લોકસભા સામાન્ય ચૂંટણી-2024
પાટણ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની સી-વિજિલ એપ્લિકેશનમાં 67 ફરિયાદો મળી
આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજિલ દ્વારા મિનિટોમાં જ નિવારણ
લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરવિંદ વિજયનના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચના મુજબ, કલેક્ટર કચેરી ખાતે સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર 1800-233-2357 કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજિલ મોબાઈલ એપ પણ ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ ફરિયાદોનું માત્ર ગણતરીની મિનિટોમાં જ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.
દેશભરમાં આયોજિત થનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. જેને અનુસંધાને શરૂ કરાયેલ સી-વિજિલ મોબાઈલ એપ પર ફરીયાદો મળી રહી છે. આ ફરીયાદો મળતા જ માત્ર 100 મિનિટમાં તેનું નિરાકરણ પણ લાવી દેવામાં આવે છે. પાટણ જિલ્લામાં સી-વિજિલ એપ પર અત્યારસુધી કુલ 67 ફરીયાદો મળી આવી છે. જેનું સમય મર્યાદામાં નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.
કલેક્ટર કચેરી ખાતે શરૂ કરાયેલ સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ 24 કલાક ચાલુ રહે છે. તેથી કોઈ પણ નાગરિક 24 કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગને લગતા કોઈ પણ કિસ્સાની ફરિયાદો તેના પર નોંધાવી શકે છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યરત સી-વિજિલ કંટ્રોલરૂમમાં વિવિધ સ્ટાફ 24 કલાક ફરજ બજાવે છે. આ તમામ કામગીરી પર નજર રાખવા નોડલ અધિકારીશ્રી આર.કે.મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે.
કઈ રીતે કામ કરે છે સી-વિજિલ એપ?
C-vigil એ નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચે બનાવેલ એપ્લિકેશન છે. ચૂંટણી દરમિયાન ક્યારે પણ આચારસંહિતાનું ઉલ્લંઘન અથવા મતદાનને પ્રભાવિત કરવા જેવી ગતિવિધિઓ થઈ રહી હોય તો તેના વિડીયો/ ફોટો રેકોર્ડ કરી આ એપ પર અપલોડ કરી શકાય છે. આ એપ પર ફરિયાદ કરનારનું નામ અને સરનામું ગુપ્ત રાખવામાં આવે છે. વધુમાં એપ દ્વારા મળતી ફરિયાદ સીધી કંટ્રોલરૂમને મળે છે. ત્યાંથી સંબંધિત FST ટીમને ફરિયાદ મોકલી આપવામાં આવે છે. કંન્ટ્રોલરૂમ દ્વારા પ્રભાવી કાર્યવાહી કરી યોગ્ય જવાબ એપ પર અપલોડ કરી દેવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહી 100 મિનિટમાં પૂર્ણ કરવામાં આવે છે.
સી-વિજિલ એપ પર કઈ રીતે કરી શકો છો ફરિયાદ?
આદર્શ આચારસંહિતાના અમલીકરણ દરમિયાન આપને જો સી-વિજિલ એપનો ઉપયોગ કરવો છે તો, આપ સૌ પ્રથમ આ એપને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ આપના મોબાઈલ નંબર દ્વારા આપે રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ આપ આદર્શ આચારસંહિતાના ભંગ સંલગ્ન કોઈ પણ પ્રવૃતિઓ જુઓ તો તે સી-વિજિલ એપ પર મુકી શકશો. ફરિયાદ કરવા માટે એપ્લિકેશન પર કેમેરાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કર્યા બાદ આપ ફોટો કે વિડિયો વિસ્તૃત વિગતો સાથે મોકલી શકશો. ત્યારબાદ આપની ફરિયાદ એપમાં સેવ થઈ જશે.