પાટણનાં સ્થાપના દિવસે રાજપૂત સમાજ દ્વારા યોજાયેલા વિરાંજલિ કાર્યક્રમ યોજાયો
‘પાટણ જ્યારે રાજધાની હતુ તે સમયની રાજ્ય સત્તા-શાસન પ્રણાલી અને શાસકોની સમજદારી અને પ્રજાવત્સલતાનાં ગુણોને આજની વર્તમાન રાજસત્તાઓ-શાસકોએ શિખવાની જરૂર છે. પાટણનાં શાસનનાં સુવર્ણકાળમાં વિવાદોને સંઘર્ષથી નહિં પણ સંવાદથી ઉકેલવામાં આવતા હતા અને રાજ્યસત્તાનાં વિસ્તારવાદ કરતાં પ્રજાકલ્યાણ ઉપર શાસકોનું ધ્યાન વધુ હતું અને શાસકોને મોંઢે સાચું કહી દેનારા સલાહકારોની વાત શાસકો કાને ધરતા હતા. જેથી પાટણ એ સમયે સુવર્ણકાળનો અનુભવ કરાવી ચૂક્યું હતું.
વર્તમાન રાજકીય પરિસ્થિતિને પ્રાચિન રાજસત્તા વ્યવસ્થાનાં પરિણામો અને પરિમાણોની તુલના કરવાની સાથે આડકતરી રીતે વર્તમાન શાસકો પાટણનાં એ સમયની સુવર્ણકાલિન શાસન પધ્ધતિમાંથી કોઇ બોધપાઠ લેવો જોઇએ તેવી ટકોર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પાટણ ખાતે પાટણનાં ૧૨૮૦મા સ્થાપનાદિને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ-બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા દ્વારા યોજાયેલા ‘વિરાંજલિ’ કાર્યક્રમમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, સિધ્ધરાજ જયસિંહ તથા તેમનાં પૂર્વેનાં શાસકો અને પાટણનાં સ્થાપક રાજવીઓએ રાજ્યની જનતા વચ્ચે ધર્મનાં નામે કોઇ ભેદભાવ ન ઉભો થાય અને તમામ ધર્મોમાં એક સૂત્રતા જળવાય તે માટે શાસકોએ સત્તાને બાજુમાં મૂકીને જનહિતમાં કામ કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, એ વખતનાં રાજવી શાસકોમાં શ્રી કાક હોય કે, રાજ્ય સત્તાનાં મુખ્યમંત્રી સમાન મુંજાલ મહેતા જેવા ઉમદા લોકોએ ઉચ્ચત્તમ શાસન વ્યવસ્થા આપી હતી. જે સમગ્ર વિશ્ર્વમાં પાટણની પ્રભુતાને ઉજાગર કરનારી બની હતી.
શાસકોએ પ્રજા કલ્યાણને પ્રાથમિક્તા આપી હતી. સત્તાનો વિસ્તાર નહિં પણ લોકોની સમસ્યાઓનો ઉકેલ જ શાસકોની પ્રાયોરિટી હતી ને તેથી એ પાટણનો સુવર્ણકાળ બની શક્યો હતો.
આ પ્રસંગે સાણંદના ઠાકોર સાહેબ ધ્રુવકુમારસિંહજી વાઘેલાએ રાજપુત સમાજનાં યુવાનો અને નવી પેઢીને પોતાની ગિરેહબાનમાં ડોકિયું કરીને પોતાનાં ગૌરવશાળી ઇતિહાસને જાણે તેવી શીખ આપતાં કહ્યું કે, જ્યાં સુધી રાજપુત યુવાનોને પોતાના ઇતિહાસનું જ્ઞાન નહિં હોય તો આવનારી પેઢીને સમાજની શૌર્ય ગાથાઓ અંગે કોઇ જાણકારી આપી નહીં શકો.
આ પ્રસંગે રાજસ્થાન, પૂર્વ ધારાસભ્ય ખુશવીરસિંહ જોજાવરે ઇતિહાસ અંગે જાણકારી આપતાં કહ્યું કે, આજનાં અને પ્રાચિન રાજસત્તાનાં લોકતંત્રની ભેદરેખાઓ ઘણી મોટી હતી. તેમણે આજનાં પાટણનાં ઇતિહાસ, રાણીનીવાવ, સહસ્ત્રલિંગ તળાવ જેવા સ્થાપત્યોને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (એ.આઇ.)ની મદદથી તેઓને મૂળ સ્વરૂપમાં લાવવાનું અઘરૂં કામ કરવા તથા સિધ્ધપુરનાં રૂદ્રમાળને પુન:સ્થાપિત કરવા તંત્રને સક્રીય બનવા જણાવ્યું હતું. આ પ્રસંગે યોગીરાજ રૂખડનાથજી મહારાજે આર્શિવચન આપ્યા હતા. આ પ્રસંગે કિર્તીસિંહજી, ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ પ્રસંગે યતિનભાઇ ગાંધી, મુકેશ દેસાઇ તથા રાજપુત સમાજનાં રાજવી અને અગ્રણીઓ મદારસિંહ ગોહિલ, મહિપતસિંહ જાડેજા, મહિપતસિંહ રાજપૂત, રાજકુંવરબા વાઘેલા, કે.એન. સોલંકી, બાબુસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ વાઘેલા, જશુભા વાઘેલા, રાજકુમાર ઝાલા, દશરથબા પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે ભાભરની રાજપૂત ક્ધયાઓ દ્વારા તલવાર રાસ પ્રસ્તુત કરાયો હતો.