પાટણ શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્નક્ષેત્રના નેજા હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પુરક શિક્ષણના વર્ગો ચાલી રહ્યા છે. આ વર્ષે આ પુરક શિક્ષણના વર્ગોમાં ટ્યુશન લેતા ૬૦ જેટલા વિદ્યાર્થીઓને વિદાય-શુભેચ્છા આપવાનો કાર્યક્રમ પાટણ વિભાગ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રીઝીયનલ ડાયરેક્ટર એન્ડ એસો. પ્રો. ડૉ. લીલાબેન સ્વાીમની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સંસ્થા દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવાનો પ્રયાસ પ્રસંશનીય છે : ડૉ. લીલાબેન સ્વામી
આ સમારંભમાં વિદાય લેતા વિદ્યાર્થીઓને સંબોધન કરતા પ્રો. ડૉ. લીલાબેન સ્વામીએ આગામી ધો. ૧૦-૧૨ની પરીક્ષા ભયમુક્ત બની પરીક્ષા આપવા અને પરીક્ષા પહેલા અને દરમિયાન શું કરવું જરૂરી છે તેનું વિસ્તૃત માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું હતું. તેમના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું કે રામ રહીમ સંસ્થાની શહેરમાં ભૂખ્યાઓને ભોજન પૂરું પાડવાની સેવાઓ ખૂબ જ ઉમદા છે, સાથે આ સંસ્થા દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ગરીબ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે પુરકશિક્ષણના વર્ગો વિનામૂલ્યે ચલાવાય છે, જે ખૂબ પ્રસંસનીય કાર્ય છે. આજે જ્યારે શિક્ષણનું વેપારીકરણ થયું છે. શિક્ષક અને સંચાલકો ધનવૈભવ પાછળ પડી શિક્ષણ વેચી રહ્યા છે. પૈસા વિના શિક્ષણ મળતું નથી ત્યારે આ સંસ્થા પુરક શિક્ષણના વર્ગો ચલાવી ઉમદા કાર્ય કરી રહ્યા છે.
આ પ્રસંગે આ વર્ગોમાં તાલીમ આપતા શિક્ષકો સતીષભાઇ દુબે, પૂજા મકવાણા, લીસ્મા સોલંકીનું સન્માન કરાયેલ. આ વર્ગોના ચેરમેન હર્ષદભાઇ ખમારે કાર્યક્રમનું સંચાલન સાથે રામ રહીમ અન્નક્ષેત્ર અને વર્ગોની પ્રવૃત્તિઓનો અહેવાલ-ચિતાર રજૂ કરેલ. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી યતિનભાઇ ગાંધીએ પણ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળના દિલીપભાઇ સુખડીયા, ફારુક મનસુરી, હસમુખ પટેલ, અમિત ખમાર, શંકરલાલ પટેલ સહિત કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષક કમલેશભાઇ સ્વામી, એક્ટીવ ગ્રૃપના પ્રમુખ નિલેશ પટેલ, મંત્રી અલ્પેશ પટેલ ઉપસ્થિત રહેલ. એક્ટીવ ગ્રૃપ દ્વારા દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થિઓને શુભેચ્છારૂપ પ્રોત્સાહક ઇનામ અને હળવો નાસ્તો આપવામાં આવેલ.