શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાશે : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો, શાસ્ત્રીય નૃત્યાંગનાઓ કાર્યક્રમ પ્રસ્તુત કરશે
તા. 09-04-2024ને મંગળવારથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ એટલે વ્રત, તપ અને જપ અર્થાત્ ધ્યાન, આરાધના અને ઉપાસનાનો ત્રિવેણી સંગમ. શ્રધ્ધા અને ભક્તિના સુમેળથી પોતાની જાતનો પોતાનાથી ઓળખ કરાવવાનો અદ્ભૂત અને અનન્ય અવસર. આદ્યશક્તિના મંદિરોમાં ઉજવાતા ઓચ્છવો માણવાનો અપૂર્વ લ્હાવો.
પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં છેલ્લી કેટલીયે સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતી ચૈત્રી નવરાત્રિ જ ભવ્ય રીતે ઉજવાશે. આ પ્રસંગે આદ્યશક્તિ માઁ કાલિકા દરરોજ નીત નવા અલૌકિક શૃંગાર સજીને માઇભક્તોને પોતાના અનુપમ સ્વરૂપનાં દર્શન આપશે. ચૈત્રી પૂનમ અર્થાત્ તા. 23-04-2024ને મંગળવાર સુધી માઁ કાલિકા દરરોજ નીત નવીન ભાતીગળ સાડીઓ પરિધાન કરી, વૈવિધ્યપૂર્ણ ઘાટ તથા રંગછટાવાળા અલંકારોથી અલંકૃત થઇ વિવિધ વાહનો પર આરૂઢ થઇ ભક્તજનોને પારલૌકિક દર્શનની ધન્યતાનો અનુભવ કરાવશે. દેશ-દેશાવરના ચિત્રાકર્ષક રંગબેરંગી ફૂલોથી શ્રીમાતાજીની દરોજ નવીન આંગીની રચના કરવામાં આવશે.
શ્રી માતાજીની શૃંગાર આરતી દરરોજ સવારે 10 વાગે અને સાંધ્ય આરતી સાંજે 7 વાગે થશે. શ્રી માતાજીના દર્શન રાત્રિના 9-30 વાગ્યા સુધી થશે.
શ્રી માતાજીના સન્મુખ છેલ્લા ચૌદ વર્ષથી ઉજવાતો ‘શાસ્ત્રીય સંગીત સમારોહ’ આ વર્ષે પણ તા. 16-04-2024ને મંગળવારે દુર્ગાષ્ટમીના રોજ ‘સપ્તક’ના તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો તથા શાસ્ત્રીય નૃત્યાંગનાઓ દ્વારા યોજાવાનો છે. તા. 17-04-2024ને બુધવારે રામનવમીના રોજ પાટણના તમામ જાણીતા કાલકારો પોતાની ભજનકલા દ્વારા શ્રી માતાજીને રીઝવવાના છે.