નગરદેવીના મંદિરે કલેકટર અને એસ.પી. એ માતાજીની આરતી ઉતારી શોભયાત્રા વાજતે ગાજતે બગવાડા દરવાજે પહોંચી સભામાં ફેરવાઇ…
પાટણ નગરના ૧૨૮૦માં સ્થાપના દિવસની આજે તા. ૨૦-૨-૨૦૨૫ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પર્વ નિમિત્તે પાટણ શહેરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોની ભરમાર યોજાઈ હતી. આજે સવારે પાટણ ખાતે ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ નગરપાલિકા, યુવા અને સાંસ્કૃતિક વિભાગ પાટણ, તથા વેપારી મહામંડળ અને પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના સહયોગથી ભવ્ય શોભાયાત્રા, વિરાંજલી કાર્યક્રમ તથા રાત્રે રાણીની વાવ મહોત્સવ ના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા.
બપોરે બપોરે ૩. ૦૦ વાગ્યે પાટણ શહેરના પ્રાચીન નગરદેવી મહાકાળી માતાના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી. જે શોભાયાત્રા શહેરના કનસાડા દરવાજા, રતનપોળ, ત્રણ દરવાજા, દોશીવટ બજાર, થઈ બગવાડા ખાતે સભાના સ્વરૂપમાં ફેરવાઈ હતી. જ્યાં ઉપસ્થિતો તથા આમંત્રિત રાજવી પરિવારોના રાજવીઓ સહિત સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. તથા અહીં રાજપુત ક્ધયાઓ દ્વારા તલવાર રાસની રમઝટ મચાવવામાં આવી હતી. આ પહેલા બપોરે ત્રણ વાગ્યે મહાકાળી મંદિર ખાતે વિદ્વાન અશોકભાઈ વ્યાસના મુખેથી બોલાયેલા શાસ્ત્રોક્ત શ્લોક વચ્ચે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. બાદમાં મુખ્ય રથ પાસે મહાનુભાવોએ લીલી ઝડી દર્શાવીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રા વાજતે ગાજતે જયકારા સાથે પ્રસ્થાન પામી હતી.
શોભાયાત્રામાં રાજપૂત સમાજના ૧૦ ઘોડેસ્વાર યુવાનો બે બગીઓ વિવિધ સંસ્થાઓની ઝાંખીઓ સામેલ હતી. જેમાં વિવિધ સનાતન સંસ્કૃતિની ઝાંખી કરાવતી વેશભૂષામાં બિરાજમાન બાળકોએ શોભાયાત્રાની શોભા વધારી હતી. આ શોભાયાત્રામાં એક બગીમાં રાજવીઓ તથા બીજી બગીમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન તથા તેમના પતિ અજયભાઈ પરમાર સાફા બાંધીને બિરાજમાન થયા હતા. શોભાયાત્રામાં પાંજરાપોળનું બળદગાડું તથા બેન્ડ જોડાયા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાઈ, ડીવાયએસપી કે.કે. પંડ્યા સહિત અને અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાના સંકલનકર્તા યતીનભાઈ ગાંધી, મદારસિંહ ગોહિલ, મુકેશ દેસાઈ તથા રાજપૂત સમાજના કે. એન. સોલંકી સહિત વિવિધ રાજવીઓ અને અને રાજપૂત સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.