શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ ડૉ. અમીતભાઇ ઓઝાના આચાર્ય પદે દેવી અથર્વશિર્ષના મંત્રોના જાપ દ્વારા શુધ્ધિકરણનો મહાઅભિષેક યોજાયો
ઇ.સ. 1123માં ગુર્ઝર નરેશ સિધ્ધરાજ જયસિંહે બંધાવેલ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના અતિ પ્રાચીન મંદિરમાંથી મળી આવેલ શિલાલેખ મુજબ ઇ.સ. 1377 અને સંવત 1433ને શ્રાવણ સુદ ચૌદશના રોજ શ્રી ક્ષેમંકરી માતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો, જે સિધ્ધરાજ જયસિંહ સહિત સમગ્ર સોલંકી વંશના તથા કેટલાક બ્રાહ્મણ, સોની તથા જૈન સમાજના પણ કુળદેવી તરીકે પુજાય છે. ભિનમાલનો પરમાર રાજા સોમેશ્ર્વર એક સમયે પોતાનું રાજ્ય હારી ગયેલો. પરંતુ સિધ્ધરાજે આ રાજ્ય જીતીને સોમેશ્ર્વરને પાછું અપાવ્યું હતું. ત્યારબાદ સોમેશ્ર્વરના વંશજો શ્રી ક્ષેમંકરી માતાજીની ઉપાસના કરીને એમને ભિનમાલ લઇ ગયા હતા અને આ જ માતાજી આજે ત્યાં ખીમજ માતા તરીકે પૂજાય છે. જે જે સમાજનાં કુળદેવી ખીમજ માતા છે તેઓ સૌ પૂજન-અર્ચન-દર્શન અર્થે પ્રથમ અહીં આવે છે. અને ત્યારબાદ ભીનમાલ જાય છે.
શ્રી ક્ષેમંકરી માતાજીની સાથે શ્રી મહિષાસુરમર્દિની માતાજી પણ અહીં બિરાજમાન છે. આ બંને મૂર્તિઓ ખૂબ પ્રાચીન હોવાથી એની સાફ-સફાઇ ખૂબ જરૂર હતી. તેથી કેનેડાના ટોરન્ટો શહેરમાં રહેતા શ્રીમતી કૈલાશબેન ભરતભાઇ મહેતાએ પોતાના કુળદેવીની મૂર્તિને કાળજીપૂર્વક સાફ-સફાઇ માટે જયપુરથી ત્રણ બ્રાહ્મણ કલાકારોને મોકલ્યા હતા. જેમણે તપેલાં ભરીને દૂધ, દહીં, મધ, સમુદ્રનું ફીણ વગેરેનો ઉપયોગ કરીને શિવાલયમાં બિરાજમાન શ્રી ક્ષેમંકરી માતાજી સહિત તમામ પ્રતિમાઓને દેહિપ્યમાન બનાવી દીધી હતી. પરંતુ આ બધું થયા પછી મંદિરના પૂજારી અશોકભાઇ વ્યાસના કહેવા મુજબ શુધ્ધિકરણનો અભિષેક થવો જોઇએ અને યજ્ઞમાં આહૂતિ અપાવવી જોઇએ. આથી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ ડૉ. અમીતભાઇ ઓઝાના આચાર્ય પદે દેવી અથર્વશિર્ષના મંત્રોના જાપ દ્વારા શુધ્ધિકરણનો મહાઅભિષેક તથા એક ચંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યજમાનપદે બેસવા માટે શ્રીમતી કૈલાશબેન તથા શ્રી ભરતભાઇ એક જ દિવસ માટે કેનેડાથી અત્રે પધાર્યા હતા અને આ સમગ્ર વિધિ સંપન્ન થઇ હતી