ડીએનએ ટેસ્ટમાં માતા પિતા સાથે પાઈપ માંથી મળેલા અંગોનું ડીએનએ મેચ થયું
સ્વ. લવિનાના મુકિતધામ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા
સિધ્ધપુરમાં છેલ્લા 10 દિવસના ચકચાર જગાવી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન આકર્ષનાર બનેલી અઘટીત ઘટનામાં ગામના અંદરના વિસ્તારોમાં ધીમુ, દુર્ગંધ મારતુ ગારા જેવું પાણી આવવાની ફરીયાદના આધારે શરૂ થયેલી કાર્યવાહીમાં ઉપલીશેરી અને લાલડોશીની પોળ વિસ્તાર માં પાઈપો માંથી માનવ અંગો મળતાં હડકંપ મચી ગયો હતો. આશરે 1500 ઘરના 5000થી વધારે લોકો પાણીના સંકટમાં મુકાયા હતા તો બીજી બાજુ જેના 12 મે ના રોજ લગ્ન લેવાયા હતા તે ગુરૂનાનક સોસાયટીમાં રહેતી 21 વર્ષિય લવિના દિનેશભાઈ હરવાણી ગૂમ થઈ હતી, તેના વેપારી પિતા અને પરીવારજનો અને સમાજના લોકોએ ચારેબાજુ શોધખોળ આદરી હતી પરંતુ કોઈ સગડ નહી મળતાં અંતે પોલીસમાં દિકરી ગૂમ થઈ હોવાની ફરીયાદ આપી હતી.
પીવા માટે વપરાતા પાણીની પાઈપલાઈનમાં માનવ અંગો મળવાથી નગરપાલિકા તંત્ર પણ અવાક હતું તો પોલીસ તંત્ર સાથે નગરજનો પણ સ્તબ્ધ રહી ગયા હતા. અને બે ત્રણ દિવસ સુધી ગંદુ પાણી પીધુ હોવાની ઘૃણા પણ ઉદભવી હતી. લોકોને આ માનવ અંગો લવિના ના હોય તેવી શક્યતાઓની ચર્ચાઓ શરૂ થઈ હતી. પોલીસે પણ ખૂબજ ગંભીરતાથી અને બારીકાઈથી કેસના તમામ પાસાઓ અને શક્યતાઓની તપાસ આદરી હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં માનવ અંગો કોઈ 21 થી 40 વર્ષ વચ્ચેની યુવતિના હોવાનું જણાવાયુ હતુ અને પાણીની ટાંકી પાસેથી ગૂમ થયેલ લવિનાનો દુપટ્ટો અને બંગડી મળતાં તેમજ આ વિસ્તારના સીસીટીવીમાં લવિના ત્યાંથી પસાર થઈ રહેલી જોવાતી હોવાના ફૂટેજ સામે આવતાં આ માનવ અંગો ગૂમ થયેલ લવિના હરવાણીના હોવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ હતી. પાણીની ટાંકીથી વોર્ડ મંબર પાંચના વિસ્તારોને પાણી પહોંચાડતી 12 ઈંચ વ્યાસ એટલેકે 300 મીમી ની આમતો સાંકડી જ કહી શકાય તેવી પાણીનું પ્રેશર સાથે વહન કરતી પાઈપ લાઈનમાં આવેલ લગભગ 50 થી વધારે બેન્ડ, ટી, વાલ્વ વિગેરે માંથી મૃતદેહ પસાર થતાં થતાં તેના અંગો છૂટા પડીને અલગ વિસ્તારોમાં ગયા હોવાની ધારણાઓ બની હતી. નગરપાલિકા તંત્રએ ખૂબજ ત્વરીત કામગીરી કરી પાઈપમાં ઈન્વેસ્ટીગેશન માટેના ખાસ કેમેરા અને ઉપકરણો સાથે અમદાવાદથી નિષ્ણાંતોની ટીમ પણ બોલાવી હતી ઉપરાંત પ્રેશરથી પાણી છોડી પાઈપોની અંદર હજુ કોઈ અંગો નહી હોવાની ચકાસણી કરી હતી. આ ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ વોટરવર્કસ એન્જીનિયર વિનોદ પટ્ટણીને જવાબદાર ગણી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જવાબદારી તો મુખ્ય અધિકારી અને વોટરવર્કસ કમિટીના ચેરમેનની પણ બનતી હતી અને નૈતિકતાના ધોરણે ચેરમેને પણ લોકોને આવું પાણી પીવા મજબૂર બનવું પડ્યુ તેની જવાબદારી લઈને રાજીનામું આપી જનતાની માફી માંગવી જોઈતી હતી.
સિધ્ધપુર ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે મામલાની ગંભીરતા જોતાં તાત્કાલીક સ્થળ નિરીક્ષણ કરી ઝડપથી પુન: લોકોને શુધ્ધ પાણી મળે અને ગૂમ થયેલ દિકરીની ભાળ મળે તે માટે સરકારની તમામ મદદનો ભરોસો આપેલ.
ખૂબજ કહોવાઈ ગયેલ હાલતમાં મળેલ અંગોના આધારે મૃતકની ઓળખ અશક્ય હોવાથી પોલીસે અંગો અને સાથે ગૂમ થયેલ લવિના ના માતા પિતાના ડીએનએ સેમ્પલ ગાંધીનગરની ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યા હતા. રેન્જ આઈજી મોથલીયા સાહેબના માર્ગદર્શનમાં જિલ્લાના ઈન્ચાર્જ એસપી વિશાખા મેડમે ખુદ આ કેસને લીડ કરીને તાત્કાલીક કેસ એલસીબીને સુપ્રત કર્યો હતો. એલસીબી પીઆઈ અમીને સિધ્ધપુર ડીવાયએસપી પંડ્યા અને પોલીસ ઈન્સ્પેકટર જે.બી. આચાર્ય સાથે સંકલન કરી અલગ અલગ ટીમો બનાવી કેસની ઝીણવટભરી તપાસ આદરી હતી. આ દરમ્યાન સિધ્ધપુર સિન્ધી સમાજની હાકલથી ગૂમ થયેલી દિકરીની જલ્દી ભાળ મેળવવા સરકારની મદદ માટે આવેદનપત્ર આપવા એક વિશાળ રેલી નિકળી હતી જેણે પ્રાંત અધિકારી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતને મળીને સત્વરે ન્યાય અપાવવા રજૂઆત કરી હતી. સિન્ધી સમાજના પ્રમુખ રાજુભાઈ ઠકકરની આગેવાનીમાં સિન્ધી સમાજના વેપારીઓએ દુકાનો બંધ રાખીને મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સિધ્ધપુરના વિવિધ સમાજ અને સંગઠનના લોકો પણ રેલીમાં જોડાયા હતા.
સેમ્પલ મોકલવાના 72 કલાક બાદ આવેલા ડીએનએ રીપોર્ટમાં પાઈપો માંથી મળેલા માનવ અંગોનું ડીએનએ લવિના ના માતા પિતાના ડીએનએ સાથે મેચ થતાં પોલીસે પરીવારને મૃતક લવિનાજ હોવાની જાણ કરી હતી. એલસીબી પીઆઈ અમીનસાહેબ અને સિધ્ધપુર પીઆઈ આચાર્ય સાહેબ તથા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતક લવિના હરવાણીના અંગો પરીવારને સુપ્રત કરવામાં અને મુકિતધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં માનવીય અભિગમ સાથે કામગીરી બજાવી હતી.
આખરે 12 દિવસથી ગૂમ થયેલ લવિના હરવાણીનો ગૂમ થવાનો કેસ તેના અંતિમ સંસ્કાર સાથે પુરો થયો. પાઈપ માંથી મળેલા મૃતદેહની ઓળખ તો થઈ ગઈ પરંતુ પોલીસ માટે હજુ પણ એ કોયડો ઉકેલવો ચેલેન્જરૂપ રહેશે કે જો આ આત્મહત્યા હતી તો કયા કારણોસર લવિનાએ પાણીની ટાંકીમાં પડીને જીવન ટૂંકાવ્યુ? એ દિકરી બજાર વચ્ચે આવેલ અને સતત લોકોની અવરજવર વાળા રહેણાંક વિસ્તારના જ્યાં વોટરવર્કસનો સ્ટાફ 24 કલાક હાજર હોય છે તે ઉંચા અને ગોળ સીડીઓ ધરાવતા ઓવરહેડ ટાંકા ઉપર પહોંચી કેવી રીતે? પેનલ ડોક્ટરોએ કરેલા પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યા થઈ હોવાની વાતને સ્પષ્ટ નકારવામાં આવી છે અને તમામ ઈજાઓ મરણબાદની હોવાનું જણાવેલ છે તો શું એ આત્મહત્યા હતી કે પછી કોઈ અકસ્માત? પોલીસની આગળની તપાસમાં આ બધી વિગતો બહાર આવવાની શક્યતાઓ છે.
આ અરેરાટી ઉપજાવતી અકલ્પનીય ઘટના બાદ પાણીની લાઈનો સાફ કરી લોકોમાં શુધ્ધ પાણીની ખાત્રી આપવાનું કામ નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, ઉપપ્રમુખ નારીભાઈ, કારોબારી સમિતી ચેરમેન અને આ ઘટનામાં શરૂઆતથી ખડેપગે હાજર રહેનાર વોર્ડનં પ ના મ્યુ. સદસ્ય ધર્મેન્દ્ર ઠાકર, વોટરવર્કસ કમિટી ચેરમેન કૈયુમખાન પોલાદી, સ્થાનિક મ્યુ. સદસ્યો, મુખ્ય અધિકારી સંજય પટેલ, સેનેટરી, ડ્રેનેજ અને વોટરવર્કસના કર્મચારીઓ વિગેરેના અથાગ પ્રયત્નોના કારણે પાણીની ટાંકી અને પાઈપોના નેટવર્કને કલોરીન અને અન્ય કેમીકલોથી કલીન કરીને લોકોને શુધ્ધ પાણી મળે તે માટે તૈયાર કરવામાં આવેલ છે.
નગરપાલિકા તંત્ર આ ઘટનાથી બોધપાઠ લઈને 60 વર્ષ જુના પાણીની પાઈપોના નેટવર્કને તબકકાવાર બદલવાની દિશામાં અને નગરનો કોમ્પ્યુટરાઈઝડ બેઝ મેપ બનાવાની દિશામાં કામગીરી કરે તે સમયની માંગ છે. નગરની તમામ ટાંકીઓ અને સમ્પને સુરક્ષિત કરી સીસીટીવીથી કવર કરાય તે પણ કરવા જેવું છે.