શહીદ જવાનોના પરિવારોને 1 લાખ 1 હજારનું અનુદાન અપાયું
શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં પણ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ પાટણ/રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા શૌર્ય સંધ્યામાં યોજવામાં આવેલ.
શૌર્ય સંધ્યા કાર્યક્રમમાં રાજ્યભરમાંથી તમામ જવાનોના પરીવારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં જવાનોના પરીજનોને રૂ.1 લાખ 11 હજારનું અનુદાન પણ કરવામાં આવ્યું હતુ. રોટરી ક્લબ ઓફ પાટણ/રોટરેક્ટ ક્લબ ઓફ પાટણના સહયોગથી પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ પૂર્વે પણ વર્ષ-2019-21 માં શહીદોને યાદ કરવા માટેના આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીએ શહીદોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ ખાસ અને ભાવનાત્મક દિવસ છે. સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ, રાજગુરુ, અને સુખદેવે નાની ઉંમરે દેશની આઝાદી માટે લડાઈ લડી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. જેના કારણે તેઓ ભારતીયો માટે અને ખાસ કરીને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. નાનકડી વયમાં જ દેશ પર જીવ કુરબાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને તેમજ દેશના લોકોની રક્ષા કરનાર તમામ જવાનોને શત શત નમન.
આ શૌર્ય સંધ્યા કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું હતુ. કાર્યક્રમમાં ડો. જયંતીભાઇ ભાડેસીયા, શ્રી યોગેન્દ્રસિંહ યાદવ (પરમવીર ચક્ર પ્રાપ્ત) , જિલ્લા વિકાસ અધકારીશ્રી ડી.એમ.સોલંકી, રાષ્ટ્રિય અધ્યક્ષ ડો. રાજ શેખાવત, પુર્વ મહામંત્રી કે. સી. પટેલ , કુલદીપ યાદવ તથા બહોળી સંખ્યામા જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.