પાટણ નગરપાલિકાએ જ્ઞાન શક્તિ સર્કલ તોડી નાંખ્યું : દાનવીર કિલાચંદ પરિવારનું અપમાન કરતા નારાજગી
પાટણમાં વર્ષો પૂર્વે અનેક શૈક્ષણિક સંસ્થાની ભેટ આપનાર પાટણના દાનવીર શેઠ કિલાચંદ દેવચંદના નામ સાથે જોડાયેલ જ્ઞાન શકિત સર્કલને પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાને બદલે તોડી નાખતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી દ્વારા નવા બની રહેલા ઓવરબ્રીજનું શેઠ કિલાચંદ દેવચંદ નામાભિધાન કરવા માંગણી કરવામાં આવી છે.
એનજીઇએસના સ્થાનિક વહીવટકર્તાઓ દ્વારા પાટણ નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે કે રેલ્વેફાટક ત્રણ રસ્તા પાસેના જ્ઞાન શકિત સર્કલથને યોગ્ય જગ્યાએ સન્માન જળવાય તે રીતે નવેસરથી બનાવવા અગાઉ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા આ રજૂઆત ધ્યાનમાં નહી લઇ ઓવરબ્રીજને નડતરરપ હોવાના ઓથા હેઠળ દુર કરી અન્ય જગ્યાએ નવેસરથી બનાવવા પ્રત્યે કોઈ જ ધ્યાન આપવામાં આવ્યુ નથી અને મનસ્વી રીતે નિર્ણય કરવામાં આવ્યો છે જે વખોડવા લાયક છે. રાજા સિધ્ધરાજ જયસિંહ બાદ પાટણની બીજી ઓળખ હોય તો તે દાનવીર કિલાચંદ શેઠ છે. તેવા દાતાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. પાટણને કરોડો રુપિયાનું દાન આપનાર દાતાની આવી ઉપેક્ષા કેટલા અંશે વ્યાજબી કહેવાય?
થોડા સમય પહેલા જ પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જ આ માર્ગને કીલાચંદ દેવચંદ અને સર્કલને જ્ઞાન શકિત સર્કલ નામ આપવામાં આવ્યુ હતું. તો હવે તોડી પાડવા પાછળ કયુ રાજકારણ કામ કરે છે તે એક પ્રશ્ન છે? જે સર્કલ તોડી પાડવામાં આવ્યું છે તે જગ્યાએ કોઈ જ્ઞાતિના સમાજ સેવક કે નેતાનું સ્ટેચ્યુ હોત તો શું આ રીતે જ તોડી પાડવામાં આવ્યુ હોત? પાટણના આ દાનવીરનું મુંબઇ જેવા શહેરમાં શું મહત્વ છે તે મરીન ડ્રાઇવ રોડ ઉપર જઈને જોશો તો ખબર પડશેજયારે જન્મભુમિને ઋણ ચુકવે છે ત્યાં કોઈ જ કિંમત નહીં? આ કેવો અન્યાયી વહીવટ? જો આ રીતે દાતાઓનું અપમાન કરવામાં આવશે તો શૈક્ષણિક સંસ્થાઓને કરોડોનું દાન કરતા દાનવીરો સો વાર વિચાર કરશે!! ઓવરબ્રીજ નીચેનું આ સર્કલ કોઈ રીતે નડતરરૂપ હતું નહીં છતા મનસ્વી અને મનઘડત રીતે નગરપાલિકાના સત્તાધીશોએ તેને દુર કર્યું છે ત્યારે આ ભુલ સુધારી આ નવા બની રહેલા રેલવે ઓવરબ્રીજનું નામ શેઠ કિલાચંદ દેવચંદ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.
દેશના પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ તરીકે શેઠ કિલાચંદ દેવચંદે પાટણનું ગૌરવ વધારેલ
પાટણ શહેરના પૂર્વ પ્રવેશદ્વારે આજથી ૫૦ વર્ષ કરતાં પહેલા બનેલ કિલાચંદ દેવચંદ પોલીટેકનીક કોલેજથી પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલ કેશરબેન કિલાચંદ ક્ધયા વિદ્યાલય, શેઠશ્રી કિલાચંદ પરિવારના માતબર દાનની ભેટ છે. પાટણની જ્યાં અનેક કોલેજો, શાળાઓ, મહાશાળાઓ આવેલ છે, તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસની સ્થાપના, સંચાલન અને તેઓના પરિવારના કોલેજ કેમ્પસમાં માતબર દાનનો સહીયોગ રહેલ છે. શેઠ કિલાચંદ પરિવારના શેઠ તુલસીદાસ કિલાચંદ ૧૯૫૨માં પાટણના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયેલ હતા. જ્યારે શેઠ રામદાસ કિલાચંદ પાટણના પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. શેઠ કિલાચંદ દેવચંદે દેશના અગ્રણી પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ તરીકે પાટણનું ગૌરવ વધારેલ છે.