ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણથી પ્રભાસ પાટણ સોમનાથની સીધી ટ્રેન સેવા શરૂ કરવાર્થે વખતોવખત ઉચ્ચ સ્તરીય રજુઆતો કરવામા આવી છે. શ્રાવણ માસ દરમિયાન પણ વિશેષ રજુઆતો થઈ હોવા છતા નબળી નેતાગીરીને કારણે ઉત્તર ગુજરાતના પ્રવાસીઓની માંગણી પર કોઈ ધ્યાન આપતું નથી.હાલમા ફેબ્રુઆરીમા જાહેર થનારા રેલ્વે બજેટની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વિસ્તારના સંસદ સભ્યોએ જાગૃત બની રેલ્વે મંત્રાલયમા અસરકારક રજુઆત કરવાની જરૂર છે.
મહેસાણા પાટણ ભિલડી રેલમાર્ગ પર વિશેષ પેસેન્જર ટ્રેનો શરૂ કરવાની જરૂર
અમદાવાદ રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવાની કામગીરીનું કારણ દર્શાવી લોકલ પેસેન્જર ટ્રેનોને અમદાવાદ આવતી અટકાવી સાબરમતી સુધી કરાતા રોજીંદી અવરજવર કરતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. અમદાવાદ સ્ટેશનના વિકલ્પ રૂપે સાબરમતી સ્ટેશનથી પાટણ તરફ જતી આવતી તમામ લોકલ ટ્રેનોને સાબરમતીથી માત્ર ૩૦ કિલોમીટર આગળ દહેગામ સુધી લંબાવવાની જરૂર છે જેનાથી અસારવા,સૈજપુર,સરદાર ગ્રામ,નરોડા તરફ જવા આવવામા પેસેન્જરોને ઘણી સરળતા થઈ શકે એમ છે.જ્યારે અમદાવાદ શહેરના પશ્ચિમિ વિસ્તારમા પ્રવાસીઓ આવન જાવન કરી શકે એ માટે પાટણ થી વાયા સાબરમતી-સરખેજ સુધીની પસેન્જર ટ્રેનો ચાલુ કરવાની વિશેષ આવશ્યકતા છે.
પાટણને જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનો
ગાંધીનગર -પાટણ મેમુ ટ્રેન (વાયા કલોલ-મહેસાણા). પાટણ -દહેગામ (વાયા સાબરમતી અસારવા,નરોડા), પાટણ-સરખેજ (વાયા સાબરમતી -ડી કેબીન, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર), મહેસાણા પાટણ ભિલડી સમદડી જંકશન (જેએસએમ 1,2)જે અગાઉના મીટરગેજ સેકશનમા મહેસાણાથી પાલનપુર ભિલડી રૂટ પર નિયમિત ચાલતી હતી.આ ટ્રેન પાટણ ભિલડી રૂટ પર શરૂ કરવાની વિશેષ જરૂર છે.
છતી સુવિધાએ મુંબઈ અને રાજસ્થાનની ટ્રેનોનું સ્ટોપેજ નહીં અપાતા રણુંજ જંકશન સાથે જોડાયેલા ચાર તાલુકાના ગ્રામ્ય પ્રવાસીઓને હાલાકી
મહેસાણા પાટણ રેલ માર્ગ પર આવેલું વેપારી મથક રણુંજનું સ્ટેશન મહેસાણા,પાટણ અને ચાણસ્મા બહુચરાજી એમ ત્રણેય બાજુની રેલ્વે લાઈન સાથે જોડાયેલું મહત્વનું જંકશન સ્ટેશન છે તેમ છતા આ સ્ટેશનેથી પસાર થતી તમામ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ નહિં અપાતા છતી સુવિધાએ રિઝર્વેશન ટિકિટ ધારક રણુંજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને મજબૂરી વશ ટ્રેન પકડવા મહેસાણા,પાટણ અને ઊંજા રેલ્વે સ્ટેશને જવું પડતું હોવાથી બિન જરૂરી હેરાનગતિ થઈ રહી છે. રાતદિવસ પેસેન્જર ટ્રેનોની અવરજવરથી ધમધમતા રહેતા વેપારી મથક રણુંજ જંકશનનું રેલ્વે સ્ટેશન પાટણ, ચાણસ્મા, ઊંઝા અને મહેસાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસીઓને ટ્રેનોમા મુસાફરી કરવા ઘણું ઉપયોગી તેેમજ સલામતીભર્યું બન્યું છે પરંતુ રણુંજ જંકશન રેલ્વે સ્ટેશને માત્ર લોકલ ટ્રેનોજ સ્ટોપ પકરતી હોવાથી મુંબઈ અને રાજસ્થાન તરફની એક્સપ્રેસ ટ્રેનોના પેસેન્જરો મુસાફરી સરળતાથી કરી શકતા નથી.
મહેસાણા પાટણ અને પાટણ ભિલડીનો ગેજપરિવર્તન પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સાબરમતી,વિરમગામ અને મહેસાણાથી પાટણ તેમજ ભિલડી સુધીની દિવસની કુલ ૧૦ જેટલી લોકલ ટ્રેનો અને લાંબા અંતરની મુંબઈ, યશવંતપુર, હરિદ્વાર, ભાવનગર અને રાજસ્થાન ના ભગતકી કોઠી, બાડમેર, બિકાનેર, જોધપુર અને જેસલમેરને જોડતી એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામા આવી છે. વેપારી મથક રણુંજ જંકશન રેલ્વે સ્ટેશનને મુંબઈ,ભાવનગર,હરિદ્વાર અને રાજસ્થાન તરફની તમામ એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ આપવામા આવેતો સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારોના પેસેન્જરોને લાભદાયી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે અને સાથે સાથે પ્રવાસીઓના ઘસારાથી રેલ્વેના આર્થિક ફાયદો પણ અવશ્ય થઈ શકે એમ છે.
વધુમા રાત્રીના સમયનીલાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમા આગળથી મુસાફરી કરીને આવતા પેસેન્જરોને રણુંજ જંકશન સ્ટેશને સ્ટોપેજનો લાભ નહીં મળતા પાટણ કે મહેસાણા સ્ટેશને ઉતરવાની ફરજ પડે છે જ્યાંથી મધ્યરાત્રીએ પોતાના ગામ સુધી પહોંચવા સાધન સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી સવાર સુધી જે -તે સ્ટેશને રોકાવાની ફરજ પડતા યાત્રિકોને હેરાનગતિ થાય છે.
મહેસાણા પાટણ ભિલડી રેલ્વે લાઈનની સેવાઓ પ્રજાલક્ષી અભિગમ યુક્ત કરવાના ઉદ્દેશને સફળ તેમજ પરિણામલક્ષી બનાવવા વેપારી મથક રણુંજ જંકશન સ્ટેશનને આવતીજતી તમામ લોકલ અને મેઈલ એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવાની સાથે સાથે આ માર્ગ પરના બંધ કરાયેલા મણુંદ અને પાંચોટ રેલ્વે સ્ટેશનને સુવિધાયુકત બનાવી પુરતા સ્ટાફ સાથે પૂન:શરૂ કરવાની સવિશેષ આવશ્યકતા છે. પાટણ પંથકની જરૂરિયાત મુજબની ટ્રેન સેવાઓ ઉપલબ્ધ કરાવવા પાટણ અને મહેસાણાના લોકસભા ને રાજ્ય સભાના સાંસદોએ પ્રજાહિતમા રેલ્વે મંત્રાલય, રેલ્વે બોર્ડ,પશ્ચિમ રેલ્વે હેડ કવાર્ટર મુંબઈ,ડીવીઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ અને ભાવનગરને બજેટસત્ર પહેલા વિના વિલંબે ઉચ્ચ સ્તરીય રજુઆત કરવાની જરૂર છે.