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો જે 37% હતો તે ઘટીને આજે દોઢ ટકા રહ્યો છે, તેના પાયામાં આનંદીબેન પટેલ હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં સૌથી વધુ યુવાનોનું યોગદાન મહત્વનું બનશે તેમ જણાવી ગુજરાતમાં પણ 2047 સુધીનો વિકાસનો મેપ તૈયાર છે એમ ઉમેર્યું હતું.

 

Related posts

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

mahagujarat

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

Leave a Comment