માધવી હેન્ડીક્રાફટ પરિવારે અણમોલ ભાવ સાથે પટોળા માથી તૈયાર કરાયેલ વસ્ત્રો મંદિર ને અર્પણ કર્યા
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાંથી ભગવાન જગન્નાથજીની નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની 141 મી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ આ વખતે વિશેષ છવાયો છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે રથયાત્રાની તમામ પ્રકારની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજ ના પવિત્ર દિવસે ચાંદી મઢીત રથોમા નગર ચર્યાએ નિકળનાર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સૌ પ્રથમવાર પાટણની પ્રભુતા સમાન વિશ્ર્વ પ્રસિધ્ધ પટોળામાંથી તૈયાર કરાયેલા વસ્ત્રો પરિધાન કરી નગર ચર્યાએ નિકળનાર હોવાનું શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું.
આ વખતે પાટણના મોટી ભાટિયાવાડ ખાતે આવેલ પટોળાના કસબી “માધવી હેન્ડીક્રાફટના સુનિલભાઈ સોની પરિવાર દ્રારા પોતાના અણમોલ ભાવથી છ કારીગરોની મદદથી વિવિધ પ્રકારના રેશમો સહિત નેચરલ ડાઈગ સાથે વનસ્પતિઓના નેચરલ કલરો વડે છ કારીગરોની અથાગ મહેનત સાથે સાત માસ જેટલા સમયમાં પટોળા માથી તૈયાર કરવામાં આવેલા ભગવાનના વસ્ત્રો એકાદશીના પવિત્ર દિવસે જગન્નાથ મંદિર ટ્રસ્ટને સુનિલભાઈ સોની પરિવાર દ્વારા ખૂબ ભાવથી અર્પણ કરવામાં આવ્યા હતાં.