૧૦૦ વર્ષ પૂણૅ કરતી પાટણની ઐતિહાસિક ડૉ. પંડયા અભ્યાસગૃહ પ્રાથમિક શાળા
પાટણમાં વર્ષ ૧૯૨૪માં ડૉ.પંડયા અને શિક્ષણ શાસ્ત્રી મણીલાલ માધવલાલ દવે દ્વારા ડૉ. પંડ્યા અભ્યાસગૃહ પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવેલ હતી. ઉત્તર ગુજરાત યુવક મંડળ, પાટણ સંચાલિત આ ઐતિહાસિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેનો શતાબ્દી મહોત્સવ ગત રવિવારે યોજવામાં આવ્યો હતો.
આ શાળામાં પાટણ શહેરના અનેક બાળકોએ અભ્યાસ કરી દેશ-વિદેશમાં આજે સારી ઉચ્ચ કારકીર્દી પ્રાપ્ત કરી છે. ધો.૧ થી ૫ ની આ શાળાના શતાબ્દી મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ શાળાનું ઋણ ચૂકવવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી, અને તેના ભાવિ વિકાસ માટે યોગદાન આપવા સંકલ્પ વ્યક્ત કરી ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. અતુલ અગ્રવાલના અથાગ પ્રયત્નો બાદ અશોકભાઈ વ્યાસના નેતૃત્વમાં એક મેનેજિંગ કમિટીની રચના કરવામાં આવી હતી.
ગત રવિવારે આ મેનેજિંગ કમિટીની મિટીંગ ઇન્ચાર્જ પ્રમુખ હર્ષદભાઈ ખમારના પ્રમુખસ્થાને મળેલ, જેમાં શાળાના ભાવી વિકાસ માટે ઉત્તર ગુજરાત યુવક મંડળ, પાટણને સહીયોગ આપવા “ડૉ.પંડયા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશન, પાટણ” નામની સંસ્થા બનાવવાનું નક્કી કરી તેને પાટણના ચેરીટી કમિશ્નર કચેરીમાં ટ્રસ્ટ એક્ટ નીચે રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવાનું નક્કી કરાયેલ. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મેનેજિંગ કમિટી ના સદસ્ય શૈલેષ બ્રહ્મક્ષત્રિય દ્વારા તૈયાર કરાયેલ બંધારણનું મંત્રી ડૉ. અતુલ અગ્રવાલ દ્વારા વાંચન કરાયેલ અને તેને સર્વાનુમતે મંજૂર કરાયેલ. આ ટ્રસ્ટ અને બંધારણની નોંધણી ચેરીટી કમિશ્નરની ઓફિસમાં ઝડપથી કરાવવાનું પણ નક્કી કરાયેલ.
આ મિટીંગમાં મેનેજિંગ કમિટીના સભ્ય હર્ષદભાઇ ખમાર, ડૉ. અતુલભાઈ અગ્રવાલ, શૈલેષભાઇ બ્રહ્મક્ષત્રિય, દિલીપભાઈ સુખડીયા, અજયભાઈ ખમાર, હર્ષદભાઈ ઠક્કર,સુનિલભાઈ સોની એ હાજર રહી જરૂરી સુચનો કર્યા હતાં.