પાટણના શિક્ષણ જગતને મોટી ખોટ : વિદ્યાર્થીઓ માટે મહતમ અભ્યાસક્રમો શરૂ કરાવી આગવી લોક ચાહના મેળવી હતી
પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે સેવાઓ આપનાર ડૉ. જે.એચ. પંચોલીનું શનિવારે રાત્રે તેમના નિવાસ સ્થાને ટુંકી માંદગી બાદ નિધન થતાં પરિવારજનો સહિત શિક્ષણ જગતમાં ઘેરા દુ:ખની લાગણી છવાઈ જવા પામી છે.
ડૉ. જે. એચ પંચોલીની અંતિમ વિધીમાં પાટણ ની શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, શિક્ષણવિદો, નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટીના સભ્યો સહિત પ્રબુધ્ધ નગરજનોએ જોડાઈ સિદ્ધપુર મુક્તિધામ સ્મશાનગૃહ અંતિમવિધિમાં ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યાં હતાં. સ્વ.જીતેન્દ્રકુમાર હરિશંકર (જે. એચ.) પંચોલી મધ્યમ પરિવારમાં ઉછરી પેટ્રોલ પંપ ઉપર કામ કરતાં કરતાં અભ્યાસ ચાલુ રાખી શાળામાં ક્લાર્ક બન્યા હતા બાદ શિક્ષક અને ઉચ્ચ અભ્યાસ કરી કૉલેજમાં પ્રોફેસર બન્યા હતા. પાટણ ખાતે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.એડ. કૉલેજમાં પ્રિન્સીપાલ તરીકે વર્ષ 2006 થી 2012 સુધી તેઓએ ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં ઉપકુલપતિ તરીકે કાર્યભાર સાથે ઇન્ચાર્જ કુલપતિ તરીકે પણ ફરજ બજાવી હતી.
પાટણ તાલુકાના માતપુર ગામના વતની ડૉ. પંચોલી સાહેબે એમ.એ., એમ.એડ્., એલએલ.બી., પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો.
ડૉ. પંચોલી સાહેબ વર્ષ 2006 થી 2012 સુધી પાટણની હેમ.ઉ.ગુ. યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના વડા હતા. બાદ ઉપકુલપતિ અને કાર્યકારી કુલપતિ બન્યા હતા. તેમના માર્ગદર્શન નીચે 54 જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. થયા હતા. બાદ તેઓ પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એકજ્યુક્યુટીવ ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. 34 એકરમાં ફેલાયેલા આ કૉલેજ કેમ્પસમાં 9 કૉલેજો, 2 પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક ગુજરાતી શાળાઓ, 1 અંગ્રેજી માધ્યમની શાળા અને 4 જેટલી હોસ્ટેલો આવેલ છે. તે કેમ્પસના ડાયરેક્ટર તરીકે જીવન અંત સુધી તેઓએ કામ કર્યું હતું.
ડૉ. પંચોલી સાહેબે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઇન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં એજ્યુકેશન વિભાગના ક્ધવીનર, માર્ગદર્શક તરીકે સેવાઓ આપી હતી. પાટણવાડા ઔ.બ્રા.સેવા સમાજમાં પણ તેઓ ટ્રસ્ટી રહી ચુકેલ હતા. ડૉ. પંચોલી સાહેબના અવસાનથી પાટણના શિક્ષણ જગતને ન પુરાય તેવી મોટી ખોટી પડી છે.