આ અદ્ભુત સાયન્સ સેન્ટરની મુલાકાતે રોજ હજારો વિદ્યાર્થીઓ મુલાકાતે આવી રહ્યા છે
આ સેન્ટર પ્રવાસીઓ માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પાટણ શિહોરી રોડ ઉપર ચોરમારપુરા ગામ નજીક બનેલ રીજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર પાર્કની મુલાકાતે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે…
પાટણના વતની મુંબઈ વસતા પ્રફુલભાઇ કાંતિલાલ શાહે (એસ.કે. ગ્રુપ પરિવાર) થોડા મહિના પહેલા આ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. પાટણ નજીક બનેલ આ અદભુત સેન્ટરને નિહાળી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલ હતા.
તેમણે આ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને નિહાળવા માટે તેમની પાસેના એન્ટિક એવા તેમના પરિવારના ૬૦ વર્ષ જુના કોડાક અને નિકોન કંપનીના કેમેરા ભેટ આપવાનું નક્કી કરેલ.
એ મુજબ પ્રફુલભાઈ શાહ અને તેમના ધર્મપત્ની મૃદુલાબેન શાહ આજે આ બંને કેમેરા ભેટ આપવા ખાસ પાટણ આવ્યા હતા.
આ બંને કેમેરા તેમને આ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીને અર્પણ કરેલ. ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની મૃદુલાબેન શાહ, મિત્ર હર્ષદભાઈ ખમાર અને પ્રફુલભાઈના પરિવારના સભ્યો હાજર રહેલ.
આ રીજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રો. ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ પ્રફુલભાઈ શાહની આ ઉદાર ભાવનાની ખૂબ જ પ્રશંસા કરી હતી. મુંબઈથી ખાસ આ કેમેરા અર્પણ કરવા પાટણ આવ્યા તે બદલ પ્રફુલભાઈને અભિનંદન પણ આપેલ.
ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આવા ભવ્ય પાંચ સાયન્સ સેન્ટરો બનાવ્યા છે તેમાં પાટણ સેન્ટરનો પ્રથમ નંબર આવે છે. ગત ૧લી મે ૨૦૨૨માં આ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ અઢી લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ સેન્ટરની મુલાકાત લીધી છે.
આ સેન્ટરમાં વિવિધ ગેલેરીઓ, ૫-ડી થિયેટર, ડાયનાસોર પાર્ક, વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજી નિહાળી લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે.
પાટણની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ, પટોળા બાદ આ સાયન્સ સેન્ટર પાટણમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પ્રસંગે પ્રો. ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી સાથે ફેકલ્ટી મેનેજર જીત પટેલ, મેઇટેન્ટ મેનેજર હર્ષદ પટેલ, કોમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલકુમાર, ગેલેરી ગાઈડ જગદીશ પટેલ, એડ.આસી. જીનલ મોદી, ટુર ગાઈડ વિપુલ પ્રજાપતિ અને ઉર્વશી પ્રજાપતિ હાજર રહીને આ સમગ્ર સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવી જરૂરી માહિતી આપી હતી.