પાટણના 200 વષૅ જુના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ- દિવસીય ઉજવણી કરાશે
અયોધ્યાની સાથે સાથે પાટણમાં પણ ભગવાન રામ પ્રતિષ્ઠા મહોત્સવ, મહા આરતી, પુજા, શોભાયાત્રા અને હવન યજ્ઞ સહિતના ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવશે.
ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યામાં સદીઓ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે અને તેમાં તારીખ 22 જાન્યુઆરીના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે તેની સાથે સાથે જ પાટણમાં પણ વર્ષો પૂરાણા રામજી મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે.
ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનો માટે આસ્થાના પ્રતીક સમા શોભાયમાન બની રહ્યા છે. પાટણ શહેરના ગોળ શેરી, શારદા સિનેમા ગિરધારી રોડ પર આવેલા 200 વર્ષ પૂર્વે સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પરિસર પણ લોકોના આસ્થાના પ્રતિક સમુ બની રહ્યું છે ત્યારે આ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી રામ ભક્તોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કાયૅ પુણૅ કરી તેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 20 જાન્યુઆરીને શનિવાર થી તા. 22 જાન્યુઆરી એમ ત્રિદિવસીય ભક્તિ સભર માહોલમા પ્રતીકકુમાર જયંતીભાઈ પટેલ (વાલી) અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારના યજમાન પદે યોજાનાર છે.
શહેરના ગિરધારી રોડ પર આવેલા શ્રી રામજી મંદિરના પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલ ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવોની માહિતી અર્થે ગુરૂવારના રોજ મંદિર પરિસર ખાતે ટ્રસ્ટીગણ અને સેવક મંડળ ની ઉપસ્થિતિમાં પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, સેવક દિનેશભાઈ પટેલ, દેવાંગભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ સહિતના ઓએ જણાવ્યું હતું કે આ મંદિર 200 વષૅ જુનું હોય જે જજૅરિત બનતાં તેનું નવનિર્માણ કરવામાં આવેલ.
આ મંદિર મા સ્થાપિત ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતા સહિત હનુમાનજી મહારાજની પ્રતિમાઓનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. 20 થી 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર ની સાથે સાથે જ ત્રિદિવસીય આયોજિત કરવામાં આવેલ છે.
જેમાં તા. 20 જાન્યુઆરી એ સવારે 8:30 કલાકે ગણેશ પૂજન, બપોરે 12:35 કલાકે મંડપ પ્રવેશ હોમ, બપોરે 3:15 કલાકે કર્મકુટી પૂજન હોમ, 5:30 કલાકે સાઈ પુજા આરતી અને રાત્રે 8:00 કલાકે ભગવાનની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મંદિરેથી નિકળશે.
તારીખ 21 ફેબ્રુઆરીના રોજ સવારે 9:00 કલાકે થપી દેવતા પૂજન 10:00 કલાકે વાસ્તુપૂજન 3-00 કલાકે મહાસ્તપન વિધિ સાંજે 5-00 કલાકે હોમ પ્રસાદ વિધિ 5-30 કલાકે સાંઇ પૂજા આરતી રાત્રે 9:00 કલાકે કનૈયા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન કરાશે જ્યારે તારીખ 22 જાન્યુઆરીના રોજ સવારે 9:00 કલાકે દેવતાઓનું પ્રાણ પૂજન બપોરે 12 કલાકે પ્રાણ હોમ બપોરે 12 39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે 4 થી 5 પૂણૅ: હૂતિ આરતી સાથે આ ત્રિદિવસીય પ્રસંગ સંપન્ન થશે.
આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગ ના યજમાન પદે પ્રતીકકુમાર જયંતીભાઈ પટેલ (વાલી) અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારે લ્હાવો લીધો છે તો આ ધાર્મિક પ્રસંગ ની શાસ્ત્રોક્ત વિધિ વેદપાઠી યજ્ઞેશ અધ્યારૂ સહિતના ભૂદેવો દ્રારા કરવામાં આવશે તો આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે પાટણની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ભક્ત મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું પણ આયોજકો એ જણાવ્યું હતું.