પ્રયોગશીલ પત્રકાર અને આજના દહાડે પાટણથી પ્રસિધ્ધ થતા હમલોગ દૈનિકના તંત્રીશ્રી મહેન્દ્રભાઇ પી. ખમાર સાથે મારો પહેલો પરિચય ‘મહાગુજરાત’ સાપ્તાહિક ના મેનેજીંગ તંત્રી તરીકે થયો હતો. તેમની સાથેનું પ્રારંભીક સહચર્ય અને ત્યારબાદ ઉભો થયેલો સંબંધસેતુ આજે 25 વર્ષની મજલ બાદ પણ સબળ અને સુંદરછે. તેમની પહેલી મુલાકાત વખતે જ મને થયું હતું…મહેન્દ્રભાઇ મળવા જેવા અને માણવા જેવા માણસ છે. ‘નવનિતા’મહેન્દ્રભાઇનો જીવનમંત્ર ત્યારે પણ હતો, અને આજે પણ. પત્રકારત્વમાં પ્રયોગશીલ અને નાવિન્યપૂર્ણ બનવાનું તેમને ખુબ ગમે છે. મહાગુજરાત સાપ્તાહિકના મેનેજીંગ તંત્રીમાંથી પાટણ નગરના સૌ પ્રથમ દૈનિક ‘હમલોગ’ ના તંત્રી બનવામાં પણ તેમનો નવિનતા સાથેનો નાતો કારણભૂત બન્યો છે. સાહસ તેમને ખુબ ગમે છે…! (જે વસ્તુ તેમને ખુબ ગમે તે મેળવીને જ ઝંપે…)! સતત મહેનત કશ રહે મુસીબતોથી સહેજ પણ ના ગભરાય તેમને આગળ વધવું ખુબ ગમે મિત્રમંડળ ખુબબહોળું રાખે જનસંપર્ક માટેની તેમની તાકાત જબરજસ્ત અને તેથી જ ગમે તેવા અજાણ્યા માહોલમાં પણ તેઓ સેટ થઇ શકે…!
હમલોગ દૈનિકના સંસ્થાપક તંત્રી સ્વ. મહેન્દ્રભાઇ ખમારનો આજે 79મો જન્મદિન
ગુલાબી વ્યકિતત્વ-હસમુખો પ્રતિચાર-થોડા સમય માટે ગુસ્સો કરી ભુલી જવાની સુટેવ-કોઇના સારા અભિપ્રાયને સ્વિકારી લેવાની તૈયારી- આવી નોંધપાત્ર નેચરાલીટી સાથે જબરજસ્ત વ્યવસાયિક કુશળતા અને તંદુરસ્ત હરિફાઇ માટેની તૈયારી જેવા ખાસ ગુણોથી મહેન્દ્રભાઇ મોટા ગજાના પત્રકાર બન્યા છે… અને ઘણા બધા લોકોને ગમતા માણસ પણ બની શક્યા છે. પત્રકાર તરીકે પુરેપુરા સમર્પિત સંશોધક અને વિકાસદર્શી! તેમને વિકાસ વાતો પ્રસિધ્ધ કરવી ખુબ ગમે! કલા સાહિત્ય અને શિલ્પ-સ્થાપત્ય જેવા વિષયોને વારંવાર પેપરના પાનિયે હાઇલાઇટ કરવાનું પણ તેમને ખુબ ગમે…! પિતાશ્રી પ્રહલાદભાઇ ખમાર માટે ભારોભાર આદર-આસ્થા અને પ્રેમ ધરાવતા મહેન્દ્રભાઇ ‘પત્રકારત્વ’ માટે તેમને જ ધ્રુવતારક ગણે…! પીઢ પત્રકાર શ્રી પ્રહલાદભાઇ ખમાર મહેન્દ્રભાઇ માટે ‘પૂજ્ય બાપુજી’ની સાથે શ્રદ્ધેય ગુરુવર્ય પણ છે. મહાગુજરાતમાં પત્રકાર તરીકે ની દિક્ષા ગ્રહ્યા બાદ શ્રી મહેન્દ્રભાઇએ સને.1963-64 માં મુંબઇ ખાતે ભવન્સ કોલેજ માં પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જર્નાલિઝમનો કોર્ષ કરી પત્રકાર તરીકે ની વ્યવસાયિક સજજતા અને કાર્યકુશળતા હાંસલ કરી. અને પછી તો પત્રકારત્વ ના વિશાળ ક્ષેત્રમાં પ્રવેશેલા મહેન્દ્રભાઇ એ ફોટોગ્રાફી -વાચન લેખનની સાથે ક્રિકેટ-બ્રીજ બેડમિન્ટન જેવી રમતો અને પર્વતારોહાણ અને પર્યટનો જેવી વિશેષ બાબતોમાં પણ વિશેષ અભિરૂચી કેળવી.
પત્રકાર ને ચોકકસ કુંડાળા માં સીમિત રહેવું પાલવે નહી, અને મહેન્દ્રભાઇ કેળવાયેલા – કસાયેલા પત્રકાર હતા. એકી સાથે અનેક ક્ષેત્રોમાં સતત કાર્યરત રહેતા મહેન્દ્રભાઇએ સંદેશ-જનસત્તા-ગુજરાત સમાચાર -ટાઇમ્સ ઓફ ઇન્ડિયા-રખેવાળ -ગાંધીનગર સમાચાર, જયહિન્દ અને સમભાવ જેવા દૈનિકોના પ્રતિનિધિતરીકે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી તેમનું નામ વિશાળ ફલક પર ગુંજતું કર્યું હતું. ગુજરાત તંત્રી સંધ ઓલ ઇન્ડિયા ન્યુઝપેપર એડીટર્સ કોન્ફરન્સના સભ્ય રહી ચુકેલા મહેન્દ્રભાઇ એ મોટી નામના હાંસલ કરી છે. તેમનું જાહેર જીવનનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે. પાટણ ચેમ્બર્સ ઓફ કોમર્સ ના સેક્રેટરી, પાટણ લધુ ઉદ્યોગ મહામંડળના પૂર્વ સેક્રેટરી- ઉતરગુજરાત યુનિ. દશાબ્દિ મહોત્સવ ના કારોબારી સભ્ય-પાટણના કાયમી સમાધાન પંચના સભ્ય-લોક અદાલતોના પંચ-શ્રી ગજાનન સહકારી પેઢીના ડાયરેક્ટર અને મહેસાણા જિલ્લા ટેલીફોન ઓપન સેશનના નિયંત્રિત સભ્ય તરીકે પણ તેમનું મૂલ્યવાન પ્રદાન પાટણ નગરને વર્ષો સુધી સાંપડયું છે.
પાટણ શહેરના સાંસ્કૃતિ ઉત્થાનમાં પણ તેમનો ફાળો નોંધપાત્ર છે. પાટણ જીમખાના સેક્રેટરી, શ્રી ફતેસિહરાવ સાર્વજનિક પુસ્તકાલયના કારોબારી સભ્ય-ભારતીય સંગીત વિદ્યાલયના કારોબારી સભ્ય અને પ્રમુખ તરીકે પણ તેમણે સુંદર સેવા આપી છે.
રોટરી જેવી સ્વૈચ્છીક સંસ્થાના સેવા કાર્યોને વિશાળ ફલક પર લઇ જવામાં તેમણે અગ્રેસરતા દાખવી છે. સને.1985-86 માં પાટણથી રોટરી કલબના પ્રમુખ તરીકે તેમના સદાકાળ નોંધપાત્ર સેવાકિય પ્રોજક્ટો થી ધમધમતો રહયો હતો.તો રોટરી ડિસ્ટ્રીકટ-3050ના જનસંર્પક ચેરમેન આર.વી.સીના ચેરમેન અને જી.જી.આર ગર્વનર ના સલાહકાર તેમણે રોટરી ડીસ્ટ્રીકટના ગવર્નર તરીકે અને 1988-89 માં ઉમેદવારી નોધાવી તેમની કાર્યશકિતની પ્રતીતિ આપી હતી. પાટણ-રોટરીક્લબ સંચાલિત એસ.કે.બ્લડ બેંકના કારોબારી સભ્ય, સલાહકાર-કો.ચેરમેન અને ચેરમેન તરીકે મહેન્દ્રભાઇની સેવાઓ યશસ્વી રહી હતી. રોટરી કલબની પલ્સ પોલિયો ઝુંબેશના ચેરમેન અને અને રોટરી ઇન્ટરસીટી મીટના ચેરમેન રોટરીના મુખપત્ર ‘આરસી’ ના એડીટર તરીકે ઉમદા કામગીરી દ્વારા ‘એમીનન્ટ રોટરીયન તરીકે ખ્યાતિ હાંસલ કરી છે.
પાટણ શહેરના સામાજિક-સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસમાં સહયોગી બનેલા મહેન્દ્રભાઇ તેમની ખમાર જ્ઞાતિના ઉત્કર્ષમાં પણ અવિરત – સંકળાયેલા રહ્યા છે. અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના સભ્ય અને ખજાનચી તરીકે તેમની ભૂમિકા કામિયાબ રહી છે. આ બધી વિશેષતા ધરાવતા મહેન્દ્રભાઇ ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે. શ્રીજી બાવાના અટલ આસ્થાળુ મહેન્દ્રભાઇ-તેમના જીવનવિકાસમાં શ્રીજી બાવાની કૃપા હોવાની વાત ખુલ્લા મને સ્વિકારે છે. ‘મહાગુજરાત’ની ઉન્નતિ માટે વીસ વર્ષની યશસ્વી જહેમત બાદ આજના દિવસે હમલોગ દૈનિક અને ‘શચિ’ સામાયિક ના તંત્રી મહેન્દ્રભાઇને મહાગુજરાતના મહારથી ગણવાનું ગમે છે.
(મહાગુજરાત સુવર્ણ જયંતિ અંકમાંથી – વર્ષ 1999)
એક યાદગાર તસ્વીર
1999ના વર્ષમાં મહાગુજરાત સુવર્ણજયંતિ વર્ષનું ઉદ્ઘાટન કરતા રાજ્યના સિનિયર કેબીનેટ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ, હેમ.ઉ.ગુ. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.આર. દવે, શેઠશ્રી સુરેશભાઇ કીલાચંદ, શેઠશ્રી તનીલ કીલાચંદ, કલેક્ટરશ્રી હિમાંશુ શેઠ, નગરપાલિકાના પ્રમુખ દેવજીભાઇ પરમાર, અરવિંદભાઇ જીવાભાઇ શાહ, મહાગુજરાતના સંસ્થાપક તંત્રી સ્વ. પ્રહલાદભાઇ ખમાર, હમલોગના તંત્રી મહેન્દ્રભાઇ ખમાર…