સાત વિધાનસભા વિસ્તારની બનેલ પાટણ લોકસભા સીટમાં ૪ કોંગ્રેસ અને ૩ ભાજપ પાસે છે
પાટણ લોકસભા સીટ ઉપર કોંગ્રેસે સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ટીકીટ ફાઇનલ કરતા હવે ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના ચંદનસિંહ ઠાકોર વચ્ચે સીધો જંગ જામશે. અગાઉ ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને રીપીટ કરી ઉમેદવાર જાહેલ કરે છે.
પાટણ-મહેસાણા અને બનાસકાંઠા એમ ત્રણ જિલ્લાની ૭ વિધાનસભા વિસ્તારમાં વહેંચાયેલ પાટણ લોસભા મત વિસ્તારમાં કુલ ૨૦૨૧૦૫૨ મતદારો છે. પાટણ-સિધ્ધપુર-ચાણસ્મા-રાધનપુર વિધાનસભા વિસ્તાર પાટણ જિલ્લામાં, ખેરાલુ વિધાનસભા મહેસાણા જિલ્લામાં અને કાંકરેજ, વડગામ વિધાનસભા બનાસકાંઠામાં આવેલ છે. વડગામ, સતલાસણાથી છેક રણકાંઠાના સાંતલપુર સુધીનો ખૂબ મોટો વિસ્તાર ધરાવતી આ લોકસભા સીટમાં ઠાકોર, ક્ષત્રીય કોમની ખૂબ મોટી બહુમતી છે. એ જોતા ભાજપ-કોંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીથી ઠાકોર-ક્ષત્રીય કોમમાંથી ઉમેદવારોથી પસંદગી કરે છે. અગાઉ આ બેઠક વર્ષો સુધી અનામત બેઠક હતી. ૨૦૦૯માં આ બેઠક સામાન્ય થતા કોંગ્રેસના જગદીશ ઠાકોર ભાજપના ભાવસિંહ રાઠોડ સામે ચૂંટાયા હતા. જ્યારે ૨૦૧૪માં ભાજપના લીલાધરભાઇ વાઘેલા ફરી કોંગ્રેસમાં પાટલી બદલી પરત આવેલ કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહને હરાવી ચૂંટાઇ આવ્યા હતા.
૨૦૧૯માં કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનો ભાજપના ભરતસિંહ ડાભી સામે પરાજય થયો હતો. આમ તો છેલ્લા પાંચ વર્ષમાં નિષ્ક્રીય સાંસદનું લેબલ લાગેલા અને અવારનવાર ખૂબ પક્ષ સામે વિવાદાસ્પદ નિવેદનો કરવા છતાં ભાજપે તેમની પ્રથમ યાદીમાં ભરતસિંહ ડાભીના નામની જાહેરાત કરી દેતા આમ પ્રજા સહિત ખૂદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આશ્ર્ચર્ય અનુભવ્યો હોવાનું કહેવાય છે.
ભરતસિંહ ડાભીનું નામ પ્રથમ યાદીમાં જાહેર થતા ભારતીય જનતા પાર્ટી અને ભરતસિંહ ડાભીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભરતસિંહ ડાભી પીઢ કોંગ્રેસી નેતા ખેરાલુના પૂર્વ ધારાસભ્ય, ચીમનભાઇ સરકારના કેબીનેટ મંત્રી સ્વ. શંકરસિંહ ઠાકોરના પુત્ર છે. ભરતસિંહ ડાભી ૨૦૦૭થી ૨૦૧૭ એમ બે ટર્મ ખેરાલુના ધારાસભ્ય અને ૨૦૧૯થી પાટણ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે. ૫૦ વર્ષના ચંદનજી ઠાકોર ૨૦૧૭માં ભાજપના જયનારાયણ વ્યાસને હરાવી વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ૨૦૨૨માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહ રાજપૂત સામે ખૂબ પાતળી માર્જીનથી ચંદનજી ઠાકોરનો પરાજય થયો હતો.
પાટણ લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ જાહેર થયા બાદ આજે પાટણમાં સદારામ બાપાની પ્રતિમાને નમન કરી તેઓએ વિસ્તારના બધા જ મંદિરોની મુલાકાત લઇ પ્રચારનો જોરશોરથી પ્રારંભ કરેલ છે.
પાટણ લોકસભાની વર્તમાન સ્થિતિની ૭ વિધાનસભાની વાત કરીએ તો વર્તમાનમાં ચાણસ્મા, પાટણ, કાંકરેજ, વડગામમાં એમ ૪ સીટો કોંગ્રેસ પાસે જ્યારે રાધનપુર, ખેરાલુ, સિધ્ધપુર ત્રણ સીટો ભાજપ પાસે છે. પ્રથમ દૃષ્ટિએ ગુજરાતની ૨૬ સીટોમાં એકમાત્ર પાટણનીસીટ ભાજપ માટે નબળી ગણાય છે. પરંતુ ભાજપ પાસે મોદી લહેર, મજબૂત સંગઠન, બુથ લેવલના કાર્યકરો, સંઘ વિગેરેને કારણે ગત ચૂંટણીમાં ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો.
૬૭ વર્ષના ભરતસિંહ ડાભી સામે ૫૦ વર્ષના ચંદનજી ઠાકોર વચ્ચે આ વખતે બરોબરીનો જંગ જામશે તેવું લાગે છે. ચંદનજી ઠાકોર ૪૨ ઠાકોર સમાજના પ્રમુખ હોવા ઉપરાંત ઉદાર દાતા તરીકે છાપ ધરાવે છે. તેમની પડખે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દીનેશજી ઠાકોર, વડગામના જીગ્નેશ મેવાણી અને કાંકરેજના ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો મહેનત કરે તો ચંદનજી ઠાકોર આ સીટ જીતી ભાજપનો ગુજરાતમાં ૨૬એ ૨૬ સીટો જીતવાનો રથ રોકી દે તો નવાઇ નહીં, તેવું હાલ તો લાગે છે.