આવું કહી મોતની વાટ જોતા નરસંગ દાદાને મળવાનું થયું. લગભગ ૭૦ વર્ષની ઉમર હશે. શરીર ઉપર એક પોતળી વીટેલી. જવાનીમાં ખુબ મહેનતના કારણે અત્યારે હાથ પગ થાકેલા હોય એવું લાગ્યું અને કઈ થતું ના હોવા છતાં દાદાની સેવા કરતા દાદી બાજુમાં ઉભા હતા…..
અમને જોઈ દાદાએ પોતાની કથની કહેવાની શરુ કરી…ત્યારે અમે પુછ્યું દાદા આમ, મરવાની વાત કેમ કરતા હતા….? ત્યારે દાદા રડી પડ્યા અને કહેવા લાગ્યા હું ઓના માથે પડ્યો સુ હવ મારાથી કોઈ કોમ થતું નથી , આખો દિવસ ખાટલામાં પડ્યો રહું સુ. કોઈ સહારો નથી એક ભેંસ રાખી ઘરનું પૂરું કરીએ સીએ પણ એનું કામ ય જમ તમ કરીએ સીએ . તેમની આંખોમાં નર્યો નિઃસાસો વર્તાતો હતો . કોઈ છોરું નહી હોવાનું દુઃખ પણ દેખાતું હતું ..થોડીવાર તો અમે પણ એમના સામે જોતા બેસી રહ્યા.. પછી અમે દાદાને કહ્યું દર મહિને તમને રાશન આપી જઈશું તો ચાલશે….? આવું કહી તેમના સામે રાશનકીટ મૂકી બંને જોઇને ભાવવિભોર થઇ ગયા અને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા.. ભગવોન તમારું હારું કરશે તમે અમ નીરાધારોનો આશરો બન્યા.
પછી તો જાણે એક ‘માં’ પોતાના દીકરાની ટપાલની વાટ જોઇને બેઠી હોય એમ કાગ ડોળે બંને અમારી વાટ જોઇને બેઠા હોય…….અને અમને કહે હવે કોઈ ચિંતા નથી. જાણે અમોને અમારો દીકરો મળી ગયો હોય એવું લાગ સ બુન . છેલ્લા બે વર્ષથી અમે આ બા દાદાને દર મહીને રાશન આપીએ છીએ, પરંતુ જયારે રાશન આપવા જઈએ અને દાદા સાથે વાતો ના કરીએ એવું ના બને પરંતુ, હવે તો અમારો એ સંવાદ બંધ થયો દાદાનું અવસાન થયું. અમારા સંવાદનું તો ઠીક પણ દાદીનો સંવાદ તૂટી ગયો એનું દુઃખ છે. હવે દાદી એકલા થઇ ગયા.. પણ દર મહીને દાદીને રાશન આપીશું.અને મળીશું પણ ખરા …
યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર દ્વારા દર મહીને આવા ૧૦૦થી વધુ માવતરોને દાતાના સહયોગથી રાશન સહાય આપવામાં આવે છે. જેની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આપ પણ નિમિત બની શકો છો.
વધુ માહિતી માટે આપ ૯૮૯૮૬૦૨૩૨૫ પર સંપર્ક કરી શકો છો.
જીજ્ઞાબેન દવે દ્વારા