વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૬ ઓગસ્ટે વચ્યુઅલી કામનો પ્રારંભ કરાવશે
વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવના કારણે પ્રખ્યાત થયેલ ઐતિહાસિક પાટણ નગરીના રેલ્વે સ્ટેશનનો ‘અમૃત ભારત યોજના’ નીચે સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજના નીચે આધુનિકરણ થનાર પાટણ રેલ્વે સ્ટેશનના કામનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૬ઠ્ઠી ઓગષ્ટ રવિવારે સવારે ૧૦-૦૦ વાગે રાજસ્થાનથી વચ્યુઅલી પ્રારંભ કરાવશે.
પાટણ સહિત ભારતના ૧૨૨૨ રેલ્વે સ્ટેશનોનું અમૃત ભારત યોજના નીચે આધુનિકરણ થનાર છે. પાટણ સહિત આ જિલ્લાના મહેસાણા અને સિધ્ધપુર સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ અને વર્લ્ડ ફેમસ પટોળાની થીમ ઉપર પાટણનું રેલ્વે સ્ટેશનનું મુખ્ય બિલ્ડીંગ બનશે. પહેલાથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા વધારાનો ફુટ ઓવરબ્રીજ, પ્લેટ ફોર્મ ઉપરના સેડ, ટોયલેટ, બેઠક વ્યવસ્થા સહિત પાર્કીંગ સુવિધા, સુંદર ગાર્ડનનું નિર્માણ કરી પાટણ સ્ટેશનને સુંદર ઓપ અપાશે.
આગામી ૬ તારીખે યોજાનાર કાર્યક્રમની તૈયાર માટે આજે રેલ્વેના એ.ડી.આર.એમ. શ્રી દયાનંદ સાહુ ઉચ્ચ અધિકારીઓ સાથે પાટણ આવ્યા હતા.
પાટણ વિકાસ પરિષદના હોદ્દેદારો દેવજીભાઇ પરમાર, હર્ષદભાઇ ખમાર, યતિનભાઇ ગાંધી, મહાસુખભાઇ મોદી, દિલીપભાઇ સુખડીયા સહિત વેપારી કેશવલાલ ઠક્કરે તેમની શુભેચ્છા મુલાકાત લઇ તેમનું સ્વાગત કરી નવીન બનનાર સ્ટેશનની જાણકારી મેળવી હતી. પાટણ રેલ્વે સ્ટેશન ઉપર આગામી ૬ ઓગસ્ટે ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે.