Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજ્યરાષ્ટ્રીય

એક સાહસિક પરિવારે તલોદ જેવા નાના ગામમાં અલ્ટ્રા મોડલ ફેક્ટરી ઊભી કરી…

આજે દેશ-વિદેશમાં તલોદગૃહ ઉદ્યોગના નામે ૩૨થી વધારે વિવિધ ઇન્સ્ટન્ટ વાનગીઓના પેકેટનું વેચાણ થાય છે.
“તલોદ આ ગામનું નામ પહેલીવાર જ્યારે હું રાજકોટમાં બી-ફાર્મ કરતો અને જૈન બોર્ડિંગમાં રહેતો ત્યારે સાંભળેલું.” ત્યારે મારો એક સીનિયર તલોદનો હતો અને બીજા ૪-૫ છોકરાઓ ડી-ફાર્મમાં હતા. ત્યારે એ નામ નવું લાગેલું અને મેં એવું ધારેલું કે તલના વેપાર કે વાવણીને કારણે એનું નામ એવું પડ્યું હશે.. અને પછી તો એ નામ ભુલાઈ પણ ગયું. પછી જ્યારે થોડા વર્ષો પહેલાં વસ્રાપુરમાં તલોદ ફુડ્ઝ ના રેડી ટુ કુક પેકેટ્સ જોયા ત્યારે પાછી યાદ તાજા થઈ.. આજે આ બ્રાન્ડ ઈન્સ્ટન્ટ રેડી ટુ ઈટ સ્નેક્સમાં તલોદ ઈન્સ્ટાસર્વ ના નામથી ધૂમ મચાવવા તૈયારી કરી રહી છે.
૧૯૩૮માં તલોદના લોહાણા (ઠક્કર) પરિવારના ઉદ્યમી જીવરાજભાઈ ચોટાઈએ રેલ્વે સ્ટેશન પર બટેટાવડાનો સ્ટોલ ચાલુ કર્યો. આમ પણ લોહાણાઓની રસોઈ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય ને એમાંય એમને જો બટેટા મળી જાય તો એ તેમાં જાદુ કરી દે..બિલકુલ એવું જ થયું – જીવરાજભાઈએ બટેટાવડાં એવા સ્વાદિષ્ટ બનાવ્યા કે ટ્રેનો તલોદ સ્ટેશને વધારે વાર સ્ટોપ કરતી જેથી બધાં પેસેન્જર્સને બટેટાવડાંનો લાભ મળી શકે. આવું તો કદાચ દુનિયામાં બીજે ક્યાંય નહીં બન્યું હોય..


કાળક્રમે જીવરાજભાઈના પુત્રોમાં ભાગ પડ્યા ને તેમના મોટા પુત્ર કાન્તિભાઈને ટ્રેઈનને બદલે બસ સ્ટેશન પર સ્ટોલ કરવો પડ્યો. ધીમે ધીમે તેમણે પાછી શાખ જમાવી અને તેમના પુત્ર દિપકભાઈએ ખુબ સંઘર્ષ કરી ધર્મપત્નીના સાથ સહકારથી બીજી આઈટમો ઉમેરી અને ગોટાનો લોટ પણ બહાર પાડ્યો. દિપકભાઈના બન્ને પુત્રો – પ્રતિકભાઈ અને કેયૂરભાઈ – એ છેલ્લા ૧૫ વર્ષમાં આ જુની બ્રાન્ડને જડમૂળથી બદલી નાંખી. અનેક નવા રેડી ટુ કુક આઈટમો લોન્ચ કરી, અનેક ડીલર્સ અને આઉટલેટ્સ ચાલુ કર્યા અને મોટી અલ્ટ્રામોડર્ન ફેક્ટરી પણ બનાવી. હાલમાં તેઓ ૩૨ જાતની વસ્તુઓ બનાવે છે અને ભવિષ્યમાં આમાં નવી આઈટમો ઉમેરાતી રહેશે.


તેમને વિચાર આવ્યો કે લોકોને આપડે કેવી રીતે સમજાવીએ કે અમારા મિક્સમાંથી વસ્તુ કેવી બને છે? બજારમાં પેકેટ્સ તો અનેક કંપનીના આવે છે તો આપણી જે એકદમ હટકે’ સ્વાદવાળી ને ઉચ્ચ ક્વોલિટીની – ને એટલેજ થોડી મોંઘી વસ્તુઓ – નો સ્વાદ કેવી રીતે ચખાડવો? એટલે તેમણે ઈન્સ્ટાસર્વ નામથી એક દુકાન ચાલુ કરી જ્યાં તેમનાજ પેકેટમાંથી લાઈવ વસ્તુઓ બનાવી લોકોને ગરમાગરમ ખવડાવ્યા. ફાસ્ટફુડના આ જમાનામાં ચીઝ-બટર-મેયોના ઢગલાં ધરાવતી અનહેલ્ધી વસ્તુઓની વચ્ચે ગુજરાતની પારંપરિક વાનગીઓ – ખમણ, મુઠિયા, થેપલા-સૂકીભાજી, ભજીયા, ગોટા, બટેટાવડા, હાંડવો, દહીંવડા, પૌવા, મસાલા ખિચડી, વગેરે – પીરસવાનું ચાલુ કર્યું. ધીમી પણ મક્કમ ગતિએ વિકસતી આ બ્રાન્ડના અત્યારે ૮ આઉટલેટ્સ થઈ ગયા જેમાં રાજકોટ અને હૈદરાબાદ (એકાદ મહીનામાં લાઈવ થશે)માં પણ એક્સપાન્શન કર્યું. હવે ફ્રેન્ચાઈઝ મોડેલ દ્વારા બીજા શહેરોમાં પણ – કે જ્યાં ગુજરાતીઓની સારી એવી વસ્તી હોવા છતાં હાઈ ક્વોલિટી ગરમ ગુજરાતી નાસ્તાઓ મળતા નથી – વિસ્તરવા માંગે છે.
આજે સવારે TAFF (Travel, Art, Fashion Food) ગ્રુપ માટે કેયૂરભાઈએ યોજેલા સ્પેશિયલ બ્રન્ચમાં અમને તલોદની વિવિધ વાનગીઓની વિશાળ શ્રેણીમાંથી ચૂંટેલી વસ્તુઓનો આસ્વાદ કરાવ્યો.. જેમાં હતો –
મોટા ભરેલા પણ એકદમ પોચા સદાબહાર અને હરફનમૌલા ગુજરાતી થેપલાં સાથે તીખી ને મસાલેદાર બટેટાની સૂકીભાજી, સાથે તાજું મોળું દહીં ને તળેલા મરચાં..


૮૦ થી પણ વધારે વર્ષોથી લોકોને ઘેલું લગાડનાર અને દોડતી ટ્રેનો થંભાવનાર રૂ જેવા પોચા અને એકદમ લાઈટ ખટમીઠા મસાલાવાળા અદભુત બટેટાવડાં સાથે કોઠાની ખટમીઠી ચટણી.. (આનાથી સ્વાદિષ્ટ બટેટાવડાં શોધવાથી પણ નહીં મળે)
મોટી સાઈઝના, બટેટા-વટાણાંના કાળા મસાલાવાળાં પરફેક્ટલી ક્રિસ્પી પડવાળા સમોસા..
દરેક ગુજરાતીના ફેવરિટ એવા તલ અને લીમડાથી વઘારેલા એકદમ સોફ્ટ અને ચન્કી મુઠિયા..
એકદમ સ્પોન્જી ને જાળીદાર, રાઈથી વઘારેલા ને કોથમીર છાંટેલા સહેજ ગળચટા સુરતી નાયલોન ખમણ અને સાથે સ્વાદિષ્ટ કઢી..
અને એકદમ ઓથેન્ટિક લસણની સુકી ચટણીવાળા મસાલેદાર મુંબઈયા વડાપાઉં સાથે તળેલા તીખા મરચાં..
ને આ બધું નીચે ઉતારવા મસ્ત ઘાટી કાઠિયાવાડી ચા.. આ ઉપરાંત તેમનું પોતાનું બ્રાન્ડેડ ઠંડુ શાતાકારક લીંબુપાણી પણ હતું.
TAFF ના મિત્રો સાથે આ જબરદસ્ત પ્રોગ્રામ માણવાની ખુબ મજા આવી. કેયૂરભાઈના અનુભવી અને મહેનતી સ્ટાફે પણ રંગ રાખ્યો અને અમને ઘરના મહેમાનની જેમ સાચવ્યા.
તમને પણ જો ઉચ્ચ ક્વોલિટીના ખુબજ સ્વાદિષ્ટ ગરમાગરમ પારંપરિક ગુજરાતી નાસ્તાનું ક્રેવિંગ થતું હોય અને અનેક નાસ્તાઓ ને ઠંડા-ગરમ પીણાં એક જ જગ્યાએ ખુબજ આરામદાયક વાતાવરણમાં સપરિવાર માણવા હોય તો પહોંચી જાવ આ મસ્ત જગ્યાએ સાઉથ બોપલ, અમદાવાદ વન (આલ્ફા વન) મોલ, રિવરફ્રન્ટ, મકરબા – બધેજ આઉટલેટ્સ આવેલા છે. રાજકોટવાળાઓ સર્વેશ્વર ચોકની બ્રાન્ચ પર જલ્સો કરી શકો છો.

 

એક સમયે અમદાવાદથી હિંમતનગર વચ્ચે દોડતી ટ્રેનો તલોદ સ્ટેશને થંભી થતી હતી

એક સમય હતો, અમદાવાદથી હિંમતનગર, ખેડબ્રહ્મા જતી આવતી ટ્રેનો વચમાં આવતા તલોદ રેલવે સ્ટેશને તેના નિયમ સમય કરતા વધુ સમય થંભી જતી હતી. કારણ તલોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવેલ કેન્ટીનમાં મળતા સ્વાદીષ્ટ બટાકાવડા ખાવા-ખરીદવા ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો પ્લેટફોર્મ ઉપર ઉતરી પડતા હતા. આ કેન્ટીનમાંથી જ્યાં સુધી બટાકાવડા પેસેન્જરો ખરીદી ના લે ત્યાં સુધી ટ્રેન ઉપડતી નહીં. આવા તલોદ રેલવે સ્ટેશન અને બાદ બસ સ્ટેશન ઉપર એક સમયે કેન્ટીન ચલાવતા પરિવારના સાહસીક પુત્રો, પૌત્રોએ આજે તલોદ જેવા નાના ગામાં ઇન્સ્ટન્ટ ફૂડ બનાવવાની અત્યાધુનિક ફેક્ટરી નાંખી છે. ૩૨ કરતા પણ વધુ ઇન્સ્ટન્ટ આઇટમોનું ‘તલોદ’ના નામે વેચાણ કરતી આ કંપનીનું નામ ગુજરાત-મુંબઇ સહિત દેશ-વિદેશમાં ખૂબ જાણીતું બન્યું છે. અમેરિકામાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં કોઇપણ મોટા સ્ટોરમાં જાવ ત્યાં ગુજરાતીઓ માટે તલોદ ગૃહ ઉદ્યોગનું નામ જાણીતું અને માનીતુ છે.

(પુરક માહિતી : હર્ષદ ખમાર, પંકજ ખમાર)

Related posts

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા આજથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી

museb

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

museb

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

Leave a Comment