૧૫મા તિલકાયત તરીકે તિલક કરવામાં આવ્યું
શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગની તૃતીય પીઠના પંદરમા પીઠાધીશ્વરના પદ પર જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું શ્રીદ્વારકાધીશ મંદિર કાંકરોલીમાં ખૂબ જ આનંદપૂર્વક ગાદીતિલક થયું હતું.
નિત્યલીલાસ્થ તૃતીય પીઠાધીશ ગોસ્વામી શ્રીવ્રજેશકુમારજી મહારાજશ્રીના ૨૭, ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ નિત્ય લીલાગમન બાદ તૃતીય પીઠાધીશ્ર્વરની ગાદી રિક્ત થઇ હતી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો તથા તૃતીયગૃહના ભક્તો દ્વારા ગાદીને પરંપરાનુસાર વહેલી તકે ભરવા માટે વિનંતીઓ કરવામાં આવી રહી હતી.
તૃતીયગૃહ નિધિસ્વરૂપ શ્રીદ્વારકાધીશ પ્રભુના મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે રાજભોગ આરતીના દર્શન પછી તૃતીય ગૃહ પ્રથમ તિલકાયત શ્રીબાલકૃષ્ણલાલજી મહારાજની મુખ્ય ગાદી પર પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ ડો. શ્રીવાગીશકુમારજી મહારાજશ્રી તૃતીય પીઠાધીશ્વર પદે બિરાજમાન થવાથી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિમા આનંદની લહેર વ્યાપી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિ. સં. ૧૭૫૨માં તત્કાલીન મેવાડ નરેશ કુંવર અમરસિંહજીએ તૃતીય પીઠાધીશ ગોસ્વામી શ્રીવ્રજભૂષણજી પ્રથમને કાંકરોલી (પરગણા રાજનગર) ભેટ કરીને, તૃતીય ગૃહ તિલકાયતને કાંકરોલી નરેશના રાજ્યાધિકાર આપ્યા હતા. નવમા તિલકાયત શ્રીગિરિધરલાલજી મહારાજના સમયગાળા દરમિયાન કાંકરોલીનું સ્વાયત્ત શાસન તૃતીય પીઠાધીશના હાથોમાં આવ્યું હતું. ત્યારબાદ તૃતીયગૃહના તમામ તિલકાયતોએ કુશળતાથી રાજ્યવ્યવસ્થા સંભાળી હતી. આજે પણ ઉદયપુરના મહારાણાનો રાજ્યાભિષેક તૃતીય ગૃહાધીશ તિલકાયતના હસ્તે જ કરવામાં આવે છે. એ પરંપરા હજુ આજે પણ અખંડ ચાલું રહી છે.
પૂ.પાદ ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રીને પૃષ્ટિમાર્ગીય તૃતિયપીઠના ૧૫મા તીલકાયત પદે શ્રી દ્વારકાધિશ મંદિર કાંકરોલીના મુખ્યાજીના દ્વારા ગાંદી તિલક કરવામાં આવ્યું હતું.