પાટણના બી-ડીવીજન પોલિસ સ્ટેશને હાઇ વોલ્ટેજ ડ્રામા
ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી, ઘેમરભાઇ સહિત ૨૨ લોકો વહેલી સવારે ૬ વાગે બી-ડીવીઝન પોલીસમાં હાજર થઇ જતાં પોલીસ મુંઝવણમાં મુકાઇ
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણવાના ગંભીર મુદ્દાને લઈને ગરમાયેલો મામલો પાટણ બી-ડીવીજન પોલીસ સ્ટેશને હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયેલ. આ ઘટનાક્રમમાં પોલીસ સાથે ઝપાઝપી અને ગાળાગાળીના મુદ્દે પોલીસ દ્વારા અગાઉ કોંગ્રેસના અને એનએસયુઆઇના ૧૨ જેટલા કાર્યકરોની ધરપકડ કરાઈ હતી અને તેમને જામીન પર મુક્ત કરાયા હતા. બીજીતરફ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઇ દેસાઈ સહિત કોંગ્રેસના અને વિદ્યાર્થી સંગઠનના આગેવાનો, કાર્યકરો છેલ્લા નવ દિવસથી ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આગોતરા જામીન અરજી મૂકી હતી. જેનો નિર્ણય નહીં થતા આજે ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના ૨૨ જેટલા આગેવાનો, કાર્યકરો સવારે છ વાગે જાતે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. જોકે ધારાસભ્ય સહિત આગેવાનોને સાંજે ૮ વાગ્યા સુધી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રખાતા બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત પાર્ટીના આગેવાનો, કાર્યકરો દોડતા થઈ ગયા હતા અને કાનૂની રીતે પણ મામલો ગુંચવાયો હતો. જેમાં છેવટે મોડી સાંજે સાંસદ ગેનીબેનની દરમિયાનગીરીથી કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરોને પોલીસે જામીન પર મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
પાટણ યુનિવર્સિટી ખાતે બનેલા ધરણા પ્રદર્શન અને પોલીસ સાથે ઘર્ષણ, ગાળાગાળી જેવા કેસમાં જાહેરનામાના ભંગ બદલ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઇ દેસાઈ, એનએસયુઆઈ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સામે ફરીયાદ થઈ હતી એ પૈકી બાર જેટલા લોકોની ધરપકડ કરી જામીન લેવામાં આવ્યા હતા.
બાકીના આગેવાનો, કાર્યકરો આજે વહેલી સવારે છ વાગે ધારાસભ્યની આગેવાનીમાં પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જો કે, વહેલી સવારે પોલીસમાં હાજર થવા છતાં સાંજ સુધી જામીનની પ્રક્રિયા નહિં થતાં મામલો ગુંચવાયો હતો.
ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના અન્ય આગેવાનો કાર્યકરો લગભગ નવ દિવસ પોલીસ પકડથી બહાર રહી આગોતરા જામીન મેળવવા પ્રયત્નો કર્યા બાદ આજે ગુરુવારે સવારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા પોલીસે તપાસની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મોડા સુધી રોકાયા હતા.
આ અંગે ડીવાયએસપી કે.કે.પંડ્યા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઘર્ષણ અને ગાળા ગાળી સહિતના કેસમાં પોલીસે જે લોકો સામે ફરિયાદ નોંધી હતી તે પૈકીના પાટણના ધારાસભ્ય, સિદ્ધપુરના માજી ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત કુલ ૨૧ વ્યક્તિઓ સવારે પોલીસ સ્ટેશનમાં જાતે હાજર થયેલ છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
યુનિવર્સિટી દારૂકાંડ અંગે પગલાં ભરવાની માંગ સાથે રજૂઆત કરવા માટે ગયેલા ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિ.ના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં મુકાયેલી જામીન અરજી પાછી ધકેલાતા ધારાસભ્ય સહિત ૨૨ લોકો વહેલી સવારે ૬ વાગે પોલીસ મથકે હાજર થઈ જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમને કોર્ટમાં રજૂ કરવાના બદલે પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રખાતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને ધારાસભ્યના સમર્થકો તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પોલીસ મથકે દોડી આવ્યા હતા.
દરમ્યાન આ કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અન્ય લોકોની કોર્ટમાં આગોતરા જામીન અરજીની કાર્યવાહીમાં અગાઉ મુદત બાદ ગુરુવારે પણ આવતીકાલની મુદત પડી હતી. જોકે કોર્ટની મુદત અને બીજી તરફ કોંગ્રેસના ૨૨ આગેવાનો કાર્યકરો દિવસભર પોલીસ સ્ટેશનમાં બેસી રહેતા સાંસદ ગેનીબેન ઠાકોરે ભારે દોડાદોડ કરીને એસપી થી લઈને ઉપર સુધી રજૂઆતો કરી હતી જેના પરિણામે સાંજે આઠ વાગ્યાના અરસામાં પોલીસ દ્વારા જામીનની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી હતી.
પાટણ યુનિવર્સિટીમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ઘર્ષણના મામલે ૧૪ વ્યક્તિઓની નામજોગ અને ૨૦૦ વ્યક્તિઓના ટોળા સામે પાટણ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના ૧૨ જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી અને તેઓ જામીન પર મુક્ત થયા હતા જ્યારે ધરપકડથી બચવા પોલીસ પકડથી દૂર રહેલા ધારાસભ્ય સહિત ૨૨ આગેવાનો કાર્યકરો સૌના આશ્ર્ચર્ય વચ્ચે બી ડિવિઝન પોલીસમાં સવારે છ વાગે હાજર થઈ જતા પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઈ હતી.
બી ડીવીઝન પોલીસ સ્ટેશન બહાર ટોળાથી ચુનાવી માહોલ
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના ૨૨ જેટલા આગેવાનો કાર્યકરોને રાખવામાં આવેલ હોઇ પોલીસ સ્ટેશનની બહાર રોડ પર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોના ટોળા જામ્યા હતા જેથી જાણે કે કોઈ ચૂંટણીની મતગણતરી ચાલી રહી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.
યુવા પેઢીને નશાના કારોબારથી દૂર રાખવા અમારી લડત છે : કે.સી. પટેલ
આ સમગ્ર ઘટનાક્રમ અંગે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો કિરીટ પટેલએ એક નિવેદન પ્રસિદ્ધ કરીને જણાવ્યું હતું કે, વર્તમાન પત્રોમાં મેં વાંચ્યું કે તારીખ ૨૩/ ૧૨/ ૨૦૨૪ ની સુનાવણી દરમિયાન પાટણ કોર્ટમાં પોલીસ દ્વારા કાયદાની હત્યા કરવામાં આવી છે. સમાચાર પત્રના આ અહેવાલથી કાયદાના અધ્યાપક તરીકે મને ખૂબ દુ:ખ થયું. કાયદાના અધ્યાપક તરીકે મારે કાયદાનું સન્માન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને એ જ કારણે કાયદાનું ગૌરવ સચવાય એ માટે આજ રોજ વહેલી સવારે ૬ વાગે સામેથી હું મારા સમર્થકો ચંદનજી ઠાકોર, ઘેમરભાઈ દેસાઈ જેવા અગ્રણીઓ સાથે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો છું. ગાંધીજીના માર્ગે અમે સમાજમાં આ લડત લઈ જવા માટે કૃતનિશ્ચય બન્યા છીએ. એક શૈક્ષણિક સંસ્થામાં દારૂ પીનારાઓની સામે લાલ ઝાઝમ પાથરવામાં આવે અને દારૂ પીનાર સામેની રજૂઆત કરનારને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે. મારે ગુજરાતની પ્રજાને એટલું જ કહેવું છે કે આ સ્થિતિને જુઓ.
તો અમેય ચૂપ રહીશું નહિં : ગેનીબેન ઠાકોર
પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આવેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના ચોર ઉલટા કોટવાલ કો ડાટે એવી ઘટના છે. પ્રજાના પ્રતિનિધીઓ પોલીસનું ધ્યાન દોરતા હોય એમને જ દંડવામાં આવે છે. કોઇએ કાયદો હાથમાં ન લેવો એ માનીએ પણ આ ઘટનામાં ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય સામેલ નથી. જ્યારે ૬ વર્ષથી ઓછી સજાની કલમોમાં પોલીસ મથકમાં જામીન આપવાનો કાયદો છે એનું પણ પાલન કરવામાં આવતું નથી. આ લોકો સવારના અહીં બેઠા છે પણ હજી જામીન મળ્યા નથી એ ખોટી બાબત છે. પોલીસ પોલીસનું કામ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. પણ જો પોલીસ કાયદો હાથમાં લેશે તો અમે ચુપ નહીં રહીએ.