પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા છેલ્લા 16 વર્ષથી પાટણ શહેરના ધો.1માં પ્રવેશ કરતા બાળકોને પ.પૂ.શ્રી ડોંગરેજી મહારાજના ફોટા સાથેના દફતર-વોટરબેગ-સહિતની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ પાટણ શહેરની સરકારી-ખાનગી શાળાઓમાં ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને આ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ સંતોકબા હોલ, પાટણ ખાતે આજે યોજવામાં આવેલ જેમાં 1500 જેટલા દફતર-સ્લેટ, પેન, વોટરબેગ સહીતની કીટનું વિતરણ કરાયેલ. પાટણની શાળાના શિક્ષકોને તેમની શાળાના લીસ્ટ મુજબ આ કીટનું વિતરણ કરાયેલ.
આ પ્રસંગે ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. શંકરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે, પાટણમાં ત્રણ વખત પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત્, રામાયણ સપ્તાહનું ભવ્યાતીભવ્ય આયોજન કરાયેલ. આ ત્રણે સપ્તાહમાંથી વધેલી રકમમાંથી ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ. જેના વ્યાજમાંથી પહેલા મધ્યમવર્ગને દર વર્ષે અનાજની કીટનું વિતરણ કરવામાં આવતું હતું. છેલ્લા 15 વર્ષથી આ ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી ડૉ. જે.કે. પટેલે અને યતિનભાઇ ગાંધીએ પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ સાથેના સંસ્મરણો જણાવેલ. કાર્યક્રમનું સંચાલન કરતાં ટ્રસ્ટના કારોબારી સભ્ય હર્ષદભાઇ ખમારે પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજના જીવનનો પરીચય આપતા જણાવેલ કે, પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ કથાકાર સાથે સાચા સંત, સાક્ષાત શુકદેવજીનો અવતાર સમા હતા.
કાર્યક્રમનાં પ્રારંભમાં બોમ્બેમેટલ શાળાના બાળકોની પ્રાર્થના, ભજન, ધુન અને દીપપ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરાયેલ. બાળકોને પ્રતિકાત્મકમ કીટનું વિતરણ કરાયેલ.
આ પ્રસંગે ટ્રસ્ટના કારોબારી સભ્યો ભરતભાઇ પી. પટેલ, ડૉ. સોમભાઇ પટેલ, દિનેશભાઇ જી. પટેલ, શ્રી મનુભાઇ એ. પટેલ, ઘનશ્યામભાઇ પટેલ, નિમેશ વી. પટેલ, પ્રવિણભાઇ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેલ. શાળાઓમાંથી શિક્ષક ભાઇ-બહેનોએ પણ હાજરી આપી હતી.