અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પાટણ ખમાર જ્ઞાતિની વાડીમાં આવેલ રામજી મંદિરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે
વહેલી સવારથી રાત્રી સુધીના કાર્યક્રમોનું આયોજન
લાખો લોકોના બલિદાનો અને સેંકડો વર્ષોની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વરદ હસ્તે યોજાનાર છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસની ઉજવણી કરવા દેશના કરોડો લોકો ઉત્સુક છે. પાટણની ખમાર જ્ઞાતિની વાડીમાં ભગવાન શ્રી રામજી અને શ્રીમહાકાળી માતાના સુંદર મંદિરો આવેલા છે. શ્રી પાટણ ખમાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આ શુભ દિન આખા દિવસનાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
વહેલી સવારથી રાત્રિના ૮.૩૦ સુધીના યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતા, પાટણ ખમાર જ્ઞાતિ ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ હર્ષદભાઈ ખમાર અને આ કાર્યક્રમના કન્વીનર ડૉ. પારસ ખમારે જણાવ્યું હતું કે, વાડીમાં આવેલ ભગવાન શ્રી રામજી અને શ્રી મહાકાળી માતાના બંને મંદિરોમાં સવારે ૭:૩૦ કલાકે સુંદર આંગી સાથેના દર્શનથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે. બાદ સવારની આરતી થશે. સવારે ૯:૩૦ કલાકે પાટણ ખમાર જ્ઞાતિની વાડીમાંથી ખમાર જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા કાઢવા માં આવશે. જેમાં ડી.જે., રથ, ઝાંખીઓ અને ધજાઓ સાથે ખમાર જ્ઞાતિજનો અને આજુબાજુ વિસ્તારના લોકો જોડાશે. જે શોભાયાત્રા ભદ્ર, વિઠ્ઠલ ચેમ્બર, રતનપોળ, બ્લડ બેન્ક, લાલ દરવાજા, મોતીસા દરવાજા ફરી જ્ઞાતિની વાડીમાં પરત ફરશે. બપોરે ૧૧:૦૦ વાગે વાડીમાં આવેલા બંને મંદિરોમાં અન્નકુટ દર્શન યોજાશે. બપોરે ૧૨.૩૯ કલાકે મહા આરતી સાથે આતશબાજી અને મહા પ્રસાદનું વિતરણ કરાશે.
બપોરે ૨:૦૦ કલાકે જ્ઞાતિની વાડીમાં સમાજનાં બાળકો, યુવાનો, યુવતીઓ દ્વારા ભગવાન રામજી અને રામાયણની થીમ ઉપર વેશભૂષા, નૃત્ય, સમૂહ નૃત્ય, નાટીકા જેેવા કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. સાથે પાટણનું ‘હેરીટેજ કરાઓકે ગ્રુપ’ દ્વારા ગીતોનો પણ પણ રજુ કરાશે. સાંજે ૫:૩૦ કલાકે ‘સ્વર સંગીત ગ્રુપ-પાટણ’ના સંદીપ ખત્રી અને અનિતા ખત્રી દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા અને ફિલ્મી ધાર્મિક ગીતોનો કાર્યક્રમ પ્રસ્તુત કરાશે. રાત્રે ૭.૩૦ કલાકે ૨૫૦ જેટલા દિવાઓ સાથે સામુહિક મહા આરતી કરવામાં આવશે. આરતી બાદ ભવ્ય આતશબાજી કરવા માં આવશે. આ દિવસે ખમાર જ્ઞાતિની વાડી અને બંન્ને મંદિરો ઉપર રંગબેરંગી લાઇટોની રોશની કરવામાં આવશે. આ દિવસે ખમાર સમાજના બધા જ પરિવારો માટે સવારથી ચા-નાસ્તો, બપોર અને સાંંજનું મિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટ ના પ્રમુખ હર્ષદભાઇ ખમાર, મંત્રી ડૉ. વિમલેશભાઈ ખમાર, ખજાનચી હેમંતભાઈ કાટવાલા, આ કાર્યક્રમના કન્વીનર ડૉ. પારસ ખમાર, સહક્ધવીનર નિસર્ગ ખમાર, ટ્રસ્ટીઓ, ઉજવણી સમિતિના સભ્યો આ કાર્યક્રમ એક ભવ્ય અને યાદગાર બની રહે તે માટે ભારે જહેમત લઈ તૈયારીઓ કરી રહ્યા છે.