Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ચીકી વૈકલ્પિક પ્રસાદ તરીકે પણ ના ચાલે…..

એનાથી મા ની અશાતના થાય ….

જય અંબે

ગુજરાતમાં આવેલાં શાક્ત સંપ્રદાયનાં ઐતિહાસિક દેવસ્થાનમાંનું એક અત્યંત પ્રાચીન શક્તિપીઠ એટલે ‘મા જગતજનની અંબાજી’. આ ઉપરાંત ખેડબ્રહ્મામાં ‘નાનાં અંબાજી’, પાવાગઢની ટોચે બિરાજતાં ‘મા મહાકાલી’, ચુંવાળમાં પ્રગટ થયેલ ‘મા બહુચર’, ચોટિલે જેનાં બેસણાં છે તે ‘મા ચામુંડા’, કચ્છમાં ‘માતાનો મઢ’, ભાવનગર પાસે ‘મા ખોડિયાર’, ઊંઝામાં ‘મા ઉમિયા’ તો ખોડલ ધામમાં ‘મા ખોડલ’ ઉપરાંત મા મોગલ, મા આશાપુરા, મા હિંગળાજ, મા ભુવનેશ્વરી જેવાં અનેક નામે મા શક્તિની ઉપાસના કરીએ છીએ.

એની આરાધના માટે ખાસ કરીને શારદીય નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. શક્તિની આરાધના કરનાર આપત્તિથી સુરક્ષિત બને છે. બંગાળમાં કાલીની ઉપાસનાનો સમય ‘પૂજા’ તરીકે ઓળખાય છે. હિંગળાજ શક્તિપીઠ બલુચિસ્તાનમાં આવેલું છે. કાંગડા સ્થિત મા જ્વાલાદેવી તેમજ મા વૈષ્ણોદેવી વગેરે રૂપે શક્તિ પૂજાય છે.

સરકારના નિર્ણયથી એ બદલવું અને તેમાં પણ મગફળીનો ભૂકો કરવાથી છૂટું પડેલ તેલ સાથેની લુગદી ચીકી બનાવવા માટે વાપરવી એ આ પરિસરમાં તેલને પ્રવેશ નથી એ લાખો ભક્તોની શ્રદ્ધાનો ભંગ કરે છે અને મહામાયા મા અંબા જગદંબેને અશાતના થાય એવી સ્થિતિનું નિર્માણ કરશે.

શક્તિ આરાધના કરનારના મનોરથો પૂરા થાય છે, તેમજ આપત્તિ સામે સુરક્ષિત રહે છે. અત્યારે આપણે જેને મોટા અંબાજી તરીકે જાણીએ છીએ તે શક્તિપીઠનો વહીવટ અગાઉ દાંતાના મહારાણાશ્રી કરતા હતા. તેમના સમયોપરાંત ચાલી આવતી પ્રણાલીઓ અતિ પ્રાચીન છે અને એ મર્યાદાઓ ન જળવાય તો દેવીની અશાતના થાય, તે અંગેની કેટલીક વાતો તાજેતરમાં ઊભા થયેલ માના પ્રસાદમાં પરંપરાગત રીતે ધરાવાતી મોહનથાળની પ્રસાદી બદલીને ચીકીની પ્રસાદી ધરાવવાનો જે નિર્ણય લેવાયો તેના કારણે થઈ. એના પાયામાં છેલ્લા લગભગ 1000 કરતાં વધુ વર્ષોથી ચાલતી પરંપરાઓમાંની એકને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાળુઓને લાગણીએ એક જ ઝાટકે તોડી મોહનથાળનો પ્રસાદ એ એક સાદી સીધી મીઠાઈનો ટુકડો છે એવી અલ્પમતિ સમજ મનમાં રાખી હાલની સરકારે શ્રદ્ધાળુઓની આસ્થા અને મોહનથાળનો પ્રસાદ ધરાવવાની પરંપરા બાબતે કોઈને પણ પૂછ્યા વગર પરંપરાગત માને ધરાવાતો આ મિષ્ટાન્ન માના થાળમાંથી દૂર કરી ચીકીનો પ્રસાદ ધરાવવાનો નિર્ણય લેવાયો તે કોઈ પણ પ્રકારની શાસ્ત્રોક્ત સમજ વગર લેવાયો હોય તેવું લાગે છે.

ઉપલબ્ધ વિગતો મુજબ દાંતાના મહારાણા જશરાજજીને મા જગદંબાએ સ્વપ્નમાં સંકેત આપ્યો કે, તેમણે માના દર્શન માટે ગબ્બર પર્વત પર આવવું. માના આ સંકેતને વશ મહારાણા જશરાજજી પોતાના રસાલા સાથે ગબ્બરના ગોખે બિરાજતાં મા અંબાના દર્શન અર્થે પધાર્યા. ત્યારે પોતાની સાથે પ્રસાદ માટે ખાંડેલા ચણા, ગોળ અને ઘી લઈ ગયા અને પ્રથમ પ્રસાદ માને ધરાવ્યો, જેના ઉપરથી મોહનથાળની પરંપરા ઉતરી આવી હોય તેમ કહેવાય છે.

આ ઘટના અંગેની વાત હજુ પણ લોકોક્તિમાં જળવાઈ રહી છે.

હાલનું માનું મંદિર મહારાણા જશરાજજીએ બનાવ્યું અને તેમાં વીશાયંત્રની સાધના કરી. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. આપણે જે સ્વરૂપ જોઈએ છે તે રોજ બદલાય છે અને તે ભાવિકોની આસ્થા સાથે જોડાઈને ઊભી થયેલ પરંપરા ગણી શકાય. બાકી, પૂજા-અર્ચના યંત્રની જ થાય છે અને તે કરનાર સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવો એક ચોક્કસ પરિવારમાંથી આવે છે અને આ શાક્ત પરંપરાના દીક્ષિત છે તેવું કહેવું છે.

એવું પણ કહેવાય છે કે, આ યંત્રની પૂજા કરતી વખતે પૂજારી મહારાજ આંખે પાટા બાંધી દે છે, જેથી એમને પણ સાક્ષાત્ યંત્રના દર્શન થતા નથી. હળવાશમાં એવું કહેવાય છે કે જે આ વીશાયંત્રની પૂજા કરે છે તેને સ્વયં જગદીશ પણ કશું કરી શકતા નથી.

આ વીશાયંત્રની સ્થાપના મહારાણા જશરાજજીએ બનાવેલ મંદિર જે થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે સુવર્ણ શોભિત શિખરો સાથે દર્શન સારી રીતે થઈ શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવીને બનાવ્યું છે. એવું પણ કહેવાય છે કે સોલંકી રાજ્યવહીવટ દરમિયાન જે વિદ્વાન બ્રાહ્મણોને ઉત્તરમાંથી આમંત્ર્યા હતા, જે હજારની ટોળીમાં આવ્યા માટે સહસ્ર અને ઉત્તરમાંથી આવ્યા માટે ઉદિચ્ય, એમ આગળ જતા ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણો તરીકે જાણીતા થયા. માતૃગયા તીર્થ સિદ્ધપુરના આ પંડિતોએ વીશાયંત્રની સ્થાપના કરી, માની સેવામાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે મંદિરનો તમામ સ્ટેટ વહીવટ દાંતા સ્ટેટની દેખરેખ નીચે બ્રાહ્મણોને પૂજા તેમજ અન્ય વહીવટ માટે સોંપવામાં આવ્યું. એ જમાનામાં મંદિરની આવકના ચાર ભાગ થતા. એક બ્રાહ્મણોને, બીજો મંદિર નિભાવ માટે, ત્રીજો સ્ટેટ હસ્તકના તમામ મંદિરોની જાળવણી માટે અને ચોથો ભાગ સ્ટેટ પાસે રહેતો.

દર્શન માટે આવનાર કોઈ પણ વ્યક્તિની સલામતી તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા અને માના દર્શન સુપેરે થાય તે અંગેની તમામ જવાબદારી દાતા સ્ટેટની રહેતી. સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવ દાર્શનિક શિરોમણી પં. જયદત્ત શાસ્ત્રીજી દાંતા સ્ટેટના રાજપુરોહિત હતા. નિયમો પ્રમાણે મંદિરના ગર્ભગૃહમાં બ્રાહ્મણ તેમજ રાજાને સ્નાન કરી શુદ્ધ થઈ માત્ર અબોટિયું (પિતાંબર) પહેરીને જ પ્રવેશવાની સ્ટેટની આજ્ઞા હતી. અન્ય કોઈ પણ વ્યક્તિને ગર્ભગૃહમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો.

મંદિર પરિસરમાં કોઈ પણ જગા ઉપર તેલનો વપરાશ કરવા ઉપર પ્રતિબંધ હતો. ત્યાં સુધી કે મંદિરમાં ઉજાશ કરવા માટે મશાલ પણ ઘીની સળગાવવામાં આવતી, જે પરંપરા આજે પણ ચાલુ છે.

આબુ રોડ તરફથી આવનાર માટે સરહદ છાપરી પાસે અને ઈડર તરફથી આવનાર માટે રાણપુર બંગલા પાસે નદીમાં નહાવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ, જે કારણથી આ નદીઓ તેલિયા નદી તરીકે ઓળખાતી હતી. સાથે ભાથું લાવ્યા હોય તેમાં તેલ વપરાયું હોય તેવી કોઈ પણ આઈટમ હોય તો તેનો અહીં ત્યાગ કરવો પડતો. અહીંથી આગળ અંબાજીમાં એ લઈ જઈ શકાતી નહોતી. માથામાં તેલ નાખ્યું હોય તો માથાબોળ સ્નાન કરીને તેલ ધોઈ નાખવાનું રહેતું.

આ વર્ણન થોડું વિસ્તારપૂર્વક કરવાનું કારણ એ છે કે માના પરિસરમાં કોઈ પ્રકારના તેલનો ઉપયોગ વર્જ્ય છે. ત્યાં સુધી કે માને ધરવામાં આવતો ભોગ પૂરી કે ભજિયાં તેલને બદલે ઘીમાં તળવામાં આવે છે. આ કારણથી રાજ્ય સરકારે વૈકલ્પિક પ્રસાદ તરીકે ચીકી ધરાવવાની છૂટ આપી તે પ્રસ્થાપિત પરંપરાનો ભંગ છે. પ્રસાદ વૈકલ્પિક હોઈ શકે નહીં.

બીજું, રાજ્ય સરકારના પ્રવકતાશ્રીને મેં સાંભળ્યા. તેમનું કહેવું હતું કે, ‘મગફળી ક્રશ કરી નાખી એનો માવો બનાવી એ ચીકીમાં વપરાશે.’ આ સદંતર અયોગ્ય બાબત છે, કારણ કે, આ પ્રક્રિયા કરવા જતા મગફળીમાંથી તેલ છૂટું પડે અને જે પ્રસાદનો એક ભાગ તેલ હોય તે પ્રસાદ મા જગતજનની અંબાજીને ધરાવવો એ સદંતર અયોગ્ય છે. એનાથી પ્રસ્થાપિત પ્રણાલિકાનો ભંગ થાય છે, પણ માને અશાતના થાય એ પણ એટલું જ નક્કી છે.

રાજા ઉપર હંમેશાં શક્તિ અને શિવ તેમજ અન્ય દેવો જેમાં કોઈ પણ વ્યક્તિ આસ્થા ધરાવતી હોય તેનું રક્ષણ હોય તો જ રાજ્ય સુપેરે ચાલી શકે છે. ભગવાન સત્યનારાયણની કથામાં આપણે સાધુ-વાણિયાની દીકરી ભગવાનના પ્રસાદની અવહેલના કરી પોતાના પતિ આવી રહ્યા છે તે સાંભળી તેમને મળવા દોડી જાય છે તેને કારણે સાધુ-વાણિયાના વહાણમાં ભરેલું દ્રવ્ય અને અન્ય કીમતી સામાન માત્ર પાંદડાં થઈ જાય છે. ભગવાનને પોતાના વર્તનને કારણે અશાતના થઈ તેનું ભાન થતાં પેલી દીકરી પરત આવી અફસોસ વ્યક્ત કરે છે, માફી માગે છે અને ભગવાન એને માફ કરી એણે પ્રસાદ લીધો એટલે દોષમુક્ત કરી દે છે. આ પ્રસાદનો મહિમા છે.

સત્યનારાયણ ભગવાનને ધરાવાતો મહાપ્રસાદ હોય કે પછી તિરૂપતિ, સાંઈબાબા, રણછોડજી, શામળાજી, શ્રીનાથજી જેવા દેવોને ધરાવાતો પ્રસાદ હોય કે પછી શિવના લિંગને અડી ગયેલ કોઈ પણ પ્રસાદ શિવ નિર્માલ્ય ગણી ગ્રહણ કરી શકાતો નથી તે શાસ્ત્રાજ્ઞા હોઈ, પુરાણસિદ્ધ પ્રણાલિઓ અને પરંપરાઓની કોઈ પણ દેવમાં આસ્થા ધરાવતા ભક્તો માટે વિશિષ્ટ મહત્ત્વ છે. સરકારના નિર્ણયથી એ બદલવું અને તેમાં પણ મગફળીનો ભૂકો કરવાથી છૂટું પડેલ તેલ સાથેની લુગદી ચીકી બનાવવા માટે વાપરવી એ આ પરિસરમાં તેલને પ્રવેશ નથી એ લાખો ભક્તોની શ્રદ્ધાનો ભંગ કરે છે અને મહામાયા મા અંબા જગદંબેને અશાતના થાય એવી સ્થિતિનું નિર્માણ કરશે. આ કારણથી વૈકલ્પિક ચીકી પ્રસાદ ધરવો શ્રદ્ધાળુઓમાં સ્વીકાર્ય બની શકે નહીં.

આ જાહેરાત બાદ શ્રદ્ધાળુઓમાં બીજી પણ એક વાત જો2શોરથી ચર્ચાય છે. જે મુજબ ધીરે ધીરે મોહનથાળ ખૂટી ગયો છે, આજે માત્ર ચીકીનો પ્રસાદ જ ચડાવી શકાશે – વગેરે વહીવટી કારણોસર મોહનથાળનો ભોગ માને ધરાવવાની જે પરંપરા છે, તેનો છેદ ઉડાડી દેવાશે. સનાતન હિન્દુ ધર્મનું પાલન કરતા અને એમની પૂજા-આરાધના-પદ્ધતિઓમાં વિશ્વાસ ધરાવતા વિશાળ હિન્દુ સમુદાયની લાગણી દુભાય એવું સ2કારે ના કર્યું હોત તો તે ઉચિત રહેત.

ખાસ કરીને સામે ચૈત્રી નવરાત્રિ જે મોટા ભાગે શારદીય નવરાત્રિની માફક મોટી નવરાત્રિ ગણાય છે અને મહદ્ અંશે સાધકો આ ચૈત્રી નવરાત્રિ સાધના માટેના પવિત્ર સમય તરીકે ઉપયોગ કરી વ્રત-વ્રતાદિ તેમજ વિવિધ પ્રકારના વ્રત અને પૂજાઓ થકી માની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે તે શરૂ થશે. હું જો ભૂલતો ના હોઉં તો ભારતના માનનીય પ્રધાનમંત્રી માની શક્તિમાં એમની શ્રદ્ધાના પ્રતિક રૂપે માત્ર પાણી ઉપર માની આરાધના કરે છે ત્યારે કદાચ એમનું માર્ગદર્શન લીધું હોય તો સામાન્ય અને વહીવટી નિર્ણય ગણાતો આ નિર્ણય એક શક્તિપીઠની વર્ષોથી ચાલી આવતી પૂજા-આરાધના પદ્ધતિને બદલનારો હોઈ તેમણે ક્યારેય મંજૂર ના કર્યો હોત.

રાજ્ય સરકાર એટલે રાજા. માની છત્રછાયામાં આપણે બધા જીવીએ છીએ ત્યારે રાજા ઉપર તો તે વિશેષ રહેવી જોઈએ, જેથી સમગ્ર રાજ્યની પ્રજા સુખી થાય એટલે મુખ્યમંત્રીશ્રીએ આ બાબત ધ્યાને લઈ કરાયેલ ફેરફારને રદ કરી પ્રસાદ પરંપરા પુન: સ્થાપિત કરવી જોઈએ એવી મા પરમ શક્તિમાં દૃઢ વિશ્વાસ રાખનાર અને યથાશક્તિ પૂજા-આરાધના કરનાર એક શક્તિ ઉપાસક અને એક પ્રજાજન તરીકે ગુજરાતની પ્રજા વતી માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય પ્રધાનમંત્રીજીને વિનંતી છે.

છેલ્લે, સમાપનમાં –

‘ભક્તિહિનં ક્રીયાહિનં, બુદ્ધિહિનં સુરેશ્વરી, ગૃહાણ પરમેશ્વરી.’

યત્કૃપા મયાદત્ત ગૃહાણ અર્થ થાય : હું ભક્તિ પૂજા અર્ચનના જ્ઞાન વિહીન, બુદ્ધિવિહીન એવો તારો અબૂધ બાળક છું. તેં જે મને આપ્યું છે એ જ તારી કૃપાથી પ્રાપ્ત, તને જ અર્પણ કરું છું.

આમાં ભક્તોથી માંડી સત્તાધીશો સુધી બધા સમજે કે આપણે તો માની મહે2 પામવા કાલાવાલા કરીએ છીએ અને ત્યારે એને જે અનુકૂળ આવતું હતું તેને બદલવાવાળા આપણે કોણ?

જય અંબે.

સૌ સુખી થાવ, સૌનું કલ્યાણ થાવ.

– જયનારાયણ વ્યાસ

Related posts

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી

mahagujarat

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

Leave a Comment