પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરના ચાચરચોકમાં છેલ્લા 14 વર્ષથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શાસ્ત્રીય ગાયન અને વાદનકલાના ઘુરંઘરો તથા-અમદાવાદની સુપ્રસિધ્ધ શાસ્ત્રીય સંગીત સંસ્થા ‘સપ્તક’ના ખ્યાતનામ કલાકારો પોતાની વિશિષ્ટ કલા દ્વારા શ્રીમાતાજીને રીઝવવા દર વર્ષે ચૈત્રી નવરાત્રિની આઠમના રોજ આવી પહોંચે છે. આ પરંપરા મુજબ આજરોજ સાંજે 7-00 વાગ્યાથી રાત્રિના 11-00 વાગ્યા સુધી ચાલનારા આ શાસ્ત્રીય કાર્યક્રમમાં નાની બાળકીઓ તિથી તથા તોરલ સૌ પ્રથમ દુર્ગા સ્તુતિ રજૂ કરશે. ત્યારબાદ નંદિતા ભટ્ટ કથ્થક નૃત્ય રજૂ કરીને શ્રીમાતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. દ્વિતીય ચરણમાં વંશિકા પટેલ વાયોલિન પર રાગ બાગેશ્રી રજૂ કરશે. તૃતિય ચરણમાં અમદાવાદની પ્રસિધ્ધ સંસ્થા ‘સ્વરાલય મ્યુઝિક એકેડેમી’ના કલાકારો વૃંદગાન પ્રસ્તુત કરશે. ચતુર્થ ચરણમાં રાધિકા પરીખ શાસ્ત્રીય ગાયન રજૂ કરીને શ્રીમાતાજીને વિનવણી કરશે. પાંચમાં ચરણમાં નિલેશ ચોબીસા, અક્ષય પાટીલ તથા જેનિલ પટેલની ત્રિપુટી શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. છઠ્ઠા ચરણમાં અમી પરીખ શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે. સાતમા ચરણમાં પંડિત વિકાસ પરીખ પોતાના સુમધુર સ્વરોમાં શાસ્ત્રીય ગાયનની અનોખી શૈલીમાં શ્રીમાતાજીને રીઝવશે. આઠમા અને છેલ્લા ચરણમાં પંડિત જશરાજજીના પટ્ટશિષ્ય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પંડિત નીરજ પરીખ પોતાના બુલંદ સ્વરોમાં શાસ્ત્રીય ગાયનની અપ્રતિમ અને અનન્ય રચનાઓ પ્રસ્તુત કરીને શ્રીમાતાજીને પ્રસન્ન કરશે.
દર વર્ષે યોજાતો આ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ માત્રને માત્ર શ્રીમાતાજીને કાલાવાલા કરવા માટે યોજાતો હોય છે. કાર્યક્રમ દરિયાન શ્રીમાતાજીના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓ પણ કાર્યક્રમની મોજ માણી લેતા હોય છે.
અગાઉની પોસ્ટ