પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા
વિશ્ર્વની સૌથી પ્રાચીન હસ્તપ્રતો આ જ્ઞાનભંડારમાં સચવાયેલી છે
પાટણના જિલ્લા કલેકટર શ્રી અરવિંદ વિજયન અને તેમના ધર્મપત્ની તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ ના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાતે પધાર્યા હતા. જ્ઞાન ભંડારના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યતિનભાઈ વી શાહ તેમજ સ્ટાફ દ્વારા કલેકટરશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્ઞાન ભંડારમાં સંગ્રહિત પ્રાચીન હસ્તલેખન કલાની સામગ્રીનું મ્યુઝિયમ સુવર્ણ અને રજત શાહીથી લખાયેલી પ્રાચીન હસ્તપ્રતો તેમજ પાટણના ગૌરવ સમાન સુવર્ણ શાહીથી ૧૪માં સૈકામાં લખાયેલ કલ્પસૂત્રની સચિત્ર હસ્તપ્રત નિહાળી કલેક્ટરશ્રી અત્યંત અભિભૂત થયા હતા. જ્ઞાન ભંડારમાં વૈજ્ઞાનિક ઢબે થતી હસ્તપ્રતોની જાળવણી અને સાચવણીની તેઓએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
જ્ઞાન ભંડારમાં સદીઓથી સચવાયેલી હસ્તપ્રતોના વ્યાપક સંશોધન અને સંવાહન દ્વારા આ જ્ઞાન લોકભોગ્ય બને તેમ જ વિશેષ કરીને આયુર્વેદ વિષયની પ્રાચીન હસ્તપ્રતો માં સંગ્રાહાયેલું જ્ઞાન જન આરોગ્ય અને સુખાકારી માટે ઉપયોગી બને તે માટે સરકાર શ્રી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રિસર્ચની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તેવો અનુરોધ જ્ઞાનમંદિર વતી શ્રી યતીનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાટણના ભંડારમાં આયુર્વેદ વિષયની અંદાજે ૨૦૦૦ જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે ગ્રંથ ભંડારની સૌથી પ્રાચીન હસ્તપ્રત મહાકવિ મંમ્મટ દ્વારા રચિત કાવ્યપ્રકાશ નામનો ગ્રંથ સંવત ૧૦૮૦ માં લખાયેલો છે. મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલ ની વિશ્વની સૌથી પ્રાચીન હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાયેલી છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં દુર્લભ એવી કેનવાસ ઉપર લખાયેલી ૧૪માં સૈકાની બે હસ્તપ્રતો અહીં સચવાયેલી છે ગ્રંથોની પ્રાચીનતા અને તેની ઐતિહાસિક મૂલ્યના સંદર્ભમાં પાટણનો ભંડાર અતિ મહત્વનો છે