પાણીનો બગાડ ન કરવા અને ગંગાજળની જેમ સદ્ઉપયોગ કરવા અપિલ કરાઇ
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા છેલ્લા કેટલાક સમયથી લાયબ્રેરીની ટીમ દ્વારા અનેક પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. આ લાયબ્રેરી દ્વારા વધુ એક પાટણ નગરપાલિકાના સહીયોગથી પાટણના કનસડા દરવાજા બહાર-રમત ગમત સંકુલ પાસે “પાણીની સુંદર પરબ બનાવવામાં આવી છે. ખૂબ જ ટૂંકાગાળામાં બનાવી તૈયાર કરાયેલ, આ પરબને ‘શ્રીમતી હર્ષાબેન ભરતભાઇ શાહ મુંબઇ, (કુંભારીયાપાડો) પાટણ, શ્રીમતી જ્યોત્સનાબેન હેમંતકુમાર દવે તેમજ અનેક દાતાઓનો આર્થિક સહીયોગ પ્રાપ્ત થયો છે.
આ પરબનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગઇ તા. 9-7-2023ના રવિવારના રોજ યોજવામાં આવેલ. પાટણના પ્રબુધ્ધ નગરજનો, દાતા પરિવારજનોની હાજરીમાં યોજવામાં આવેલ, આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં લાયબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ સ્વાગત પ્રવચનમાં લાયબ્રેરી દ્વારા આ પુસ્તકાલયની પ્રવૃત્તિને વેગ આપવા, લોકોમાં વાંચન પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરાય છે. ‘પુસ્તકાલય આપના દ્વારે’ કાર્યક્રમ દ્વારા શહેરની દુકાને, દુકાને, ઘેર ઘેર ફરી લાયબ્રેરીના વાચકોનાં ખાતા ખોલવામાં આવી રહ્યા છે. સંસ્થા દ્વારા કોમ્પ્યૂટર ક્લાસ, રીડીંગ રૂમ, એસી રીપેરીંગ ક્લાસ, મને જાણો જેવા અનેક કાર્યક્રમો, પ્રકલ્પો તેમની ટીમ દ્વારા હાથ ધરાયા હોવાનું જણાવેલ. દાતાઓના દાન થકી કનસડા દરવાજા બહાર વધુ એક પ્રકલ્પ “ઠંડા-શુધ્ધ મનીરલ પાણીની પરબ શરૂ કરાઇ છે. તેમણે જણાવેલ કે આ સુંદર પરબ બનાવવા અને તેનું કાયમી નિભાવ થાય એટલું અમોને દાન મળ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલે તેમના સાથી નગરસેવકોની સંમતિથી આ સેવા પ્રકલ્પ માટે પાલિકા દ્વારા જમીન અપાઇ હોવાનું જણાવી તેનો કાયમી સદ્ઉપયોગ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરેલ.
આ પ્રસંગે ઉદ્ઘાટક અને દાતા શ્રીમતી જ્યોત્સનાબેન હેમંતકુમાર દવેએ જણાવ્યું કે, આવતા-જતા પથીકો માટે આ પરબ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પરબ માટે દાન આપવા તેમના વડસાસુને તેમણે પ્રેરણા સ્ત્રોત ગણાવેલ. તેઓ વાલમ ગામે રાહદારીઓને પાણી પીવડાવવાની પ્રવૃત્તિ કરતા હોવાનું જણાવેલ.
આ પ્રસંગે આ પરબ માટે નાનું-મોટું ઉદાર હાથે દાન આપનાર સૌ દાતાઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયેલ. આ પરબના બાંધકામ માટે પોતાનો કિંમતી સમય આપનાર લાયબ્રેરીના કારોબારી સભ્ય શ્રી નટુભાઇ દરજી અને હર્ષદભાઇ બી. પ્રજાપતિનું પણ સન્માન કરવામાં આવેલ. લાયબ્રેરીની દરેક પ્રવૃત્તિઓને વેગ આપનાર પાટણના મીડીયાના મિત્રોનું પણ સન્માન કરાયેલ. અંતમાં લાયબે્રરીના મંત્રી મહાસુખભાઇ મોદીએ પરબનો ઉપયોગ ગંગાજળની જેમ કરી પાણીનો બિલકુલ બગાડ ન થાય તેવી અપિલ કરી હતી. તેમણે ઉદાર દાતાઓ, નગરપાલિકાના સભ્યો, મીડીયાના મિત્રો, સાથી કાર્યકરોનો આભાર માન્યો હતો.