આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત કાર્યક્રમ
પાટણની શ્રી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર પાટણ(યુવા કાર્યક્રમ તેમજ ખેલ મંત્રાલય ભારત સરકાર) દ્વારા યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભી હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, લેખન સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક સ્પર્ધા (સમુહ નૃત્ય) નું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા કક્ષાના આ યુવા ઉત્સવમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેની થીમ પંચ પ્રણ ઓફ અમૃત કાળ રાખવામાં આવી હતી. આ થીમ અનુસાર પાંર પ્રણમાંથી પહેલું પ્રણ છે વિકસીત ભારતનું નિર્માણ, બીજું પ્રણ- ગુલામીના દરેક વિચારથી મુક્તિ, ત્રીજું પ્રણ- વિરાસત પર ગર્વ, ચોથું પ્રણ-એકતા અને એક જુટતા, તેમજ પાંચમુ પ્રણ છે નાગરિક કર્તવ્ય. આ પાંચેય પ્રણોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી મળી રહે તે માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન સાંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાભીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતુ કે, હાલમાં આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ જેનો ઉદેશ્ય છે યુવાઓમાં છુપાયેલી શક્તિઓને વિવિધ કાર્યક્રમો કરીને બહાર લાવવાનો. આજે વિવિધ ક્ષેત્રમાં પ્રવૃતિમય લોકો કામ કરીને સમાજમાં બદલાવ લાવી શકે છે. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપીને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી ભરતસિહંજી ડાભી, કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસરશ્રી જયભાઈ ધૃવ, ઇતિહાસકાર શ્રી અશોકભાઈ વ્યાસ, આચાર્યશ્રી એમ.એન. સાયન્સ કોલેજ ડો. પિયુષભાઈ વ્યાસ, એક્સપીરીમેન્ટલ હાઈસ્કુલ આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કર, પાટણ મ્યુઝિયમના ક્યુરેટરશ્રી મહેન્દ્ર સુરેલા, નેહરૂ યુવા કેન્દ્ર પાટણના કોઓર્ડીનેટરશ્રી ભૂષણ પાટીલ, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી આશુતોષ પાઠક, હિસાબનિશ નેહરૂ યુવા કેન્દ્ર પાટણના શ્રી અતુલભાઈ રાવલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.