મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા
પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો
પાટણમાં આજરોજ અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. કે. કે. ગર્લ્સ હાઇસ્કુલમાં આયોજીત કાર્યક્રમમાં કળશને એકત્ર કરીને તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન જયરામભાઈ રબારીના હસ્તે અમૃત કળશના વધામણા કરવામાં આવ્યા હતા.
દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી હતી. જેને પગલે ગુજરાતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે કળશ લઈ જઈ માટી એકત્ર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાટણ શહેરમાં આવેલ કે. કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિવિધ ગામની માટી એકઠી કરીને અમૃત કળશ આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે તાલુકામાંથી આવેલ થોડી થોડી માટી લઈ તાલુકાના અમૃત કળશમાં નાખી વધામણા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન જયરામભાઈ રબારી, ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર, આગેવાનો રણછોડભાઈ દેસાઈ,કે.સી. પટેલ, દશરથજી ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પાટણ કેતનભાઈ પ્રજાપતિ, સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રી નરેશભાઈ પરમાર, તેમજ વિવિધ અધિકારી અને કર્મચારીઓ અને નાગરીકો ઉપસ્થિત હતાં.