“ન જાણ્યું જાનકીનાથ કાલે સવારે શું થવાનું છે, તેથી કોઈને ખબર નથી.
“જીવનનો કોઈ ભરોસો નથી – એ ઉક્તિને સાર્થક કરતી કરુણ દુ:ખદ ઘટના પાટણ શહેરમાં બનવા પામી છે.
(હર્ષદ ખમાર દ્વારા)
જેમાં પાટણ શહેરના લેઉઆ પાટીદાર સમાજના બે સગા યુવાન ભાઈઓના અકાળે હૃદયરોગનો હુમલો આવતા થોડા કલાકના અંતરમાં કરુણ મોત થતાં, પાટણ શહેરમાં શોકની કાલીમા પ્રસરી જવા પામી હતી.
કુદરતની લીલાઓ અકળ છે, તે વાતને સાર્થક કરતી, પાટણના રાણકીવાવ રોડ ઉપર આવેલ દ્વારીકા હોમ્સ ખાતે રહેતા અને પાટણના નવા ગંજ બજારમાં ફર્ટિલાઈઝરની પેઢી ધરાવતા બે સગા ભાઈઓ અરવિંદભાઈ રામાભાઈ પટેલ અને દિનેશભાઈ રામાભાઇ પટેલને થોડા સમયના અંતરે હૃદય રોગનો ભારે હુમલો આવતા તેમના કરુણ મોત થયાં હતા.
અરવિંદભાઇ પત્ની સાથે.
‘રામ લક્ષ્મણ’ની જોડી એવા આ બે સગા ભાઈઓ, પાટણના ગંજ બજારમાં શ્રીરામ ફર્ટિલાઇઝર નામની દુકાન ધરાવતા હતા. અરવિંદભાઈ પાટણના નવગંંજમાં આવેલ નાગરિક બેંકમાં સવારે ચેક ભરવા ગયા હતા, જ્યાં બેંકમાં થોડા અસ્વસ્થ થયા હતા, બેંકમાંથી બહાર નીકળ્યા પછી તુરંત તેઓ રસ્તામાં ઢળી પડ્યા હતા. બેંકનો સ્ટાફ અને લોકોએ તુરંત તેમને પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે ત્યાં તેમને સારવાર મળે તે પહેલા તેમના પ્રાણ નિકળી ગયા હતા. તેમને હૃદય રોગનો ભારે હુમલો આવ્યો હતો.
તેમનું મૃત્યુ થયાની જાણ તેમના નાનાભાઈ દિનેશભાઇ પટેલને થતા તેઓ તુરંત તેમના ઘરે દોડી આવી, ઘરના સૌને સાંત્વના આપી હિંમત આપતા હતા. પરંતુ આ વ્રજાઘાત તેઓ સહન ન કરી શકતા, તેમને પણ હૃદય રોગના ભારે હુમલો આવતા ઢળી પડ્યા હતા. તેમનું પણ મોત થયું હતું. માત્ર થોડા કલાકના અંતરમાં બે સગા ભાઈઓના અચાનક અવસાનથી પરિવારજનો, સહિત સમગ્ર લેઉઆ પાટીદાર સમાજ અને પાટણ શહેરે ભારે આઘાત સાથે દુ:ખની લાગણી અનુભવી હતી.
અરવિંદ પટેલની ઉંમર ૪૮ વર્ષની હતી તેમને પત્ની, એક પુત્ર અને પુત્રી છે જ્યારે દિનેશભાઈ પટેલ ૪૫ વર્ષના હતા, તેમને પત્ની અને એક પુત્ર છે. બંને ભાઇઓ તેમને વિલાપ કરતા છોડી ગયા છે.
દિનેશભાઇ પત્ની સાથે.
પાટણના લોટેશ્ર્વર મહાદેવ પાસે રહેતા રામાભાઇ કાંતિભાઇ પટેલને ચાર દીકરાઓ છે, જેમાં અરવિંદભાઈ, પ્રકાશભાઈ, દિનેશભાઈ અને હિતેશભાઈ છે. જેમાં બે દીકરાઓ તેમને ગુમાવ્યા છે. બંને ભાઈઓની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન દ્વારિકા હોમ્સ ખાતેથી નીકળેલ. જેમાં પાટીદાર સમાજ હીબકે ચડ્યો હતો. હજારો લોકો આ અંતિમયાત્રામાં જોડાયા હતા.
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં કુદરતની આ અકળ ક્રુરલીલાઓની લોકો ભારે ચર્ચાઓ કરી રહ્યા છે.
મોટાભાઈનું અચાનક હૃદય રોગના હુમલાથી મોત થતા આઘાતમાં નાના ભાઈનું પણ કરુણ મૃત્યુ થયુ.