વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અને સ્વદેશી રીતે તહેવારો ઉજવવા જાગૃત કરવામાં આવી
આજ તા. 17-8-2024 ને શનિવારના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સામવેદ અને ઋગ્વેદ હાઉસના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહેમાન તરીકે સંસ્થાના CDO પ્રો. જય ધ્રુવ હાજર રહયા હતા. આચાર્યશ્રી ડૉ. ચિરાગ પટેલ, એન. કે. સર,ચંદ્રશેન સર શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ શુભ તહેવારની ઉજવણી કરી.જેમાં સૌ પ્રથમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના રજૂ કરવામાં આવી. ત્યારબાદ ઋગ્વેદ હાઉસના વિદ્યાર્થીઓએ શિશુપાલ વધના પ્રસંગને નાટક દ્વારા રજૂ કરી રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું. આમ, સમગ્ર શાળાનું વાતાવરણ આનંદ વિભોર બની ગુંજી ઉઠ્યું સાથે સાથે ડાન્સ પ્રસ્તુતિ દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી. ત્યારબાદ સામવેદ હાઉસના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ વાજતે-ગાજતે ભગવાન શ્રીકૃષ્ણને બાઈક ઉપર બેસાડી શોભાયાત્રા કરી પધરામણી કરવામાં આવી. સામવેદ હાઉસના વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર રાધા-શ્રીકૃષ્ણ ડાન્સ રજૂ કરવામાં આવ્યો. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના સખામિત્રો બનેલા વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. ત્યારબાદ સમગ્ર શાળામાં ઘરે બનાવેલ મીઠાઈઓ તથા પરંપરાગત હાથથી બનાવેલ રાખડીઓ દ્વારા સમૂહ રક્ષાબંધનના તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
બંને હાઉસના સર્વ શિક્ષકો,સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, શાળામાં અભ્યાસ કરતા સર્વ વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા પરિવારનો ઉત્સાહપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. તથા આવનાર તહેવારોની ઉજવણીની શુભેચ્છા પાઠવવામાં આવી.