પાટણનાં નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં છેલ્લા ૧૪ વર્ષથી લગાતાર દર વર્ષે ચૈત્ર સુદ આઠમ અને નોમના દિવસોએ દ્વિદીવસીય શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય તથા અર્ધશાસ્ત્રીય ગાયન-વાદનના કાર્યક્રમો યોજાય છે. આ પરંપરા મુજબ તા. ૨૯-૦૩-૨૦૨૩ને બુધવારના રોજ સાંજે ૬-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય નાટિકા રજૂ થશે. પ્રથમ શરણમાં માધવી ચોકસી શ્રી માતાજીના સ્વરૂપને અ અનુરૂપ નૃત્ય રજૂ કરશે. ત્યારબાદ નંદિતા ભટ્ટ અને સાક્ષી સોની યુગલ સ્વરૂપે કથ્યક નૃત્ય રજૂ કરશે. અને દ્વિતીય ચરણમાં અમદાવાદની સુપ્રસિધ્ધ સંગીત સંસ્થા ‘સ્વરાલય અકાદમી’ના ચાળીસ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ શાસ્ત્રીય સમૂહ ગાયન રજૂ કરશે જે પાટણ નગર માટે પ્રથમ પસંગ હશે. ત્યારબાદ ત્રીજા ચરણમાં શ્રીમતી અમી પરીખ તથા ચોથા ચરણમાં રાધિકા પરીખ પોતાના મધુર કંઠે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે. પાંચમા ચરણમાં પંડિત વિકાસ પરીખ શ્રી માતાજીને રીઝવવા શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. અને છેલ્લા અને છઠ્ઠા ચરણમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને પંડિત જશરાજજીના પટ્ટ શિષ્ય પંડિત નીરજ પરીખ પોતાના બુલંદ કંઠે શાસ્ત્રીય ગાયન રજૂ કરીને શ્રીમાતાજીને કાલાંવાલાં કરશે.
તા. ૩૦-૦૩-૨૦૨૩ને ગુરુવારના રોજ સાંજે ૭-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન અર્ધશાસ્ત્રીય ગાયન, હળવું કંઠ સંગીત તથા સમૂહ તબલાવાદનની પ્રસ્તુતિ થશે. જેમાં ડૉ. સમ્યક્ પારેખ તથા કમલેશ સ્વામી સહિત પાટણના જે જે કલાકાર-વિદ્યાર્થીઓ આ વર્ષે રાજ્ય કક્ષાએ પુરસ્કાર મેળવીને આવ્યા છે તેમાં શિખા નાયક, પૂજા બારોટ, ખ્યાતિ નાયક, મયુર દવે, દીયા યોગી, આરતી લિમ્બાચીયા, વૈદેહી ઠક્કર, શીતલ રાજપુત, પ્રવિણા ગઢવી, દીયા ઠાકોર વગેરે અર્ધશાસ્ત્રીય તથા હળવું કંઠ સંગીત રજૂ કરશે. પાટણના જાણીતા તબલા વાદક દિક્ષિત પ્રજાપતિ અને એમના શિષ્યો સમૂહ તબલાવાદન રજૂ કરશે.