ઇન્ડીયા ગઢબંધનની સરકાર આવશે તો દરેક મહિલાના ખાતામાં વર્ષે 1 લાખ નાંખવામાં આવશે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાનમાં યોજાયેલ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે બે વિચારધારાની લડાઇ ચાલે છે એક પક્ષ એમ કહે છે કે, અમો ફરી વિજેતા બનીશું, તો આ દેશનું બંધારણ બદલી નાંખીશું, દેશના આ સંવિધાનના કારણે જ આઝાદી બાદ શિક્ષા સ્વાસ્થ્ય, વિકાસ, પાણી વિગેરે વિગેરે દેશની જનતાને મળ્યા છે, ત્યારે બીજેપીના લોકો આ આપણા સંવિધાનને બદલી નાંખવાની વાતો કરે છે. કોંગ્રેસ-ઇન્ડીયા એલાયન્સ આ બંધારણની રક્ષા કરવા માંગે છે. આઝાદી બાદ ગરીબ, આદિવાસી, પછાત, ઓબીસી વિગેરેને જે કંઇ મળ્યું તેના મૂળમાં આ બંધારણ છે. આપણું આ બંધારણ આ વર્ગોના હક્કોની રક્ષા કરે છે.
બેરોજગાર યુવાનોને એપ્રેન્ટીક્સ તરીકે રોજગારી આપી 1 લાખનું ભથ્થુ અપાશે
રાહુલે કહ્યું, દેશના માત્ર 22 થી 25 લોકો એવા છે જેમની પાસે દેશનું 70 ટકા ધન-સંપત્તિ છે. આ 22 લોકોમાં અંદાણી, અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ આવી જાય છે. જેમનું મોદી સરકારે 16 લાખ કરોડનું દેવું માફ કર્યું છે. દેશના 1 ટકા આવા લોકોના 16 લાખ કરોડ માફ કર્યા તેનું 99 ટકા લોકોએ ધ્યાન રાખવું જોઇએ. અમારી યુ.પી.એ સરકારે કિસાનોના કર્જ માફ કર્યા હતા. આ 16 લાખ કરોડમાંથી દેશના કિસાનોના 25 વર્ષ સુધી કર્જ માફ કરી શકાયા હોત, 24 વર્ષ સુધી ગરીબ-મજદુરોને મનરેગામાં રોજગારી આપી શકાઇ હોત. રાહુલે કહ્યું “દેશના 1 ટકા લોકોએ દેશની 40 ટકા સંપત્તિ કબજે કરી છે. અમે આજે જે આરક્ષણ છે તેમાં ગરીબો, પછાત, દલીત, આદીવાસી, જનરલ પછાત છે તેની સંખ્યા મુજબ વધારો કરવા માંગીએ છીએ. આ માટે અમો જાતીગણના કરવાની વાત કરીએ છીએ. રાહુલે કહ્યું, આવી 90 ટકા આબાદીએ જીએસટી સહિતનો જે ફાળો આપ્યો તેમાંથી 16 લાખ કરોડ આવા માત્ર 22 થી 25 લોકોના દેવા માફ કરી આપી દેવામાં આવ્યા છે. એક માત્ર અદાણીને એરપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીન્ડપાવર, જાહેર સાહસોના ઉદ્યોગો આપી દેવામાં આવ્યા છે. જેનું એકમાત્ર કારણ તેઓની નરેન્દ્ર મોદી સાથેની દોસ્તી છે.
ખેડૂતોના કર્જ માફ કરી એમ.એસ.પી.ની. ગેરંટી અપાશે : દેશનું મીડીયા આજે દેશની મુખ્ય સમસ્યા બેરોજગારી-મોંઘવારીની વાત કરવાના બદલે રાત દિવસ મોદીનો ચહેરો બતાવે છે
રાહુલે કહ્યું, આ લોકો રામમંદિરની વાતો કરે છે પરંતુ તેના ઉદ્ઘાટનમાં તમે જોયું હશે કે કોઇ ગરીબ, કિસાન, આદિવાસી, દલીત કે અન્ય ગરીબ વર્ગની કોઇ વ્યક્તિ નહિં દેખાતી હોય. હા દેખાયા, માત્ર મોટા મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો નાચતા દેખાયા હતા. અરે આપણે નવું સંસદ ભવન બન્યું. દેશના આપણા રાષ્ટ્રપતિ પ્રથમ બંધારણીય વડા હોય છે, પરંતુ તેઓ આદિવાસી હોવાના કારણે તેમને ઉદ્ઘાટનમાં ફરકવા દેવામાં આવ્યા ન હતા. આનો એકમાત્ર રસ્તો દેશમાં જાતી જનગણના છે. તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. રાહુલે જણાવ્યું કે, આજે નરેન્દ્ર મોદીએ દેશના સમગ્ર મીડીયાને પણ કબજે કરી દીધું છે. આજે દેશની સોથી મોટી સમસ્યા મોંઘવારી અને બેરોજગારી છે. મીડીયામાં મોંઘવારી અને બેરોજગારીની વાત ક્યાંય આવતી નથી. ટીવી ચાલુ કરો રાત દિવસ નરેન્દ્ર મોદીનો ચહેરો બતાવવામાં આવે છે.
અગ્નિવીર યોજના દેશ માટે જાનની બાજી લગાવી સરહદે કામ કરતા યુવાનોનું અપમાન કરવા સમાન છે
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મહત્ત્વની વાત કરતા તેમણે જણાવેલ કે, અમારી ઇન્ડીયા ગઢબંધનની સરકાર આવશે તો દરેક ગરીબ, પરિવારની મહિલાઓ માટે અમો “મહાલક્ષ્મી યોજના લાવી રહ્યા છીએ. જેમાં દરેક વર્ગની ગરીબ પરિવારની મહિલાનું 1 નામ પસંદ કરી તેના ખાતામાં 1 વર્ષમાં 1 લાખ રૂપિયા નાંખવામાં આવશે. આ મહિલાઓના ખાતામાં દર મહિને 8 હજાર પાંચસો રૂપિયા ફટાફટ જમા થઇ જશે. જે વર્ષે કુલ 1 લાખ હશે. આ પરિવાર જ્યાં સુધી ગરીબીની રેખામાંથી બહાર ન આવે ત્યાં સુધી તે પરિવારને તેનો લાભ મળતો રહેશે. કિસાન, નાના વેપારી પરિવારની મહિલાઓને પણ તેનો લાભ મળશે.
દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો દેશના 22 થી 25 લોકોના હાથમાં છે
દેશના ઇતિહાસમાં આજે બેરોજગારીનો દર સૌથી ઊંચો છે. યુવાન ગેજ્યુએટ થઇને બહાર આવે, તુરત તેને “પહેલી નોકરી પક્કી યોજના નીચે એપરીન્ટીકસ તરીકેની નોકરી આપી, ટોપ ઓફ ટ્રેનીંગ અપાશે. આવા યુવાનોને વર્ષે 1 લાખ ભથ્થુ અપાશે.
ઇન્ડીયા ગઢબંધનની સરકાર આવશે તો કિસાનોના કર્જ માફ કરી કિસાનોને એમએસપીની લીગલ ગેરંટી આપવામાં આવશે. મનરેગામાં કામ કરતાં મજદુરોને રૂા. 400 રોજનું ભથ્થુ અપાશે. આંગણવાડી અને આશાવર્કરની બહેનોના ભથ્થા બમણાં કરવામાં આવશે. દેશની રક્ષા માટે હિન્દુસ્તાનનો યુવાન જોડાય છે. પોતાના જીવની બાજી લગાવી દેશની સરહદની રક્ષા કરતા યુવાનોનું અપમાન કરતી અગ્નિવીર યોજના રદ કરી અગાઉની જેમ યુવાનોની કાયમી સૈન્યમાં ભરતી કરાશે, તેને સન્માન આપી પેન્શન અપાશે. રાહુલે નાના વેપારી, સ્મોલ ઇન્ડસ્ટ્રીજને ખતમ કરનાર વર્તમાન જીએસટી સિસ્ટમને નવેસરથી લાગુ કરવાની વાત કરી હતી. રાહુલ ગાંધીની પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે પાટણમાં યોજાયેલ જાહેરસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વપ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, શૈલેષ પરમાર, સિધ્ધાર્થ પટેલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને પાટણ લોકસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો, બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સહિત ખૂબ મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી.