મુંબઇ, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, ડીસા, પાટણથી મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા
સર્વ મંગલમ્ આશ્રમ સાગોડીયામાં પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબની પુણ્ય સ્મૃતિમાં તા. 3-7-2023ના શુભ દિને ગુરુપૂર્ણિમા મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવેલ.
ભારતીય સંસ્કૃતિનું અત્યંત પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આધ્યાત્મિક પરંપરાનું પાલન મહાપર્વ છે.
મુંબઇ, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, ડીસા, પાટણ વિગેરે વિવિધ સ્થળોએથી વિશાળ સંખ્યામાં આવેલા સાધકોએ સ્વરૂપ સ્મૃતિ કેન્દ્રમાં સદ્ગુરુ ચરણ અને પ્રતિમાનું અત્યંત ભાવપૂર્વક પૂજન કર્યું હતું. પ.પૂ. ગુરુજી જ્યાં હંમેશા સત્સંગ કરતાં, તે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિ ધ્યાન કેન્દ્રમાં સદ્ગુરુ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શરદભાઇ શાહે વિશાળ સંખ્યામાં હાજર રહેવા બદલ સાધક ભાઇ-બહેનોને પ્રસન્નતાપૂર્વક અભિનંદન આપી, સર્વેનું હૃદયપુર્વક સ્વાગત કર્યું હતું. ગુરુજીનું ભાવપૂર્વક સ્મરણ કરી સર્વેને અવારનવાર આ આશ્રમની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
સંચાલકશ્રી તથા ટ્રસ્ટીશ્રી જગદીશભાઇ વોરાએ પોતાની આગવી શૈલીમાં પ.પૂ. ગુરુજીની આધ્યાત્મિક વિશેષતાસભર વ્યક્તિત્વને ઉજાગર કરતાં સૌ સાધકો ભાવવિભોર બન્યાં હતાં.
આશ્રમના અધિષ્ઠાતા પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ સાહેબ અને સહસંચાલક તથા ટ્રસ્ટી ડૉ. મહેન્દ્રભાઇ શાહે પ્રેરણાત્મક માનનીય આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. સાધક ભાઇ-બહેનો દ્વારા સદ્ગુરુ પ્રત્યેના ભક્તિસભર ભજનોની રજૂઆતથી સમગ્ર વાતાવરણ પવિત્ર, ધાર્મિક અને પ્રેમાભક્તિમય બની ગયો. ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઇ વોરા, શ્રી ઇશ્ર્વરભાઇ ચૌધરી તથા માન્ય સાધકોએ પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ અને સદ્ગુરુ પ્રત્યે પોતાના હૃદયસ્પર્શી ભાવો અભિવ્યક્ત કર્યાં.
આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એસ.ટી. કોટક દ્વારા થયેલ. ભોજન પ્રસાદી પછી સંતોષ અને આનંદની લાગણીઓ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
આધ્યાત્મિક સાધના અને મનની શાંતિ માટે પ્રકૃતિના નૈસર્ગિંક વાતાવરણ વચ્ચે આવાસ-આહારની ઉત્તમ સગવડો ધરાવતું સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા આદર્શ સ્થળ છે. ટ્રસ્ટી ગણ દ્વારા સર્વે સાધકોને આશ્રમની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ છે.