એસી હોલ બનાવવા શરદભાઇ પી. શાહ પરિવાર દ્વારા રૂા. ૨૫ લાખના માતબર દાનની જાહેરાત
પાટણમાં દશા વાયડા વણિક જ્ઞાતિનો અને ઉત્કર્ષ મંડળ દ્વારા સંચાલિત “ઇન્દિરાબેન શાંતિલાલ પરીખ યમુનાવાડીને ૧૦ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અમેરિકાથી આવેલ શ્રી પ્રકાશભાઇ પરીખ, ડૉ. કોકીલાબેન પરીખ અને ડૉ. મીનાબેન ઓઝાના મુખ્ય મહેમાનપદે યોજાયેલ સમારંભમાં પાટણ, મહેસાણા, અમદાવાદના જ્ઞાતિજનો અને પાટણના પ્રતિષ્ઠિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
પાટણની જ્ઞાતિના પ્રમુખ ડૉ. રોહિતભાઇ શાહે સૌનું સ્વાગત કર્યું હતું. ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી હરેશભાઇ પરીખે ત્રિકમ બારોટની વાવ પાસે આવેલ આ વાડીનો છેલ્લા ૧૦ વર્ષમાં પાટણનાં નગરજનોને લગ્ન વિગેરે પ્રસંગોએ ખૂબ જ વ્યાજબી દરે આ વાડીનો લાભ લીધો હોવાનું જણાવેલ. તેમણે આ વાડીમાં ઉપરના માળે ૨૦૦ની ક્ષમતાવાળો એરક્ધડીશન હોલ બનાવવા તથા બે રૂમો બનાવવા અંગે રજૂઆત કરી હતી.
આ પ્રસંગે ૧૩ જ્ઞાતિજનોના તૈલચિત્રોની અનાવરણ વિધિ થઇ હતી. આ યમુના વાડીના ચેરમેન મહેસાણાના જાણીતા એડવોકેટ શ્રી શરદભાઇ શાહના બે પુત્રો મેહુલભાઇ શાહ, એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ તથા ડૉ. રાજન શાહ હાજર હતાં. તેમણે તેમના માતૃશ્રી ‘ઇલાબેન શરદભાઇ શાહ’એ નામ હોલ સાથે જોડવા રૂા. ૨૫ લાખના માતબર દાનની જાહેરાત કરી હતી.
પાટણના જાણીતા પારેખ કુટુંબના સ્વ. સતીષભાઇ ગોકળદાસ પારેખના સ્મરણાર્થે ૭ લાખના દાનની જાહેરાત પણ થઇ હતી. મુંબઇના નૈમેશભાઇ હસમુખભાઇ પરીખે તેમની માતૃશ્રી પ્રેમલત્તાબેનના સ્મરણાર્થે રૂા. ૨.૫૦ લાખની જાહેરાત કરી હતી. ઉપરાંત તૈલચિત્રો મુકાવવા ૧ લાખના દાનની પણ જાહેરાતો થઇ હતી. ટૂંક સમયમાં પાટણની જનતાને એક સારો એરક્ધડીશન હોલ સાથેની વિસ્તૃત સેવાએ આ શહેર મધ્ય આવેલ વાડીમાં મળશે.
આ કાર્યક્રમમાં પાટણના અગ્રણી નગરજનો, વૈષ્ણવ સમાજના હોદ્દેદારો, દ્વારકાધીશ મંદિર અને સર્વમંગલમ્ આશ્રમનાં ટ્રસ્ટીઓ હાજર હતાં. પાટણનાં અગ્રણી નાગરીક પ્રહલાદભાઇ સોનીએ વાડીના વિકાસ માટે ૧ લાખનું દાન આપવાનું જાહેર કર્યું હતું.