તો શું બીજા સાંસદો કમીશન લે છે?
તેઓએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી તેનો પ્રજાને હિસાબ આપે : કોંગી ઉમેદવાર ચંદનસિંહ ઠાકોર
પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપમાંથી ભરતસિંહ ડાભી અને કોંગ્રેસમાંથી ચંદનસિંહ ઠાકોરના નામો જાહેર થતાં બંને વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થયો છે, અને જોરશોરથી બંને ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. ભાજપના ભરતસિંહ ડાભીએ પાંચ લાખથી વધુ મતે જીતવાનો હુંકાર કરતાં પક્ષે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા છે. પાંચ વર્ષ દરમિયાન તેમણે સાંસદ તરીકે શું કામગીરી કરી? લોકસભામાં આ વિસ્તારના કયા પ્રશ્ર્નો ઉઠાવ્યો, તેનો હિસાબ આપવાના બદલે કાયમી વિવાદમાં રહેવા ટેવાયેલ ભરતસિંહ ડાભીએ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભામાં જણાવેલ કે, “પાંચ વર્ષના તેમના સાંસદ કાળ દરમિયાન તેમણે કોઇ પાસે ટકાવારી, કમીશન લીધું નથી. તેમની આ વાત આજકાલ રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો છે. પાટણના સાંસદે જણાવ્યું કે “હું સરપંચથી લઇ સાંસદ બન્યો, લોકોએ મને વિજયી બનાવ્યો. હંમેશા હોદ્દાને ન્યાય આપ્યો છે. કોઇ સરપંચ, ડેલીગેટ કે સામાન્ય નાગરીક પાસે મેં કયારે ટકાવારી લીધી નથી. ટૂંકમાં પાટણના સાંસદ ટકાવારીમાં પડ્યા નથી. પરંતુ આવી વાતો કરવાનો શું અર્થ? તો પછી બીજા કોણ હશે? જે ગ્રાન્ટમાં ટકાવારી લેતા હશે? એવી ચર્ચાઓએ આજકાલ જોર પકડ્યું છે.
ભરતસિંહ ડાભીના આ નિવેદન બાબતે પ્રતિભાવ આપતા કોંગ્રેસના ચંદનસિંહે જણાવ્યું કે હકીકતમાં તેમણે તેમની પાંચ વર્ષની કામગીરીનો હિસાબ આપવો જોઇએ. તેમની વાત ઉપરથી લાગે છે કે તો શું બીજા સાંસદ કમીશન લે છે? કેન્દ્રમાં ભાજપની સરકાર છતાં, પાટણ વિસ્તારના અનેક પ્રશ્ર્નો રૂંધાય છે. હકીકતમાં તેઓ પાંચ વર્ષમાં તેમના વિસ્તારના અનેક ગામોની મુલાકાતે પણ ગયા નથી ‘અરે’ તેમને દત્તક લીધેલ ગામની શું હાલત છે તેની તપાસ કરવી જઇએ.
પાંચ વર્ષમાં પહેલીવાર પત્રકાર પરિષદ બોલાવી છતાં ભરતસિંહ ડાભી ફરક્યા જ નહીં : પત્રકારો રોષ ઠાલવી ટપોટપ રવાના થઇ ગયા
સાંસદ ભરતસિંહ ડાભીને પ્રથમ યાદીમાં ભાજપે ટીકીટ આપવા વિસ્તારમાં પાંચ વર્ષમાં તેમણે કરેલી કામગીરી બાબતે ચર્ચાઓ થઇ રહી છે.
શહેર અને જિલ્લાની અનેક સંસ્થાઓ, નાગરીકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા મથક પાટણનાં મીડીયા સાથે પ્રેસ કોન્ફરન્સ પણ પાંચ વર્ષમાં તેઓએ કરી નથી. તેમની કામગીરી બાબતે અનેક ચર્ચા થતાં, આ ચૂંટણીમાં ફરી ઊભા રહેલ ભરતસિંહ ડાભીએ ગત ૨૭મીએ રાત્રે પાટણના ચાણસ્મા હાઇવેની બંસી કાઠીયાવાડીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી રાત્રે ૮-૦૦ વાગે પત્રકારોને નિમંત્રણ આપેલ. ઉપસ્થિત મીડીયાના મિત્રો કલાકો સુધી રાહ જોયા બાદ ભરતસિંહ ડાભી ફરક્યા જ નહિ. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વપ્રમુખ મોહનલાલ પટેલ હાજર હતાં, તેઓ પણ ભોંઠા પડી ક્યારે નિકળી ગયા પત્રકારોને ખબર ના પાડી. છેવટે પત્રકારો પણ પોતાનો કિંમતી સમય બગાડ્યો તેવો રોષ વ્યક્ત કરી એક પછી એક રવાના થઇ ગયા હતા. આ પ્રેસમીડીયાનું સંકલન કરનાર ભાજપ મીડીયા સેલના જયેશ દરજી બિચારા મીડીયાના મિત્રોની માફી માંગી પ્રેસના મિત્રોને રવાના કર્યા હતાં.