મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગિરીશભાઇ રાજગોરની પસંદગી થતાં તેમણે ગઇકાલે ભવ્ય બાઇક રેલી સાથેનો રોડ-શો કરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઇ પદગ્રહણ સમારંભમાં પ્રમુખ તરીકે પદ સંભાળેલ.
મહેસાણામાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પ્રથમવાર ઇતરજ્ઞાતિમાંથી પસંદગી થઇ છે. કાર્યકરોના ભારે ઉત્સાહ સાથે ગીરીશભાઇએ જિલ્લા પ્રમુખ તરીકેનું પદ સંભાળેલ. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે શ્રીફળ અને મોમેન્ટો આપી જિલ્લા ભાજપ પ્રમુખ પદનો ભાર ગીરીશભાઇને સોંપેલ આ સમારોહમાં મયંકભાઇ નાયકને પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવેલ.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ.એસ. પટેલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કૌશલ્યા કુંવરબા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, સાંસદ જુગલજી ઠાકોર, ભાજપ બક્ષીમોરચાના અધ્યક્ષ મયંક નાયક, મહેસાણા પાલિકા પ્રમુખ વર્ષાબેન, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, પૂર્વ ધારાસભ્યો નારણભાઇ પટેલ, રમણભાઇ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી સહિત આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ગીરીશભાઇ રાજગોરનો પરિવાર જનસંઘ વખતથી પાર્ટી સાથે જોડાયેલ છે તેમના પિતાશ્રી રાયસંગભાઇ રાજગોર પાલિકામાં કોર્પોરેટર હતા બાદ ગીરીશભાઇ પણ કોર્પોરેટર તરીકે ચૂંટાઇ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કામ કરેલ હતું. તેઓ પણ રેલ્વેની મહત્ત્વની કમિટીમાં સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.