જનતા હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. શ્વેતા મોદી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવનું વ્યવસ્થાપન અને માનસિક આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જનતા હોસ્પિટલના જાણીતા મનોચિકિત્સક ડૉ. શ્વેતા મોદીએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. સેમિનારના મુખ્ય વિષય તરીકે ડૉ. મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને કેવી રીતે કાબૂમાં લેવું અને યોગ્ય માનસિક આરોગ્ય જાળવી રાખવું તે અંગે માર્ગદર્શન આપ્યું. સમગ્ર રાજ્યની માધ્યમિક શાળાઓમાં અત્યારે પ્રથમ પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે બાળકો પરીક્ષા પૂર્વે માનસિક તણાવમાં ન રહે તેવા આશયથી આ સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો.
ડૉ. શ્વેતા મોદીએ વિદ્યાર્થીઓને તણાવના લક્ષણો, તેની અસર અને તેનાથી કેવી રીતે બચવું તે અંગે વિસ્તૃત સમજ આપી. તણાવનો સામનો કરવા માટે શ્વાસની કસરતો, સમય વ્યવસ્થાપન અને યોગ્ય આરામના મહત્વ પર ભાર મૂક્યો. સેમિનારમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અંતે પ્રશ્નોત્તરી સત્ર પણ યોજવામાં આવ્યું.
ડૉ. શ્વેતા મોદીએ કહ્યું કે અભ્યાસ સંબંધિત તણાવનાં મુખ્ય કારણોમાં ઊંચી અપેક્ષાઓ, માતાપિતા તરફથી ઊંચા પરિણામ લાવવાની લાલસા, નિષ્ફળતાનો ભય, ગેરવ્યવસ્થા અને સાથીઓ સાથેની તુલના. આ તણાવ ચિંતાના સ્તરને વધારી શકે છે અને એકાગ્રતામાં ખલેલ પહોંચાડી શકે છે.
વિદ્યાર્થીઓના તણાવનું નિયંત્રણ અને તેમને સાથ આપવા માટે ડૉ. શ્વેતા મોદીએ નીચે મુજબની અમલમાં મુકવા જેવી વ્યાવહારિક ટિપ્સ રજૂ કરી:
1. સમય વ્યવસ્થાપન: “તમારા અભ્યાસ માટે યોગ્ય રીતે સમયનું આયોજન બનાવવાથી તમે વધુ અસરકારક રીતે અભ્યાસ કરી શકો છો અને તણાવ ઘટાડો છો.”
2. સ્વસ્થ જીવનશૈલી: “સંતુલિત ખોરાક, નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ તમારી શરીર અને મનની તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ છે.”
3. વિશ્રામની પદ્ધતિઓ: “ઊંડા શ્વાસ, ધ્યાન અને વિજ્ઞાન આધારિત આરામની પદ્ધતિઓ દ્વારા તમે તમારા મનને શાંતિ આપી શકો છો.”
4. લક્ષ્યો નિર્ધારણ: “નાના લક્ષ્યો મૂકી અને તેમને પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયક ઇનામો આપવાથી અભ્યાસ માટે ઉમદા ઉત્સાહ વધે છે.”
5. મદદ માગવી: “જ્યારે તણાવ અનુભવાય ત્યારે શિક્ષકો, કાઉન્સેલર અથવા પરિવારજનો સાથે પોતાની સમસ્યાઓ શેર કરવી યોગ્ય રહેશે.”
આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહી ભાગીદારી જોવા મળી, જેણે આ સેમિનારને અત્યંત સફળ બનાવ્યો. ડૉ. શ્વેતા મોદીના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અને માનસિક આરોગ્યને સારી રીતે સંભાળવાની પ્રેરણા મળી, જે તેમના અભ્યાસ જીવનમાં ઉપયોગી સાબિત થશે.
અંતે શાળાના ઉત્સાહી આચાર્યશ્રી ધનરાજ ભાઈ ઠક્કરે માર્ગદર્શક સત્ર માટે ડૉ. શ્વેતા મોદીને આભાર વ્યક્ત કર્યો.